રામ ચોક ખાતે સરદાર પટેલની પ્રતિમાનું અનાવરણ, વીર શહીદોને અપાઈ ભાવભીની શ્રદ્ધાંજલિ
કારગિલ વિજય દિવસના પાવન અવસરે સુરતના મોટા વરાછા સ્થિત રામ ચોક ખાતે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં ભવ્ય અને દેશભક્તિમય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે 100 ફૂટ ઊંચો ભવ્ય રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવ્યો હતો, જ્યારે ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ દેશભક્તિના રંગમાં રંગાઈ ગયો હતો અને મોટી સંખ્યામાં નાગરિકો, વિદ્યાર્થીઓ તથા જનપ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.
મોટા વરાછાના સુદામા ચોક નજીક આવેલા રામ ચોક ખાતે સ્થાપિત કરાયેલા 100 ફૂટ ઊંચા તિરંગાએ સમગ્ર વિસ્તારનું આકર્ષણ વધાર્યું હતું. ધ્વજારોહણ બાદ ઉપસ્થિત લોકોએ ભારત માતાના જયઘોષ સાથે દેશના અમર શહીદોને યાદ કર્યા અને કારગિલ યુદ્ધમાં બલિદાન આપનાર વીર જવાનોને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. તેમજ આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, “આ માત્ર ધ્વજની સ્થાપના નથી, પરંતુ દેશપ્રેમ, રાષ્ટ્રીય એકતા, શૌર્ય અને ભારત પ્રત્યેની અવિચળ શ્રદ્ધાનું જીવંત પ્રતીક છે. કારગિલના શહીદોએ પોતાના પ્રાણોની આહુતિ આપીને દેશની સરહદોની રક્ષા કરી હતી. તેમની વીરતા અને બલિદાન હંમેશા દેશવાસીઓ માટે પ્રેરણારૂપ રહેશે.”
તેમણે વધુમાં જણાવ્યું કે મોટા વરાછામાં સ્થાપિત કરવામાં આવેલો આ ભવ્ય તિરંગો આવનારી પેઢીઓને દેશભક્તિ અને રાષ્ટ્રપ્રેમનો સંદેશ આપતો રહેશે. કારગિલ વિજય દિવસના અવસરે ઉપસ્થિત તમામ નાગરિકો, વિદ્યાર્થીઓ, યુવાઓ તેમજ બહેનોને તેમણે શુભેચ્છાઓ પાઠવી હતી.ધ્વજારોહણ બાદ હર્ષ સંઘવી તથા અન્ય મહાનુભાવોના હસ્તે સરદાર પટેલની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ભારતના વીર શહીદોને પુષ્પાંજલિ અર્પણ કરીને તેમના અપ્રતિમ બલિદાનને નમન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત સૌએ “આવો, આપણે સૌ સાથે મળીને આપણા રામ ચોક ખાતે તિરંગાની શાનને વધુ બુલંદ કરીએ અને ભારત માતાના ગૌરવને વધારીએ” તેવો સંકલ્પ પણ લીધો હતો.
આ ઐતિહાસિક કાર્યક્રમમાં રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયા, ધારાસભ્ય મુકેશ પટેલ, એલ. કાનજીભાઈ ભાલાળા તેમજ સુદામા ચેરિટેબલ ટ્રસ્ટના અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન દેશભક્તિના નારા ગુંજી ઉઠ્યા હતા અને સમગ્ર વાતાવરણ રાષ્ટ્રગૌરવની ભાવનાથી ઓતપ્રોત બની ગયું હતું.