રાજ્યોને હજુ ડેટા મળ્યો નથી, સ્થાનિક પ્રવેશ સમિતિ અટવાઈ :
NTAના જથ્થાબંધ અધિકારીઓની વિદાયથી પ્રક્રિયા અટકી
( પ્રતિનિધિ )વડોદરા,તા.27
નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા નીટનું પરિણામ જાહેર થયાને એક અઠવાડિયું વીતી ગયું છે. પરંતુ તેમ છતાં રાજ્યોની મેડિકલ પ્રવેશ પ્રક્રિયા હજુ શરૂ થઈ શકી નથી. રાષ્ટ્રીય સ્તરે એનટીએમાંથી ઘણા અધિકારીઓ એકસાથે બદલાઈ ગયા હોવાથી અને રાજ્યોને જરૂરી વિદ્યાર્થીઓનો ડેટા ન મળવાને કારણે સમગ્ર પ્રક્રિયા લટકી પડી છે.
સામાન્ય રીતે પરિણામ આવ્યા બાદ 10 દિવસમાં રાજ્યની પ્રવેશ સમિતિ કાઉન્સેલિંગ શરૂ કરતી હોય છે. પરંતુ આ વખતે સ્થાનિક પ્રવેશ સમિતિને હજુ સુધી વિદ્યાર્થીઓની માર્કશીટ અને અન્ય આંકડાકીય વિગતો મળી નથી. જેના કારણે કાઉન્સેલિંગનું સમયપત્રક જાહેર કરી શકાયું નથી. સમિતિના અધિકારીઓનું કહેવું છે કે એનટીએ તરફથી ડેટા મળ્યા વિના આગળનું કોઈ પગલું ભરી શકાય તેમ નથી. બીજી તરફ એનટીએમાં મોટા પાયે ફેરફાર થયા છે. પરીક્ષા સંભાળતા ઘણા અધિકારીઓની વિદાય થઈ હોવાથી કામગીરીમાં વિલંબ થઈ રહ્યો છે. આંતરિક ગોઠવણોને કારણે ફાઈલો અને ડેટા ટ્રાન્સફરની પ્રક્રિયા પણ ધીમી પડી છે. આ સ્થિતિને કારણે વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે મૂંઝવણ છે. નીટ પાસ કર્યા બાદ પણ ક્યારે કોલેજમાં પ્રવેશ મળશે તે અંગે કોઈ સ્પષ્ટતા નથી. ખાસ કરીને બીડીએસ, એમબીબીએસ અને અન્ય મેડિકલ કોર્સમાં પ્રવેશ ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે આ વિલંબ ચિંતાનો વિષય બન્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ એનટીએ દ્વારા ડેટા મોકલવાની પ્રક્રિયા હાલ ચાલુ છે. ડેટા મળ્યા બાદ જ રાજ્ય કક્ષાની મેરિટ યાદી અને કાઉન્સેલિંગની તારીખ જાહેર થઈ શકશે. ત્યાં સુધી વિદ્યાર્થીઓએ રાહ જોવા સિવાય કોઈ વિકલ્પ નથી. તજજ્ઞોનું માનવું છે કે જો આગામી 2-3 દિવસમાં ડેટા મળી જાય તો જ ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ થવાની શક્યતા છે.