Vadodara

MSU કોમર્સ ફેકલ્ટીમાં પ્રવેશ મુદ્દે વિદ્યાર્થીઓનો ઉગ્ર વિરોધ: 400થી વધુ વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહેવાની ભીતિ

GCAS પોર્ટલની પસંદગીમાં ભૂલથી B.Com Honorsના બદલે Business Operations પસંદ થતાં સર્જાઈ સમસ્યા

વિદ્યાર્થીઓની રજૂઆત બાદ ડીનનું આશ્વાસન: ‘તમામ અરજીઓની સમીક્ષા કરી યોગ્ય ઉકેલ લાવવામાં આવશે’

(પ્રતિનિધિ), વડોદરા, તા. 13

મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (MSU)ની કોમર્સ ફેકલ્ટીમાં શનિવારે પ્રવેશ પ્રક્રિયા સંબંધિત મુદ્દે વિદ્યાર્થીઓનો હોબાળો જોવા મળ્યો હતો. ઓલ ગુજરાત સ્ટુડન્ટ યુનિયનના નેતા પંકજ જયેસ્વાલની આગેવાનીમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ કોમર્સ ફેકલ્ટી ખાતે પહોંચીને સૂત્રોચ્ચાર સાથે આવેદનપત્ર આપીને પોતાની સમસ્યા રજૂ કરી હતી.

વિદ્યાર્થીઓના જણાવ્યા મુજબ વર્ષ 2026-27 માટે B.Com Honors કોર્સમાં પ્રવેશ મેળવવા ઇચ્છતા 400થી વધુ વિદ્યાર્થીઓ દ્વારા GCAS પોર્ટલ પર કોર્સ પસંદગી દરમિયાન ટેક્નિકલ અથવા માનવીય ભૂલના કારણે B.Com Honorsના સ્થાને B.Com Business Operations કોર્સ પસંદ થઈ ગયો હતો. જેના કારણે હવે તેઓ ઇચ્છિત કોર્સમાં પ્રવેશથી વંચિત રહી જાય તેવી સ્થિતિ ઊભી થઈ છે.

વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે તેમણે B.Com Honors માટેની પ્રવેશ પરીક્ષા આપી છે તેમજ ધોરણ-12ની બોર્ડ પરીક્ષામાં જરૂરી લાયકાત મુજબ 45 ટકાથી વધુ ગુણ પણ મેળવ્યા છે. તેમ છતાં પોર્ટલ પર થયેલી ભૂલના કારણે તેમની કારકિર્દી પર અસર થવાની ભીતિ સર્જાઈ છે.

આ મુદ્દે ઓલ ગુજરાત સ્ટુડન્ટ યુનિયનના નેતા પંકજ જયેસ્વાલ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ કોમર્સ ફેકલ્ટીના ડીન સમક્ષ રજૂઆત કરી હતી. વિદ્યાર્થીઓએ B.Com Business Operationsમાંથી B.Com Honorsમાં પ્રવેશ ટ્રાન્સફર કરવાની માંગ સાથે તાત્કાલિક ઉકેલ લાવવાની વિનંતી કરી હતી.

રજૂઆત બાદ કોમર્સ ફેકલ્ટીના ડીને વિદ્યાર્થીઓને આશ્વાસન આપતા જણાવ્યું હતું કે તમામ અરજીઓ પર ગંભીરતાપૂર્વક વિચારણા કરવામાં આવશે. પાત્ર વિદ્યાર્થીઓને યોગ્ય કોર્સમાં પ્રવેશ મળી રહે તે માટે જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવશે અને શક્ય તેટલી વહેલી તકે સમસ્યાનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરવામાં આવશે.

ડીનના આશ્વાસન બાદ વિદ્યાર્થીઓમાં રાહતની લાગણી જોવા મળી હતી, જોકે હવે સૌની નજર ફેકલ્ટી દ્વારા લેવામાં આવનારા અંતિમ નિર્ણય પર મંડાઈ છે.

Most Popular

To Top