મંજુસર પોલીસની કડક કાર્યવાહી: સરપંચ પુત્ર સહિત 8 સામે ગુનો, ધરપકડ માટે ટીમો સક્રિય
વાયરલ વીડિયોએ ખોલી પોલ: તલવાર, ધારીયા અને પિસ્તોલ જેવા હથિયારો સાથે જાહેરમાં ધમાલ
સાવલી: સાવલી તાલુકાના લામડાપુરા ગામે સામાન્ય બોલાચાલી બાદ સરપંચના પુત્ર ઉપેન્દ્રસિંહ ઉર્ફે મુન્નાએ ભાડૂતી ગુંડાઓને ગામમાં બોલાવી હથિયારોના જોરે આતંક મચાવ્યો હોવાનો ગંભીર આક્ષેપ સામે આવ્યો છે. તલવાર, ધારીયા, ફરસી અને લાકડીઓ સાથે જાહેરમાં ધમાલ મચાવતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં મંજુસર પોલીસ હરકતમાં આવી હતી. વીડિયોમાં એક શખ્સ કમર પર પિસ્તોલ જેવા હથિયાર સાથે પણ નજરે પડતો હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું છે.
વાયરલ વીડિયો અને પ્રાથમિક તપાસના આધારે મંજુસર પોલીસે હેડ કોન્સ્ટેબલ રાજુભાઈની ફરિયાદના આધારે ઉપેન્દ્રસિંહ ઉર્ફે મુન્નો રમણસિંહ પરમાર, કલ્પેશભાઈ, વીરુ સહિત કુલ 8 શખ્સો સામે ભારતીય ન્યાય સંહિતા (BNS) અને આર્મ્સ એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ હુમલા દરમિયાન બાઈક સહિત અનેક વાહનોમાં તોડફોડ કરવામાં આવી હતી તેમજ “ગોળી મારશું તો મોંમાંથી ફુવારો નીકળશે” જેવી જાનથી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવી હતી. આરોપીઓની ધરપકડ માટે પોલીસની અલગ-અલગ ટીમો, બાતમીદારો, CCTV ફૂટેજ અને હ્યુમન ઇન્ટેલિજન્સને સક્રિય કરવામાં આવ્યા છે.
રિપોર્ટર: વિમલ પટેલ