મધ્યપૂર્વમાં ચાલતી તંગદિલી વચ્ચે દુનિયાની સૌથી મહત્વની તેલ ટ્રાન્સપોર્ટ રૂટ ગણાતી હોર્મુઝ જળસંધિ (Strait of Hormuz) ફરીથી વેપારી જહાજો માટે ખુલ્લી જાહેર થતાં જ આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવમાં ભારે ઘટાડો નોંધાયો છે. જાહેરાત બાદ વૈશ્વિક બજારમાં તેલના ભાવમાં 10–11 ટકા સુધીનો ઘટાડો થયો, જેના કારણે ગેસ અને પેટ્રોલના ભાવમાં પણ રાહત મળવાની આશા ઊભી થઈ છે.
આ જળસંધિ વિશ્વના લગભગ 20 ટકા સમુદ્રી તેલ વેપાર માટે અત્યંત મહત્વપૂર્ણ માર્ગ છે. છેલ્લા કેટલાક અઠવાડિયાંથી અમેરિકા-ઇરાન તણાવ અને ઇઝરાયેલ-લેબનાન સંઘર્ષને કારણે અહીં અવરોધ સર્જાતા વૈશ્વિક બજારમાં તેલના ભાવ ઉછળી ગયા હતા. હવે જળસંધિ ખુલતા બ્રેન્ટ ક્રૂડનો ભાવ આશરે 90 ડોલર પ્રતિ બેરલ સુધી નીચે આવ્યો છે. પરંતુ બજારમાં રાહત વચ્ચે જ ચિંતાજનક માહિતી પણ સામે આવી છે.
ઇરાન તરફથી સ્પષ્ટ કરાયું છે કે જળસંધિ ખુલ્લી હોવા છતાં તમામ જહાજોને ચોક્કસ રૂટ પર જ પસાર થવું પડશે અને ઇસ્લામિક રેવોલ્યુશનરી ગાર્ડની મંજૂરી લેવી પડશે. જો અમેરિકા દ્વારા લાગુ કરાયેલ નૌકાદળ બ્લોકેડ ચાલુ રહેશે તો ફરીથી જળસંધિ બંધ કરવાની ચેતવણી પણ આપવામાં આવી છે.
આ સિવાય નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે તેલના ભાવમાં હાલનો ઘટાડો સ્થાયી રહે તેવી ખાતરી નથી. સમુદ્રમાં માઇનનો ખતરો, ઇન્શ્યોરન્સ ખર્ચ, શિપિંગ ટ્રાફિક અને રાજકીય અનિશ્ચિતતા જેવી પરિસ્થિતિઓ હજુ પણ સપ્લાય પર અસર કરી શકે છે. તેથી પેટ્રોલ-ડીઝલના ભાવમાં તાત્કાલિક મોટી રાહત મળશે એવી શક્યતા ઓછી માનવામાં આવે છે.
હાલ માટે બજારમાં રાહતનો માહોલ છે, પરંતુ અમેરિકા-ઇરાન વચ્ચેની ચર્ચા પૂર્ણ રીતે સફળ થાય અને પ્રદેશમાં સ્થિરતા આવે ત્યારેજ તેલ અને ગેસના ભાવ લાંબા ગાળે ઘટવાની સાચી શક્યતા ઊભી થશે.