અફઘાનિસ્તાન સામેની પ્રથમ T20 મેચમાં ટીમ ઈન્ડિયાના યુવા ઓપનર અભિષેક શર્માએ શાનદાર વાપસી કરીને ઈતિહાસ રચી દીધો છે. જિમ્બાબ્વે પ્રવાસમાં અપેક્ષા મુજબનું પ્રદર્શન ન કરી શકનાર અભિષેકે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં ધમાકેદાર બેટિંગ કરીને માત્ર 32 બોલમાં 82 રનની તોફાની ઇનિંગ રમી. તેની ઇનિંગમાં 7 છગ્ગા અને 7 ચોગ્ગા સામેલ હતા. તેની આ ઇનિંગના કારણે ભારતે અફઘાનિસ્તાનને પ્રથમ T20માં 7 વિકેટે હરાવીને ત્રણ મેચની શ્રેણીમાં 1-0ની લીડ મેળવી છે.
અભિષેકની આ ઇનિંગ દરમિયાન સૌથી મોટી ઉપલબ્ધિ તેના 6,000 T20 રન પૂરા કરવાની રહી. તેણે 207મી T20 મેચમાં આ સિદ્ધિ મેળવી અને માત્ર 3,420 બોલમાં 6,000 રનનો આંકડો પાર કર્યો. બોલની સંખ્યાના આધારે તે આ મુકામ હાંસલ કરનાર વિશ્વનો બીજો સૌથી ઝડપી બેટર અને સૌથી ઝડપી ભારતીય બન્યો છે. આ યાદીમાં ન્યૂઝીલેન્ડનો ફિન એલન 3,386 બોલ સાથે પ્રથમ ક્રમે છે. અભિષેકે આ મામલે આન્દ્રે રસેલ, ટિમ ડેવિડ, ફિલ સોલ્ટ અને વિલ જેક્સ જેવા દિગ્ગજોને પાછળ છોડી દીધા છે.અફઘાનિસ્તાન સામેની મેચમાં અભિષેકે શરૂઆતથી જ આક્રમક વલણ અપનાવ્યું હતું. તેણે માત્ર 22 બોલમાં અડધી સદી પૂરી કરી હતી. આ તેની T20 ઈન્ટરનેશનલ કારકિર્દીની 12મી અડધી સદી રહી. અભિષેકે અત્યાર સુધી T20Iમાં 14 વખત 50 કે તેથી વધુનો સ્કોર કર્યો છે અને તેમાંથી 12 વખત 25થી ઓછી બોલમાં અડધી સદી ફટકારી છે, જે તેની વિસ્ફોટક બેટિંગનો પુરાવો છે.
મેચની વાત કરીએ તો અફઘાનિસ્તાનની ટીમે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 156 રન બનાવ્યા હતા. શરૂઆતમાં ભારતીય બોલરોએ અફઘાનિસ્તાનના ટોચના બેટિંગ ક્રમને મુશ્કેલીમાં મૂકી દીધો હતો. એક સમયે અફઘાનિસ્તાનનો સ્કોર 43 રનમાં 5 વિકેટ હતો. જોકે અજમતુલ્લાહ ઉમરઝાઈએ 64 રનની અણનમ ઇનિંગ રમીને ટીમને 156 સુધી પહોંચાડી. ભારત તરફથી અર્શદીપ સિંહે સૌથી વધુ 3 વિકેટ ઝડપી, જ્યારે જસપ્રીત બુમરાહ, અક્ષર પટેલ અને વરુણ ચક્રવર્તીએ એક-એક વિકેટ લીધી.157 રનના લક્ષ્યાંકનો પીછો કરતા ભારતે શરૂઆતમાં સંજુ સેમસનની વિકેટ ગુમાવી હતી. ત્યારબાદ અભિષેક શર્મા અને ઈશાન કિશને 121 રનની શાનદાર ભાગીદારી કરીને મેચનું સમગ્ર ચિત્ર બદલી નાખ્યું.
ઈશાને 33 બોલમાં 42 રન બનાવ્યા. અભિષેક 82 રન બનાવી આઉટ થયા બાદ શ્રેયસ અય્યર અને તિલક વર્માએ ભારતને 13.4 ઓવરમાં જ વિજય અપાવ્યો.આ રેકોર્ડ સાથે અભિષેક શર્માએ ફરી સાબિત કર્યું છે કે T20 ક્રિકેટમાં તેની સૌથી મોટી તાકાત તેની ઝડપી રન બનાવવાની ક્ષમતા છે. તે અગાઉ પણ 5,000 T20 રન સૌથી ઝડપી બનાવનાર બેટર બન્યો હતો અને T20Iમાં 1,000 રનનો આંકડો પણ સૌથી ઝડપી પાર કરી ચૂક્યો છે. અફઘાનિસ્તાન સામેની આ તોફાની ઇનિંગે જિમ્બાબ્વે પ્રવાસની નિરાશાને પાછળ છોડીને ભારતીય ટીમમાં તેના આત્મવિશ્વાસને ફરી મજબૂત કર્યો છે.