Gujarat

સતત વરસાદથી અમદાવાદ-સુરત સહિત અનેક શહેરોમાં જનજીવન અસ્તવ્યસ્ત, પૂરગ્રસ્તોને સહાય માટે તંત્ર એક્શનમાં

ગુજરાતમાં ભારે વરસાદને કારણે અનેક જિલ્લાઓમાં જનજીવન હજુ પણ સામાન્ય થઈ શક્યું નથી. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 265 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. સૌથી વધુ વરસાદ પાટણ જિલ્લાના સાંતલપુરમાં 15 ઇંચ અને રાધનપુરમાં 13.46 ઇંચ નોંધાયો છે. જ્યારે ભાભર, દિયોદર અને નડિયાદ સહિતના વિસ્તારોમાં પણ ભારે વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગે આજે પણ રાજ્યના અનેક જિલ્લાઓ માટે ભારેથી અતિભારે વરસાદની આગાહી સાથે રેડ, ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કર્યા છે. ભારે વરસાદના કારણે રાજ્યમાં અત્યાર સુધીમાં 40,500થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે, જ્યારે 6,367 લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડવામાં આવ્યા છે. વિવિધ દુર્ઘટનાઓમાં અનેક લોકોના મોત પણ થયા છે.

સુરત અને નવસારીમાં પૂરના પાણીમાંથી મૃતદેહો મળી આવ્યા છે, જ્યારે અમરેલીમાં એક બાળકી અને ખેત મજૂરનું મોત થયું છે. વિરપુર નજીક ઘોડાપૂરમાં તણાયેલી કારના ચાલકની શોધખોળ હજુ પણ ચાલુ છે. નવસારી જિલ્લાના ભાટ ગામ નજીક ઝીંગા ફાર્મમાં ફસાયેલા 30થી વધુ લોકોને એરલિફ્ટ કરીને સુરક્ષિત સ્થળે પહોંચાડવામાં આવ્યા હતા. સુરતમાં પણ સ્થિતિ ચિંતાજનક છે. લિંબાયત વિસ્તારની મીઠી ખાડી અને કમરૂનગરમાં છેલ્લા ચાર દિવસથી પાંચથી છ ફૂટ જેટલા પાણી ભરાયેલા છે. પાણી હજુ સુધી ઓસર્યું નથી, જેના કારણે રસ્તાઓ પણ બેસી ગયા છે અને વાહનવ્યવહાર ખોરવાઈ ગયો છે. લોકો માટે ઘર બહાર નીકળવું મુશ્કેલ બની ગયું છે. સુરતમાં ખાડીપૂરના પાણી વચ્ચે લોકો ઓફિસ અને કામધંધે જવા માટે મનપાની ઢોર પકડવાની ગાડી અને ટ્રેક્ટરની મદદ લેવા મજબૂર બન્યા છે. અનેક કર્મચારીઓએ મજબૂરી વ્યક્ત કરતાં કહ્યું કે નોકરી બચાવવા માટે જીવના જોખમે પાણીમાંથી પસાર થવું પડી રહ્યું છે. સ્થાનિકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. રાજસ્થાની સમાજના લોકો તો દર વર્ષે આવી પરિસ્થિતિનો સામનો કરવો પડે છે તેમ કહી હવે વતન પરત જવાની ચીમકી પણ ઉચ્ચારી રહ્યા છે. નવસારી જિલ્લામાં પૂરનું પાણી ઓસર્યા બાદ રાહત કામગીરી તેજ કરવામાં આવી છે. અસરગ્રસ્ત ગામો અને શહેરોની મુલાકાત લઈને મંત્રીઓએ લોકોની સમસ્યાઓ જાણી છે. તંત્રનું કહેવું છે કે નુકસાનનો સર્વે ઝડપથી પૂર્ણ કરીને અસરગ્રસ્ત પરિવારોને આર્થિક સહાય અને જરૂરી સામગ્રી આપવામાં આવશે. હજારો લોકોને મદદ પહોંચાડવા માટે વિવિધ વિભાગોની ટીમો કાર્યરત છે.

અમદાવાદના બોપલ અને ઘુમા વિસ્તારમાં હજુ પણ કમર સુધી પાણી ભરાયેલા છે. સતત બે દિવસથી પાણી ન ઉતરતાં અનેક ઘરો પાણીમાં ગરકાવ છે અને લોકો ઘરોમાં જ રહેવા મજબૂર બન્યા છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે પાણી કાઢવાની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી નથી. આવી સ્થિતિમાં સ્થાનિક લોકો જ બોટ દ્વારા જરૂરિયાતમંદોને મદદ પહોંચાડી રહ્યા છે. અમદાવાદ શહેરમાં પાણીની સ્થિતિ સુધરતા ફાયર બ્રિગેડની ટીમોને બાવળા સહિતના પૂરગ્રસ્ત વિસ્તારોમાં મદદ માટે મોકલવામાં આવી છે. બોટ અને અન્ય બચાવ સાધનો સાથે ટીમો સતત કામગીરી કરી રહી છે.અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પર બાવળા નજીક ભારે વરસાદને કારણે ગંભીર સ્થિતિ સર્જાઈ હતી. પૂરના પાણીમાં અનેક લોકો ફસાઈ જતા પોલીસ અને SDRFની ટીમોએ મોટા પાયે બચાવ કામગીરી હાથ ધરી હતી. લગભગ 900 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. હાઈવે બંધ થતાં વાહનોને વૈકલ્પિક માર્ગ પરથી પસાર કરવામાં આવી રહ્યા છે.

સુરેન્દ્રનગર જિલ્લાના રાજસીતાપુર નજીક હાઈવે પર ટ્રેલર ફસાઈ જતાં ટ્રાફિક જામ સર્જાયો હતો. જિલ્લા તંત્રે તાત્કાલિક કાર્યવાહી કરીને ટ્રેલરને દૂર કરાવ્યો અને વાહનવ્યવહાર ફરી શરૂ કરાવ્યો. નાના વાહનો માટે વૈકલ્પિક માર્ગ પણ શરૂ કરવામાં આવ્યો હતો. સુરેન્દ્રનગરનો ધોળીધજા ડેમ 100 ટકા ભરાઈ ગયો છે. નર્મદા કેનાલમાંથી વધારાનું પાણી આવતાં ડેમ સંપૂર્ણ ભરાયો છે. જેના કારણે ડેમની આસપાસના નીચાણવાળા ગામોના લોકોને નદીમાં અવરજવર ન કરવા અને જરૂરી હોય તો માલમિલકતને સુરક્ષિત સ્થળે ખસેડવા માટે તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે.

ઊંઝામાં ભારે વરસાદ દરમિયાન ઝાડ પડતાં એક મહિલાનું મોત થયું છે. બીજી તરફ વિરપુરમાં પાણીના પ્રવાહમાં તણાયેલી કારના બનાવમાં 26 કલાક બાદ વૃદ્ધનો મૃતદેહ મળી આવ્યો હતો. સુરેન્દ્રનગરના કોચાડા ગામમાં ફસાયેલા લોકોને બોટ દ્વારા સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. સાંતલપુર વિસ્તારમાં પણ પાણીમાં ફસાયેલા મુસાફરોને સ્થાનિક યુવાનો અને પોલીસે મળીને બચાવ્યા હતા. ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના બુવા ગામમાં ભૂખી ખાડી ઓવરફ્લો થતાં ગામમાં પાણી ફરી વળ્યા છે. મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ થતાં વાહનવ્યવહાર સંપૂર્ણ બંધ કરવો પડ્યો છે. પોલીસે લોકોને જોખમ ન ખેડવાની અપીલ કરી છે. મહીસાગર જિલ્લામાં ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને તમામ સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓ, આંગણવાડી કેન્દ્રો તેમજ ITI સંસ્થાઓમાં રજા જાહેર કરવામાં આવી છે જેથી વિદ્યાર્થીઓની સુરક્ષા જાળવી શકાય. રાજ્યના અનેક વિસ્તારોમાં હજુ પણ વરસાદની શક્યતા હોવાથી વહીવટી તંત્ર સતત સતર્ક છે. બચાવ, રાહત અને સર્વેની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. લોકોને પણ બિનજરૂરી મુસાફરી ટાળવા અને તંત્રની સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી રહી છે.

Most Popular

To Top