CBI, IPS અધિકારીની ઓળખ આપી સાયબર ગઠિયાઓએ વૃદ્ધને કરોડના મની લોન્ડરિંગ કેસમાં નામ છે કહી ધમકાવ્યા
ડરી ગયેલા વૃદ્ધે પોતાની એફડી, વીમા પોલિસી અને અન્ય રોકાણો તોડીને રૂપિયા વિવિધ બેંક ખાતાઓમાં ટ્રાન્સફર કરી દીધા
દર બે કલાકે વીડિયો કોલ કરાવી રાખ્યા નજરકેદ, 11.36 લાખ રૂપિયા બચ્યા, રૂ.1.47 કરોડ હજુ સુધી પરત મળ્યા નથી
વડોદરા તા.12
વડોદરાના વાસણા રોડ વિસ્તારમાં રહેતા નિવૃત્ત સિનિયર સિટીઝનને 538 કરોડ રૂપિયાના મની લોન્ડરિંગ કેસમાં ફસાયા હોવાનો ડર બતાવી સાયબર ગઠિયાઓએ 18 દિવસ સુધી ‘ડિજિટલ અરેસ્ટ’ હેઠળ રાખ્યા હતા. CBI, IPS અધિકારી, જજ અને વકીલ તરીકે ઓળખ આપનારા ઠગોએ વૃદ્ધને સતત વીડિયો કોલ પર રાખી રૂ.1.59 કરોડ વિવિધ ખાતાઓમાં ટ્રાન્સફર કરાવ્યા હતા. જોકે સાયબર હેલ્પલાઇનની મદદથી રૂ.11.36 લાખ બચાવી લેવામાં આવ્યા હતા. જ્યારે બાકીના 1.47 કરોડ હજુ પરત મળ્યા નથી.
સાયબર ગુનેગારોની નવી મોડસ ઓપરેન્ડીનો ભોગ બનેલા વડોદરાના એક નિવૃત્ત સિનિયર સિટીઝન સાથે કરોડો રૂપિયાની ઠગાઈનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. 10 માર્ચ 2026ના રોજ વૃદ્ધને એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. ફોન કરનારે પોતાની ઓળખ ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયાના અધિકારી માનવ શર્મા તરીકે આપી હતી અને તેમના આધાર કાર્ડનો ઉપયોગ કરી ગેરકાયદેસર મોબાઇલ નંબર ચલાવવામાં આવતો હોવાનો દાવો કર્યો હતો.
થોડા સમય બાદ વૃદ્ધને કથિત મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ અને CBI અધિકારીઓ સાથે જોડવામાં આવ્યા હતા. વોટ્સએપ વીડિયો કોલ પર આવેલા એક વ્યક્તિએ પોતાની ઓળખ CBI અધિકારી વિજય પ્રકાશ તરીકે આપી હતી અને વૃધ્ધના નામે ખોલાયેલા બેંક ખાતામાં 538 કરોડ રૂપિયાનું મની લોન્ડરિંગ થયું હોવાનું જણાવ્યું હતું.
ઠગોએ વૃદ્ધને ધરપકડ, સાત વર્ષની જેલ, મિલકતો જપ્ત થવા અને સામાજિક પ્રતિષ્ઠા ખરડાઈ જવાની ધમકીઓ આપી હતી. વિશ્વાસ જીતવા માટે કથિત FIR, CBI નોટિસ અને સુપ્રીમ કોર્ટના દસ્તાવેજો પણ મોકલવામાં આવ્યા હતા. ત્યારબાદ અન્ય વ્યક્તિઓએ IPS અધિકારી, જજ અને વકીલ બની વીડિયો કોલ દ્વારા પૂછપરછ શરૂ કરી હતી.
સાયબર ગઠિયાઓએ 10 માર્ચથી 27 માર્ચ સુધી વૃદ્ધને ‘ડિજિટલ અરેસ્ટ’ હેઠળ રાખ્યા હતા. દર બે કલાકે વીડિયો કોલ કરીને હાજરી આપવા ફરજ પાડવામાં આવતી હતી અને સમગ્ર ઘટનાની જાણ કોઈને નહીં કરવા માટે દબાણ કરાતું હતું. સતત માનસિક દબાણ અને ડરના માહોલમાં વૃદ્ધે પોતાની એફડી, વીમા પોલિસી અને અન્ય રોકાણો તોડીને રૂ.1.59 કરોડ વિવિધ બેંક ખાતાઓમાં ટ્રાન્સફર કરી દીધા હતા.
આ સમગ્ર કાવતરાનો પર્દાફાશ ત્યારે થયો હતો જ્યારે વૃદ્ધ અન્ય એક બેંકમાં એફડી તોડવા પહોંચ્યા હતા. બેંકના અધિકારીઓએ શંકા જતાં તેમની પુત્રીનો સંપર્ક કર્યો હતો. પુત્રીએ સમગ્ર ઘટના સાંભળ્યા બાદ તરત જ આ સાયબર ઠગાઈ હોવાનું સમજી 1930 સાયબર હેલ્પલાઇન પર ફરિયાદ નોંધાવી હતી.
સાયબર હેલ્પલાઇન અને બેંકિંગ તંત્રની ઝડપી કામગીરીના કારણે રૂ.11.36 લાખની રકમ બચાવવામાં સફળતા મળી હતી. જોકે હજુ રૂ.1.47 કરોડની રકમ પરત મળી નથી. પોલીસે ગુનો દાખલ કરી સાયબર ગઠિયાઓ સુધી પહોંચવા માટે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.