Trending

બંજી જમ્પિંગ કંપનીની મોટી ચૂક, યુવતીને સુરક્ષા દોરડું બાંધવાનું જ ભૂલી ગયા, 15 ફૂટ નીચે પટકાતાં 24 વર્ષની યુવતીનું મોત

બ્રાઝિલના સાઓ પાઉલો રાજ્યમાં બનેલી એક દુઃખદ ઘટનાએ એડવેન્ચર સ્પોર્ટ્સની સુરક્ષા વ્યવસ્થાઓ પર ગંભીર સવાલો ઉભા કર્યા છે. 24 વર્ષની મારિયા એડ્યુઆર્ડા રોડ્રિગ્સ ડી ફ્રીટાસ માટે રોમાંચક અનુભવ બનવાનો હતો તે બંજી જમ્પિંગનો કાર્યક્રમ તેના જીવનનો છેલ્લો સાહસ સાબિત થયો. એડવેન્ચર કંપનીની ગંભીર બેદરકારીના કારણે યુવતીને સુરક્ષા દોરડું બાંધ્યા વગર જ 35 મીટર ઊંચાઈ પરથી કૂદકો મારવા દેવામાં આવ્યો, જેના કારણે તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું. આ ઘટના સાઓ પાઉલોના લિમેઇરા અને કોર્ડેઇરોપોલિસ શહેરોને જોડતા ‘પોન્ટે ડો એસ્કેલેટો’ નામના જૂના પુલ પર બની હતી. અંદાજે 30 વર્ષથી બંધ પડેલો આ પુલ છેલ્લા કેટલાક વર્ષોથી એડવેન્ચર પ્રેમીઓ અને સોશિયલ મીડિયા કન્ટેન્ટ બનાવનારા લોકો માટે લોકપ્રિય સ્થળ બની ગયો હતો. જોકે, આ સ્થળે કોઈ સત્તાવાર સુરક્ષા દેખરેખ અથવા નિયમન ન હોવાના કારણે અહીં યોજાતી પ્રવૃત્તિઓની સલામતી અંગે પહેલેથી જ પ્રશ્નો ઊભા થતા રહ્યા હતા.

સ્થાનિક અહેવાલો મુજબ, મારિયાએ બંજી જમ્પિંગ અને તેનો વીડિયો રેકોર્ડ કરાવવા માટે ‘એન્ટ્રે કોર્ડાસ’ નામની ખાનગી એડવેન્ચર કંપનીને લગભગ 290 ડૉલર, એટલે કે અંદાજે 24,500 રૂપિયા ચૂકવ્યા હતા. યુવતી આ અનુભવને યાદગાર બનાવવા માંગતી હતી, પરંતુ તે જ કાર્યક્રમ તેની જિંદગીની અંતિમ ક્ષણોનો સાક્ષી બની ગયો. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, મારિયા પહેલા અન્ય ત્રણ લોકોએ સફળતાપૂર્વક બંજી જમ્પિંગ કર્યું હતું અને તેઓ સુરક્ષિત રહ્યા હતા. પરંતુ જ્યારે યુવતીનો વારો આવ્યો, ત્યારે કંપનીના સ્ટાફે મૂળભૂત સુરક્ષા પ્રક્રિયાઓનું પાલન કર્યું નહોતું. સામાન્ય રીતે જમ્પ પહેલાં સુરક્ષા દોરડું, હાર્નેસ અને અન્ય સાધનોની અનેક વખત તપાસ કરવામાં આવે છે, પરંતુ આ કિસ્સામાં ક્રૂ સભ્યોએ આ મહત્વપૂર્ણ પ્રક્રિયા જ અવગણી દીધી હતી.

ઘટનાના સાક્ષી રહેલા લોકોના જણાવ્યા અનુસાર, યુવતીને પુલના છેડે લઈ જવામાં આવી અને જમ્પ માટે તૈયાર કરવામાં આવી. જોકે, કોઈએ ચકાસ્યું જ નહીં કે સુરક્ષા દોરડું તેના શરીર સાથે યોગ્ય રીતે જોડાયેલું છે કે નહીં. થોડા જ ક્ષણોમાં તેને નીચે ધકેલી દેવામાં આવી. ત્યાં હાજર લોકોએ તરત જ નોંધ્યું કે યુવતી સાથે કોઈ સુરક્ષા દોરડું જોડાયેલું નહોતું. યુવતી લગભગ 35 મીટર એટલે કે 115 ફૂટની ઊંચાઈ પરથી સીધી નીચે પટકાઈ હતી. ઘટનાસ્થળે હાજર લોકો માટે આ દૃશ્ય અત્યંત ભયાનક હતું. અનેક લોકોએ સમગ્ર ઘટનાનો વીડિયો પોતાના મોબાઇલમાં રેકોર્ડ કર્યો હતો. અકસ્માત બાદ આસપાસના વિસ્તારમાં અફરાતફરી અને ચીસાચીસ મચી ગઈ હતી. સૌથી ચોંકાવનારી બાબત એ હતી કે કંપનીના ઇન્સ્ટ્રક્ટર્સને પોતાની ગંભીર ભૂલનો અહેસાસ ત્યારે થયો જ્યારે યુવતી નીચે પડી ચૂકી હતી. ત્યાં સુધીમાં બચાવ માટે કોઈ તક જ બાકી રહી નહોતી. સ્થાનિક તંત્ર અને બચાવ ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી, પરંતુ યુવતીનું જીવન બચાવી શકાયું નહોતું.

અકસ્માત બાદ કંપનીના કેટલાક કર્મચારીઓ અને ઇન્સ્ટ્રક્ટર્સ ઘટનાસ્થળેથી નીકળી જવાનો પ્રયાસ કરી રહ્યા હોવાના આરોપો પણ સામે આવ્યા છે. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, ભૂલની ગંભીરતા સમજાતા જ કેટલાક લોકો ત્યાંથી ભાગવાની તૈયારીમાં હતા. જોકે, સ્થાનિક પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને તેમને રોકી લીધા હતા. મીડિયા અહેવાલો અનુસાર, આ મામલે અત્યાર સુધીમાં 6 લોકોની ધરપકડ કરવામાં આવી છે અને તેમની સામે બેદરકારી તેમજ અન્ય સંબંધિત ગુનાઓ હેઠળ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ ઘટનાએ ફરી એકવાર એડવેન્ચર સ્પોર્ટ્સ ક્ષેત્રમાં સુરક્ષા ધોરણોના કડક પાલનની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. સોશિયલ મીડિયા માટે રોમાંચક વીડિયો બનાવવાની વધતી સ્પર્ધા વચ્ચે સુરક્ષા નિયમોની અવગણના કેટલી ઘાતક સાબિત થઈ શકે છે, તેનું આ એક દુઃખદ ઉદાહરણ બની ગયું છે. હવે તપાસ એ દિશામાં આગળ વધી રહી છે કે કંપનીએ કયા સ્તરે બેદરકારી દાખવી અને આ દુર્ઘટના માટે જવાબદાર લોકો સામે શું કાર્યવાહી કરવામાં આવશે.

Most Popular

To Top