ઝિમ્બાબ્વેના અનુભવી બેટ્સમેન બ્રેન્ડન ટેલરે ક્રિકેટ જગતમાં નવો ઈતિહાસ રચી દીધો છે. મંગળવારે હરારેમાં ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી પ્રથમ વનડેમાં મેદાન પર ઉતરતાની સાથે જ ટેલરે ભારતના મહાન બેટ્સમેન સચિન તેંડુલકરનો એક મોટો વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. ટેલર હવે પુરુષ વનડે ક્રિકેટના ઈતિહાસમાં સૌથી લાંબી કારકિર્દી ધરાવતો ખેલાડી બની ગયો છે. બ્રેન્ડન ટેલરની વનડે કારકિર્દી હવે 22 વર્ષ અને 146 દિવસની થઈ ગઈ છે. અગાઉ આ રેકોર્ડ સચિન તેંડુલકરના નામે હતો. સચિનની વનડે કારકિર્દી 22 વર્ષ અને 91 દિવસ સુધી ચાલી હતી. એટલે કે ટેલરે આ મામલે સચિનનો રેકોર્ડ 55 દિવસથી પાછળ છોડ્યો છે.
બ્રેન્ડન ટેલરે વર્ષ 2004માં આંતરરાષ્ટ્રીય વનડે ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. 40 વર્ષની ઉંમરે પણ તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સક્રિય છે. અત્યાર સુધી તે 207 વનડે મેચ રમી ચૂક્યો છે અને તેના નામે 11 સદી પણ નોંધાયેલી છે. હવે લાંબી વનડે કારકિર્દીનો રેકોર્ડ પણ તેના નામે થઈ ગયો છે. જોકે, આ રેકોર્ડ તૂટ્યા બાદ પણ વનડે ક્રિકેટમાં સચિન તેંડુલકરના અનેક મોટા રેકોર્ડ હજુ અકબંધ છે. સચિનના નામે વનડે ક્રિકેટમાં સૌથી વધુ 18,426 રન બનાવવાનો રેકોર્ડ છે. આ ઉપરાંત તેમણે 463 વનડે મેચ રમી છે, જે પણ એક મોટો વર્લ્ડ રેકોર્ડ છે. સચિનની બેટિંગ સાથે જોડાયેલા અનેક રેકોર્ડ આજે પણ ક્રિકેટ જગતમાં તેમની મહાનતાની સાક્ષી આપે છે.
બ્રેન્ડન ટેલરની ક્રિકેટ કારકિર્દી જોકે સરળ રહી નથી. તેણે વર્ષ 2021માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી હતી. ત્યારબાદ વર્ષ 2022માં ICCના એન્ટિ-કરપ્શન અને એન્ટિ-ડોપિંગ કોડના ઉલ્લંઘનના મામલે તેને દોષી ઠેરવવામાં આવ્યો હતો. આ કેસ બાદ તેના પર સાડા ત્રણ વર્ષનો પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. પ્રતિબંધ પૂર્ણ થયા બાદ ટેલરે વર્ષ 2025માં ફરી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વાપસી કરી હતી. ઝિમ્બાબ્વે દક્ષિણ આફ્રિકા અને નામિબિયા સાથે 2027ના વનડે વર્લ્ડ કપની સહ-મેજબાની કરવા જઈ રહ્યું છે. આ કારણે ટેલરે ફરી ટીમમાં પરત ફરવાનો નિર્ણય લીધો હતો. હવે તેની વાપસી બાદ તેણે સચિનનો લાંબી વનડે કારકિર્દીનો રેકોર્ડ પણ તોડી નાખ્યો છે.
હરારેમાં ઓસ્ટ્રેલિયા સામેની આ મેચ બંને ટીમો માટે પણ ખાસ છે. ઝિમ્બાબ્વેની ધરતી પર ઓસ્ટ્રેલિયા અને ઝિમ્બાબ્વે વચ્ચે 12 વર્ષ બાદ વનડે મેચ રમાઈ રહી છે. મેચમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ઓસ્ટ્રેલિયાનો કેપ્ટન મિશેલ માર્શ એવા ત્રણ ખેલાડીઓમાંથી એક છે, જે 2014માં બંને ટીમો વચ્ચે રમાયેલી છેલ્લી વનડેમાં પણ મેદાન પર ઉતર્યા હતા. હવે 12 વર્ષ બાદ ફરી બંને ટીમો સામસામે આવી ત્યારે માર્શ આ ઐતિહાસિક મુકાબલાનો ભાગ બન્યો છે. બ્રેન્ડન ટેલરે લાંબી ક્રિકેટ કારકિર્દીમાં અનેક ઉતાર-ચઢાવ જોયા છે. નિવૃત્તિ, પ્રતિબંધ અને ત્યારબાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વાપસી બાદ હવે સચિન તેંડુલકર જેવા દિગ્ગજના રેકોર્ડને તોડવો તેની કારકિર્દીની વધુ એક મોટી સિદ્ધિ બની છે. વનડેમાં સચિનના અનેક રેકોર્ડ હજુ અડીખમ છે, પરંતુ સૌથી લાંબી કારકિર્દીનો રેકોર્ડ હવે ઝિમ્બાબ્વેના આ અનુભવી બેટ્સમેનના નામે થઈ ગયો છે.