( પ્રતિનિધિ )વડોદરા,તા.17
વર્ષ 2010 પહેલાં સેવામાં જોડાયેલા શિક્ષકોને ફરજિયાત TET પરીક્ષા આપવાના નિર્ણય સામે શિક્ષકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ નિર્ણયના વિરોધમાં વડોદરા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા જિલ્લા પંચાયત ભવન ખાતે બે કલાકના પ્રતીક ધરણાનું આયોજન કરવામાં આવ્યું હતું. શિક્ષકોએ સરકાર સમક્ષ ટેટ માંથી મુક્તિ આપવાની માંગ ઉઠાવી છે.



સુપ્રીમ કોર્ટના આદેશના અનુસંધાનમાં વર્ષ 2010 પહેલાં નિમણૂક પામેલા શિક્ષકોને પણ ટેટ પરીક્ષા ફરજિયાત બનાવવામાં આવતા રાજ્યભરના શિક્ષકોમાં ચિંતા અને અસંતોષનો માહોલ જોવા મળી રહ્યો છે. આ મુદ્દે જિલ્લા પ્રાઈમરી ટીચર્સ એસોસિએશનના આગેવાનો અને મોટી સંખ્યામાં શિક્ષકો જિલ્લા પંચાયત ખાતે પ્રતીક ધરણા પર બેઠા હતા. શિક્ષક સંઘના જણાવ્યા મુજબ આ નિર્ણયથી ગુજરાતના 70 હજારથી વધુ અને દેશભરના અંદાજે 25 લાખ શિક્ષકો પ્રભાવિત થશે. શિક્ષકોનું માનવું છે કે ભરતી સમયે જરૂરી લાયકાતો, તાલીમ અને પરીક્ષાઓ પૂર્ણ કર્યા બાદ વર્ષોના અનુભવ ધરાવતા શિક્ષકો માટે ફરીથી લેખિત ટેટ પરીક્ષા ફરજિયાત બનાવવી યોગ્ય નથી. આ મુદ્દે શિક્ષકોએ જિલ્લા કલેક્ટર મારફતે આવેદનપત્ર પાઠવી ટેટમાંથી મુક્તિ આપવા માંગ કરી હતી. સાથે જ આગામી સંસદ સત્રમાં જરૂરી કાયદાકીય સુધારા લાવવાની અપીલ પણ કરવામાં આવી હતી. શિક્ષકોનું કહેવું છે કે, જો આ નિર્ણય પર પુનર્વિચાર કરવામાં નહીં આવે તો તેની અસર શિક્ષકોના મનોબળ અને શિક્ષણ વ્યવસ્થા પર પડી શકે છે. હવે સરકાર આ મુદ્દે શું નિર્ણય લે છે તેના પર રાજ્ય અને દેશભરના લાખો શિક્ષકોની નજર મંડાયેલી છે.