Gujarat

અમદાવાદ સહિત 18 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ, 40 કિમીની ઝડપે પવનની આગાહી

ગુજરાતમાં ફરી એકવાર વરસાદી માહોલ સક્રિય થયો છે. ભારતીય હવામાન વિભાગ, અમદાવાદ દ્વારા જાહેર કરવામાં આવેલા તાજા નાઉકાસ્ટ બુલેટિન મુજબ રાજ્યમાં આગામી ત્રણ કલાક દરમિયાન વરસાદનું જોર યથાવત રહેવાની શક્યતા છે.ખાસ કરીને અમદાવાદ સહિત રાજ્યના કુલ 18 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.તેમજ વિસ્તારોમાં મધ્યમ વરસાદ સાથે ગાજવીજ અને પવનની શક્યતા હોવાથી તંત્ર દ્વારા લોકોને સાવચેતી રાખવાની સૂચના આપવામાં આવી છે.હવામાન વિભાગની આગાહી મુજબ ઓરેન્જ એલર્ટ ધરાવતા જિલ્લાઓમાં રાજકોટ, બોટાદ, ભાવનગર, મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, મહેસાણા, ગાંધીનગર, ખેડા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, વડોદરા, આણંદ, ભરૂચ અને સુરતનો સમાવેશ થાય છે. આ વિસ્તારોમાં આગામી કલાકોમાં વરસાદનું પ્રમાણ આશરે 5થી 15 મિલીમીટર પ્રતિ કલાક રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

વરસાદની સાથે હળવી ગાજવીજ અને વાવાઝોડાની સ્થિતિ પણ સર્જાઈ શકે છે.આ સાથે હવામાન વિભાગે કેટલાક વિસ્તારોમાં 40 કિલોમીટર પ્રતિ કલાક સુધીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા પણ વ્યક્ત કરી છે. ગાજવીજ દરમિયાન જમીન પર વીજળી પડવાની સંભાવના પણ દર્શાવવામાં આવી છે. ઓરેન્જ એલર્ટ ધરાવતા વિસ્તારોમાં વીજળી પડવાની સંભાવના આશરે 30થી 60 ટકા સુધી હોવાનું બુલેટિનમાં જણાવાયું છે. તેથી ખાસ કરીને ખુલ્લા મેદાન, ખેતરો અને રસ્તા પર અવરજવર કરતા લોકોએ વધુ સાવચેતી રાખવી જરૂરી છે.

બીજી તરફ રાજ્યના અન્ય જિલ્લાઓ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેમાં નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી, કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, દીવ, બનાસકાંઠા, પાટણ અને સાબરકાંઠાનો સમાવેશ થાય છે. વિસ્તારોમાં હળવા વરસાદની સાથે છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ અને વીજળી પડવાની શક્યતા છે. હવામાન વિભાગે નાગરિકોને બદલાતા હવામાન પર નજર રાખવા અને જરૂરી હોય તો સલામત સ્થળે રહેવાની સલાહ આપી છે. ખાસ કરીને ગાજવીજ અને વાવાઝોડા દરમિયાન ઝાડ નીચે આશરો ન લેવા, વીજ ઉપકરણોથી દૂર રહેવા અને અનાવશ્યક મુસાફરી ટાળવા જણાવાયું છે. સંવેદનશીલ વિસ્તારોમાં વાહનવ્યવહાર અને લોકોની અવરજવર પર નજર રાખવા પણ તંત્રને સૂચના આપવામાં આવી છે.

ગુજરાતમાં અગાઉ પણ વરસાદી સિસ્ટમ સક્રિય થવાના કારણે અનેક વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગના વ્યાપક પૂર્વાનુમાન મુજબ સપ્ટેમ્બરના આ તબક્કામાં ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક વિસ્તારોમાં વરસાદી પ્રવૃત્તિ ચાલુ રહેવાની શક્યતા છે. સાવધાન રહેવું જરૂરી: ઓરેન્જ એલર્ટનો અર્થ માત્ર વરસાદની આગાહી નહીં, પરંતુ સંભવિત જોખમી હવામાન સામે સાવચેતી રાખવાની ચેતવણી છે. તેથી અમદાવાદ, સુરત, વડોદરા સહિત ઓરેન્જ એલર્ટ હેઠળના 18 જિલ્લાના નાગરિકોએ આગામી કલાકોમાં ખાસ સતર્ક રહેવું પડશે.

Most Popular

To Top