Top News

More Posts

   The Latest

Most Popular

ગાંધીનગર,

રાજ્યના પાટનગર ગાંધીનગરના સચિવાલય સંકુલની સુરક્ષામાં તહેનાત SRPના એક જવાને કારણોસર ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરતાં સમગ્ર પોલીસ તંત્રમાં ચકચાર મચી જવા પામી છે.

આ બનાવ અંગે મળતી માહિતી પ્રમાણે ગાંધીનગરના સચિવાલય સંકુલની સુરક્ષામાં તહેનાત એસઆરપી જવાન રાજેન્દ્રસિંહ ગોહિલ સચિવાલયના ગેટ નંબર-3 પાસે ડ્યુટી પર હતા. ત્યારે ગત મોડી રાત્રે તેમણે ગેટ નજીક આવેલા એક ઝાડ સાથે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. ઘટનાની જાણ થતાં આસપાસના કર્મચારીઓ અને સુરક્ષાકર્મીઓમાં અફરાતફરી મચી ગઈ હતી. મૃતક જવાન મૂળ ભાવનગર જિલ્લાના રહેવાસી હોવાનું જાણવા મળે છે.

આ બનાવની જાણ થતાં જ સેક્ટર-7 પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો. પોલીસે મૃતદેહને ઝાડ પરથી નીચે ઉતારી પોસ્ટમોર્ટમ માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો છે. સચિવાલય જેવા હાઈ-સિક્યોરિટી વિસ્તારમાં આ પ્રકારની ઘટના બનતા અનેક પ્રશ્નો ઊભા થયા છે.

પોલીસની પ્રાથમિક તપાસમાં આત્મહત્યા પાછળનું ચોક્કસ કારણ હજી સુધી બહાર આવ્યું નથી. જો કે, તપાસ દરમિયાન મૃતક પાસેથી એક સુસાઈડ નોટ મળી આવી છે. આ ચિઠ્ઠીમાં તેમણે લખ્યું છે કે તેમના આ પગલા માટે કોઈ વ્યક્તિ જવાબદાર નથી. તેમ છતાં, તેમાં મકાનના હિસાબ અંગેના ઉલ્લેખને ધ્યાનમાં લેતા આર્થિક અથવા રહેઠાણ સંબંધિત સમસ્યાઓ હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. સુસાઈડ નોટમાં જવાને પરિવાર પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરતાં પોતાની અંતિમ વિધિ અંગેનો નિર્ણય પત્નીને સોંપ્યો હોવાનું પણ લખ્યું છે.

હાલમાં ગાંધીનગર પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે અને ઘટનાના મૂળ કારણ સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે.

To Top