કેરળના ઈડુક્કી જિલ્લાના સજન પ્રકાશની સ્વિમિંગ સફર ખૂબ જ રસપ્રદ રહી છે. માત્ર 5 વર્ષની ઉંમરે જ્યારે તેઓ પહેલીવાર સ્વિમિંગ પુલમાં ઉતર્યા ત્યારે તેમને પાણીથી ડર લાગતો હતો. જોકે ધીમે ધીમે આ ડર દૂર થયો અને સ્વિમિંગ તેમના જીવનનો મહત્વનો ભાગ બની ગયું. વર્ષોની મહેનત બાદ સજન પ્રકાશે એવો રેકોર્ડ બનાવ્યો જે ભારતના સ્વિમિંગ ઈતિહાસમાં પહેલાં કોઈ ભારતીય કરી શક્યું નહોતું. 2021માં ઈટાલીના રોમમાં યોજાયેલી સેટે કોલી ટ્રોફીમાં સજન પ્રકાશે પુરુષોની 200 મીટર બટરફ્લાય સ્પર્ધા 1 મિનિટ 56.38 સેકન્ડમાં પૂરી કરી. ઓલિમ્પિકનો ‘A’ ક્વોલિફાઈંગ સમય 1 મિનિટ 56.48 સેકન્ડ હતો. સજનનો સમય તેના કરતાં 0.10 સેકન્ડ ઝડપી રહ્યો. આ સાથે તેઓ ઓલિમ્પિક માટે સીધા ક્વાલિફાઈ કરનારા ભારતના પ્રથમ સ્વિમર બન્યા.
5 વર્ષની ઉંમરે પાણીથી ડરતા હતા
સજનની માતા વી. શાંતિમોલ પોતે પણ એથ્લેટ રહી ચૂકી છે. માતા સાથે જતા સજનનો સ્વિમિંગ પુલ સાથે સંપર્ક થયો. શરૂઆતમાં પાણીમાં ઉતરતા તેમને ડર લાગતો હતો, પરંતુ તાલીમ દરમિયાન આ ડર ધીમે ધીમે દૂર થયો. ત્યારબાદ તેમણે તમિલનાડુના નેવેલીમાં સ્વિમિંગની તાલીમ શરૂ કરી અને આગળ જઈને કોચ પ્રદીપ કુમાર પાસેથી તાલીમ લીધી. સખત મહેનત સાથે તેમણે નાની ઉંમરે જ રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધાઓમાં પોતાની ઓળખ બનાવવાનું શરૂ કર્યું.
2015માં મોટી ઓળખ મળી
2015ના નેશનલ ગેમ્સ સજન પ્રકાશની કારકિર્દી માટે મોટો વળાંક સાબિત થયા. તેમણે આ સ્પર્ધામાં 6 ગોલ્ડ અને 2 સિલ્વર સહિત કુલ 8 મેડલ જીત્યા હતા. આ પ્રદર્શન બાદ તેમને આંતરરાષ્ટ્રીય સ્તરે તાલીમ અને સ્પર્ધાઓમાં ભાગ લેવાની વધુ તકો મળવા લાગી. 2016માં તેઓ પહેલીવાર રિયો ઓલિમ્પિકમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવા પહોંચ્યા.
2021માં સીધા ઓલિમ્પિક ક્વાલિફાઈ થયા
રિયો ઓલિમ્પિકમાં સજન યુનિવર્સાલિટી ક્વોટા દ્વારા પહોંચ્યા હતા. પરંતુ 2021માં તેમણે પોતાની મહેનતથી સીધી ઓલિમ્પિક ક્વોલિફિકેશન મેળવી. રોમમાં 200 મીટર બટરફ્લાયમાં 1:56.38નો સમય નોંધાવી તેમણે ‘A’ ક્વોલિફાઈંગ સ્ટાન્ડર્ડ પાર કર્યો. આ સિદ્ધિ સાથે તેઓ ભારતના પ્રથમ એવા સ્વિમર બન્યા, જેમણે પોતાના પ્રદર્શનના આધારે સીધું ઓલિમ્પિક ક્વાલિફિકેશન મેળવ્યું.
રિયો બાદ ટોક્યોમાં પણ પહોંચ્યા
સજન પ્રકાશે 2016ના રિયો અને 2020ના ટોક્યો ઓલિમ્પિક બંનેમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું. ટોક્યોમાં તેમણે 100 મીટર અને 200 મીટર બટરફ્લાયમાં ભાગ લીધો હતો. 200 મીટર બટરફ્લાયમાં તેમણે હીટમાં 1:57.22નો સમય નોંધાવ્યો અને 24મા ક્રમે રહ્યા હતા. તેઓ ફાઇનલમાં પહોંચી શક્યા નહોતા. તેમ છતાં સતત બે ઓલિમ્પિકમાં ભાગ લેનારા ભારતના પ્રથમ સ્વિમર તરીકે તેમની ઓળખ વધુ મજબૂત થઈ.
હવે નજર 2026ની એશિયન ગેમ્સ પર
સજન પ્રકાશ હવે પોતાની કારકિર્દીના વધુ એક મહત્વના પડકાર માટે તૈયાર થઈ રહ્યા છે. 2026ની એશિયન ગેમ્સમાં 200 મીટર બટરફ્લાયમાં મેડલ જીતવાનું તેમનું લક્ષ્ય છે. 5 વર્ષની ઉંમરે પાણીથી ડરતા બાળકથી લઈને ઓલિમ્પિક માટે સીધા ક્વાલિફાઈ કરનારા ભારતના પ્રથમ સ્વિમર બનવા સુધીની સજન પ્રકાશની સફર બતાવે છે કે શરૂઆત ભલે નાની હોય, પરંતુ સતત મહેનત હોય તો મોટી સિદ્ધિ મેળવી શકાય છે.