બોલિવુડમાં સ્ટાર કિડ્સના ડેબ્યુ બાદ હવે સલમાન ખાનના લાંબા સમયથી બોડીગાર્ડ રહેલા શેરા એટલે કે ગુરમીત સિંઘ જોલીના પુત્ર અબિર જોલીના ડેબ્યુની ચર્ચા ફરી શરૂ થઈ છે. અબિર લાંબા સમયથી બોલિવૂડમાં પગ મૂકવાની તૈયારીમાં હોવાનું કહેવાય છે અને હવે તે ફિલ્મ ‘ટાર્ઝન’થી પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત કરી શકે છે. આ ફિલ્મમાં સૂરજ પંચોલી પણ જોવા મળી શકે તેવી અટકળો ચાલી રહી છે.
અબિરના બોલિવુડ ડેબ્યુની ચર્ચા નવી નથી. વર્ષ 2022થી જ તેના લોન્ચને લઈને અલગ-અલગ અહેવાલો સામે આવતા રહ્યા છે. તે સમયે એવી ચર્ચા હતી કે સલમાન ખાન અબિરના ડેબ્યુ પ્રોજેક્ટમાં વ્યક્તિગત રીતે રસ લઈ રહ્યો છે અને તેને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં લોન્ચ કરવામાં મદદ કરી શકે છે. જોકે, તે સમયે પણ આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નહોતી. અબિરના અગાઉના ડેબ્યુ પ્રોજેક્ટનું દિગ્દર્શન જાણીતા ફિલ્મસર્જક સતીશ કૌશિક કરવાના હતા. આ ફિલ્મનું શૂટિંગ વર્ષ 2023માં શરૂ કરવાની પણ યોજના હોવાનું કહેવાતું હતું. જોકે, આ પ્રોજેક્ટ આગળ વધી શક્યો નહોતો. માર્ચ 2023માં સતીશ કૌશિકના નિધન બાદ ફિલ્મની સમગ્ર યોજના અટકી ગઈ હતી.
હવે અબિરની બોલિવૂડમાં ડેબ્યુ કરવાની મહત્વાકાંક્ષા ફરી જીવંત થઈ હોવાનું કહેવાઈ રહ્યું છે. તેના આગામી પ્રોજેક્ટ તરીકે ‘ટાર્ઝન’નું નામ ચર્ચામાં છે. જોકે, ફિલ્મ અંગે હજુ ઘણી મહત્વની વિગતો જાહેર કરવામાં આવી નથી. ફિલ્મનું દિગ્દર્શન કોણ કરશે, નિર્માતા કોણ હશે અને અબિર સિવાય કયા કલાકારો તેમાં જોવા મળશે તે અંગે સત્તાવાર માહિતી સામે આવી નથી. ‘ટાર્ઝન’માં સૂરજ પંચોલીના કાસ્ટિંગની પણ ચર્ચા થઈ રહી છે. જો સૂરજ પંચોલી ખરેખર આ ફિલ્મનો ભાગ બને છે તો પ્રોજેક્ટ સાથે સલમાન ખાનનું નામ ફરી જોડાઈ શકે છે. તેનું કારણ એ છે કે સલમાન અગાઉ સૂરજ પંચોલી અને અથિયા શેટ્ટીને ફિલ્મ ‘હીરો’ દ્વારા બોલિવૂડમાં લોન્ચ કરી ચૂક્યો છે.
સલમાન ખાનનો ઇન્ડસ્ટ્રીમાં નવોદિત કલાકારોને તક આપવાનો લાંબો ઇતિહાસ રહ્યો છે. તેણે પોતાના પ્રોડક્શન અને વ્યક્તિગત સપોર્ટ દ્વારા અનેક કલાકારોને બોલિવૂડમાં આગળ વધવામાં મદદ કરી છે. સોનાક્ષી સિંહા, ઝરીન ખાન, ડેઝી શાહ અને સાઈ માંજરેકર સહિત અનેક કલાકારોને સલમાનના સપોર્ટનો લાભ મળ્યો છે. આ જ કારણસર અબિરના ડેબ્યુ સાથે સલમાન ખાનનું નામ જોડાતાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પણ આ પ્રોજેક્ટ અંગે ઉત્સુકતા વધી છે. જોકે, હાલમાં સલમાન અબિરના ડેબ્યુ પ્રોજેક્ટને કોઈ રીતે સપોર્ટ કરી રહ્યો છે કે નહીં તે અંગે સ્પષ્ટતા કરવામાં આવી નથી. માત્ર એટલું જ સામે આવ્યું છે કે અબિર હવે લાંબા સમય બાદ બોલિવૂડમાં ડેબ્યુ કરવા માટે તૈયાર થઈ રહ્યો છે.
અબિરના પિતા શેરા લાંબા સમયથી સલમાન ખાન સાથે જોડાયેલા છે. તેઓ વર્ષોથી સલમાનના બોડીગાર્ડ તરીકે તેમની સુરક્ષાની જવાબદારી સંભાળી રહ્યા છે. સલમાન અને શેરા વચ્ચેનો સંબંધ માત્ર પ્રોફેશનલ ન હોવાનું પણ ઘણી વખત સામે આવ્યું છે. તેથી શેરાના પુત્ર અબિરના બોલિવૂડ ડેબ્યુને લઈને સલમાનની ભૂમિકા શું રહેશે તે જોવું રસપ્રદ રહેશે. અબિરના ડેબ્યુની શરૂઆતની ચર્ચા 2022માં થઈ હતી અને હવે લગભગ ચાર વર્ષ બાદ ફરી તેના નામની ચર્ચા તેજ થઈ છે. અગાઉ સતીશ કૌશિક સાથેનો પ્રોજેક્ટ અટકી ગયો હતો, પરંતુ હવે ‘ટાર્ઝન’ દ્વારા અબિરની બોલિવૂડ સફર શરૂ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
જોકે, જ્યાં સુધી ફિલ્મના નિર્માતાઓ અથવા અબિર તરફથી સત્તાવાર જાહેરાત કરવામાં ન આવે ત્યાં સુધી ‘ટાર્ઝન’માં તેની હાજરી અને સૂરજ પંચોલીના કાસ્ટિંગને માત્ર અટકળો તરીકે જ જોવી પડશે. બીજી તરફ સલમાન ખાન પોતે પણ આગામી ફિલ્મી પ્રોજેક્ટ્સમાં વ્યસ્ત છે. તે ‘માતૃભૂમિ’ અને ‘એસવીસી63’ જેવી ફિલ્મોની રિલીઝની તૈયારી કરી રહ્યો છે. હવે જો અબિરનું ડેબ્યુ સલમાનના સપોર્ટ સાથે થાય છે તો શેરાના પુત્ર માટે બોલિવુડમાં એન્ટ્રી વધુ ચર્ચાસ્પદ બની શકે છે.