Sports

ભારતે એશિયા કપ તો જીત્યો, પરંતુ ટ્રોફી વિના જ પરત ફર્યું, જાણો શું થયું

ભારતીય મહિલા ક્રિકેટ ટીમે શ્રીલંકાને હરાવીને મહિલા એશિયા કપ 2026નો ખિતાબ પોતાના નામે કરી લીધો છે. ફાઇનલમાં ટીમ ઈન્ડિયાએ શ્રીલંકાને 72 રનથી હરાવીને શાનદાર જીત મેળવી હતી. જોકે, ભારતની જીત બાદ યોજાયેલી પોસ્ટ-મેચ પ્રેઝન્ટેશન સેરેમનીમાં એક અલગ જ ઘટનાક્રમ જોવા મળ્યો હતો. ભારતીય ટીમે ટ્રોફી કે મેડલ સ્વીકાર્યા નહોતા અને સીધી ડ્રેસિંગ રૂમમાં પરત ફરી હતી. ભારતીય ટીમે એશિયા કપ જીત્યો હોવા છતાં એવોર્ડ સેરેમનીમાં ભાગ લીધો ન હતો. ખાસ વાત એ હતી કે એશિયન ક્રિકેટ કાઉન્સિલ એટલે કે ACCના પ્રમુખ મોહસિન નકવીના હાથે ટ્રોફી લેવાની ભારતીય ટીમની તૈયારી નહોતી. નકવી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના ચેરમેન પણ છે. આ કારણે ભારતે તેમના હાથે ટ્રોફી ન સ્વીકારવાનો નિર્ણય લીધો હોવાનું સામે આવ્યું છે.

ફાઇનલ મેચ પૂરી થયા બાદ પોસ્ટ-મેચ પ્રેઝન્ટેશન શરૂ થવામાં થોડો વિલંબ થયો હતો. ત્યારબાદ પૂર્વ ક્રિકેટર ફરવીઝ મહારૂફે શ્રીલંકાની ટીમને સ્ટેજ પર બોલાવી હતી. શ્રીલંકન ખેલાડીઓને રનર-અપ મેડલ આપવામાં આવ્યા હતા અને મોહસિન નકવીએ તેમને રનર-અપનો ચેક પણ આપ્યો હતો. ત્યારબાદ સૌની નજર ભારતીય ટીમ પર હતી. સામાન્ય રીતે ચેમ્પિયન ટીમને સ્ટેજ પર બોલાવીને ટ્રોફી આપવામાં આવે છે, પરંતુ આ વખતે એવું થયું નહીં. ભારતીય ખેલાડીઓ સ્ટેજ પર આવ્યા જ નહીં. થોડા સમય બાદ પ્રેઝન્ટર ફરવીઝ મહારૂફે પોસ્ટ-મેચ પ્રેઝન્ટેશન સેરેમની પૂર્ણ થવાની જાહેરાત કરી દીધી.

આ સમગ્ર ઘટનાક્રમ દરમિયાન BCCIના વાઇસ પ્રેસિડેન્ટ રાજીવ શુક્લા અને બોર્ડના સચિવ દેવજીત સૈકિયા પણ હાજર હતા. દેવજીત સૈકિયાએ ભારતીય ખેલાડીઓ સાથે થોડા સમય સુધી વાતચીત કરી હતી. ત્યારબાદ ભારતીય ટીમ ડ્રેસિંગ રૂમમાં પરત ફરી હતી. ભારતીય ટીમ મોહસિન નકવીના હાથે ટ્રોફી સ્વીકારશે નહીં તેવી ચર્ચા ફાઇનલ પહેલાંથી જ ચાલી રહી હતી. અંતે ટીમે ખરેખર એ જ નિર્ણય લીધો. ટીમના ખેલાડીઓએ મેડલ પણ સ્વીકાર્યા નહીં અને ચેમ્પિયન તરીકેની ટ્રોફી પણ લીધી નહીં.

આ ઘટનાએ 2025ના પુરુષ એશિયા કપની ફાઇનલ બાદ બનેલી ઘટનાની યાદ અપાવી છે. તે સમયે પણ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવભર્યો માહોલ જોવા મળ્યો હતો અને ટ્રોફી સેરેમનીને લઈને વિવાદ થયો હતો. જોકે, બંને ઘટનાઓમાં એક મહત્વનો તફાવત જોવા મળ્યો. 2025માં મોહસિન નકવી ટ્રોફી સાથે જ મેદાનમાંથી બહાર નીકળી ગયા હતા, જ્યારે આ વખતે તેમણે ટ્રોફી પોતાની સાથે લઈ જવાનો પ્રયાસ કર્યો નહોતો. આ વખતે શ્રીલંકન ટીમને મેડલ અને રનર-અપનો ચેક આપ્યા બાદ મોહસિન નકવી ટ્રોફી વિના જ મેદાનની બહાર જતા રહ્યા હતા. એટલે વિજેતા ટીમ માટે રાખવામાં આવેલી ટ્રોફી ભારતીય ટીમ સુધી પહોંચી નહોતી.

બાદમાં ભારતીય મહિલા ટીમના કોચ અમોલ મજુમદારે આ સમગ્ર મામલે સ્પષ્ટતા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે મોહસિન નકવીના હાથે ટ્રોફી ન સ્વીકારવાનો નિર્ણય સંપૂર્ણપણે BCCIનો હતો. એટલે ભારતીય ટીમનો નિર્ણય ખેલાડીઓની વ્યક્તિગત પસંદગી કરતાં બોર્ડના નિર્ણય સાથે જોડાયેલો હોવાનું સ્પષ્ટ થયું. ટ્રોફી સેરેમનીમાં થયેલા આ ઘટનાક્રમે ક્રિકેટ જગતમાં ચર્ચા જગાવી છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેના રાજકીય અને ક્રિકેટ સંબંધોમાં છેલ્લા કેટલાક સમયથી તણાવ જોવા મળી રહ્યો છે. એવામાં ACCના પ્રમુખ અને PCB ચેરમેન બંને જવાબદારી સંભાળતા મોહસિન નકવીના હાથે ભારતીય ટીમે ટ્રોફી સ્વીકારવાનું ટાળ્યું છે.

જોકે મેદાન પર ભારતીય ટીમનું પ્રદર્શન શાનદાર રહ્યું હતું. ભારતે ફાઇનલમાં પહેલા બેટિંગ કરીને 183 રનનો મજબૂત સ્કોર બનાવ્યો હતો. તેના જવાબમાં શ્રીલંકાની આખી ટીમ 111 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારતે 72 રનથી ફાઇનલ જીતીને ખિતાબ પોતાના નામે કર્યો હતો. આ જીત સાથે ભારતીય મહિલા ટીમે મહિલા એશિયા કપનો ખિતાબ આઠમી વખત જીત્યો છે. ભારતે આ જીત સાથે 2024ની ફાઇનલમાં શ્રીલંકા સામે મળેલી હારનો બદલો પણ લીધો છે. જોકે, મેદાન પરની આ શાનદાર જીત બાદ ટ્રોફી સેરેમનીમાં થયેલો ઘટનાક્રમ હવે મેચ કરતાં પણ વધુ ચર્ચામાં છે.

Most Popular

To Top