Entertainment

સ્ટાર બનવા માટે સલમાને ચૂકવી મોટી કિંમત! શૂટિંગ વચ્ચે બિરયાની ખાતા-ખાતા માથામાં ઈન્જેક્શન લેતા હતા સલમાન ખાન

બોલિવુડના સુપરસ્ટાર સલમાન ખાનને લઈને ફિલ્મ પ્રોડ્યુસર શૈલેન્દ્ર સિંહે વર્ષો જૂનો એક રસપ્રદ કિસ્સો શેર કર્યો છે. તેમના જણાવ્યા મુજબ, સલમાન ખાન પોતાના દેખાવ અને ફિટનેસ જાળવવા માટે ઘણી મહેનત કરતા હતા અને તેના માટે ખાસ હેર ટ્રીટમેન્ટ પણ કરાવતા હતા. શૈલેન્દ્ર સિંહે આ વાત એક પોડકાસ્ટ દરમિયાન કરી હતી, જેમાં તેમણે સલમાન સાથેની યાદગાર મુલાકાત વિશે ખુલાસો કર્યો. શૈલેન્દ્ર સિંહે જણાવ્યું કે આ ઘટના ત્યારેની છે જ્યારે તેઓ સલમાન ખાનને મુંબઈના ગેલેક્સી એપાર્ટમેન્ટ સ્થિત તેમના ઘરે મળવા ગયા હતા. તે સમયે સલમાન ડાઇનિંગ ટેબલ પર બિરયાની ખાતા હતા અને તેમની એક ખાસ આદત હતી કે તેઓ અરીસાની સામે બેસીને જમતા અને વાતચીત કરતા. વાતચીત દરમિયાન અચાનક એક વ્યક્તિ મેડિકલ કિટ લઈને અંદર આવ્યો.

તેમણે કહ્યું કે તે વ્યક્તિએ હાથમાં ગ્લવ્સ પહેર્યા, ઈન્જેક્શન તૈયાર કર્યું અને સલમાન ખાનના માથામાં ઈન્જેક્શન આપવાનું શરૂ કર્યું. આ સમગ્ર ઘટના જોઈને તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. કારણ કે સલમાન કોઈપણ પ્રકારની પરવા કર્યા વગર આરામથી બિરયાની ખાતા રહ્યા અને સાથે વાતચીત પણ ચાલુ રાખી. શૈલેન્દ્ર સિંહે જણાવ્યું કે તેમને શરૂઆતમાં સમજાયું નહોતું કે આ શું સારવાર ચાલી રહી છે. જ્યારે તેમણે સલમાન ખાનને પૂછ્યું કે આ શું છે, ત્યારે અભિનેતાએ સ્મિત સાથે જવાબ આપ્યો કે, “સ્ટાર બનવા માટે એક કિંમત ચૂકવવી પડે છે.” સલમાનનો આ જવાબ સાંભળીને તેઓ પણ આશ્ચર્યમાં પડી ગયા હતા.

બાદમાં તેમને ખબર પડી કે સલમાન ખાન PRP (Platelet-Rich Plasma) હેર ટ્રીટમેન્ટ કરાવી રહ્યા હતા. આ સારવારમાં વ્યક્તિના પોતાના લોહીમાંથી પ્લેટલેટ્સ અલગ કરીને માથાની ત્વચામાં ઈન્જેક્ટ કરવામાં આવે છે, જેથી વાળના વિકાસને પ્રોત્સાહન મળે અને વાળ ખરવાની સમસ્યા ઘટે. આજકાલ આ ટ્રીટમેન્ટનો ઉપયોગ ઘણા લોકો અને સેલિબ્રિટીઓ કરે છે. શૈલેન્દ્ર સિંહે વધુમાં કહ્યું કે ઉંમર વધવાની સાથે ઘણા લોકોના વાળ પાતળા થવા લાગે છે અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં દેખાવ જાળવી રાખવો પણ ખૂબ મહત્વનો ભાગ છે. તેમના કહેવા પ્રમાણે, માત્ર સલમાન ખાન જ નહીં પરંતુ ઘણા અન્ય જાણીતા કલાકારો પણ આવી ટ્રીટમેન્ટ કરાવતા હોય છે. જોકે તેમણે આ વાત સામાન્ય પ્રક્રિયા હોવાનું જણાવ્યું. સલમાન ખાન તરફથી આ દાવા અંગે હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપવામાં આવી નથી. પરંતુ શૈલેન્દ્ર સિંહે શેર કરેલો આ કિસ્સો સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે અને ચાહકોમાં પણ તેની ભારે ચર્ચા ચાલી રહી છે.

Most Popular

To Top