સરકારી કર્મચારીઓ અને અધિકારીઓ માટે સુપ્રીમ કોર્ટે મહત્ત્વપૂર્ણ સ્પષ્ટતા કરી છે. જો કોઈ સરકારી કર્મચારીની ધરપકડ થાય અને તે સતત 48 કલાકથી વધુ સમય સુધી કસ્ટડીમાં રહે, તો નિયમો મુજબ તેને આપોઆપ સસ્પેન્ડ એટલે કે ‘ડીમ્ડ સસ્પેન્ડેડ’ ગણવામાં આવશે. આ માટે સંબંધિત સરકારી વિભાગે અલગથી સસ્પેન્શનનો આદેશ જાહેર કરવો જરૂરી નથી. જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ મનમોહનની ખંડપીઠે આ જોગવાઈ અંગે સ્પષ્ટતા કરતાં જણાવ્યું કે નિર્ધારિત સમયમર્યાદા પૂરી થતાં જ સસ્પેન્શનની કાનૂની પ્રક્રિયા અમલમાં આવે છે.
આ જોગવાઈનો અમલ ત્યાં સુધી ચાલુ રહે છે જ્યાં સુધી સક્ષમ સત્તાધિકારી નિયમો અનુસાર મામલાની સમીક્ષા કરીને તેમાં ફેરફાર ન કરે અથવા સસ્પેન્શન રદ કરવાનો નિર્ણય ન લે. આથી 48 કલાકથી વધુ કસ્ટડીમાં રહેલા કર્મચારીને સસ્પેન્ડ કરવા માટે વિભાગના અલગ આદેશની રાહ જોવાની જરૂર રહેતી નથી.
સુપ્રીમ કોર્ટ સમક્ષ આ મામલો બિહારના સમસ્તીપુરની સદર હોસ્પિટલના પ્રશાસક વિશ્વજીત સિંહ સાથે જોડાયેલા લાંચના કેસની સુનાવણી દરમિયાન આવ્યો હતો. તેમના પર એક કરાર આધારિત કર્મચારીનો બાકી પગાર ચૂકવવાના બદલામાં 4,000 રૂપિયાની લાંચ માગવાનો આરોપ હતો. આ કેસમાં નીચલી અદાલતે તેમને જામીન આપ્યા હતા, પરંતુ લગભગ એક વર્ષ બાદ પટના હાઈકોર્ટે તેમના જામીન રદ કરી દીધા હતા. સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટનો આ નિર્ણય રદ કરીને અધિકારીના જામીન ફરીથી બહાલ કર્યા હતા.
સુનાવણી દરમિયાન ખંડપીઠે સરકારી વિભાગોમાં સસ્પેન્શનની પ્રક્રિયા અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી. અદાલતે નોંધ્યું હતું કે કેટલીક વખત ઉચ્ચ હોદ્દા પર બેઠેલા અધિકારીઓ પોતાના નજીકના કે માનીતા કર્મચારીઓને બચાવવા માટે સસ્પેન્શનના આદેશ જાહેર કરવામાં વિલંબ કરતા હોય છે. આવી સ્થિતિમાં 48 કલાકથી વધુ કસ્ટડીમાં રહેતાં જ લાગુ પડતી ‘ડીમ્ડ સસ્પેન્શન’ની જોગવાઈ મહત્ત્વપૂર્ણ બને છે.
અદાલતે આ કેસમાં એક બીજી બાબતની પણ ગંભીર નોંધ લીધી હતી. લાંચના આરોપમાં ધરપકડ થયા બાદ અધિકારી આશરે 15 દિવસ જેલમાં રહ્યા હોવા છતાં તેમનું સસ્પેન્શન રદ કરવામાં આવ્યું હતું. એટલું જ નહીં, તેમને ફરીથી એ જ હોસ્પિટલમાં અને અગાઉના હોદ્દા પર નિયુક્ત કરવામાં આવ્યા હતા. સુપ્રીમ કોર્ટે આ અંગે નારાજગી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે ભ્રષ્ટાચારના કેસમાં આરોપી અધિકારીને ફરીથી એ જ મહત્ત્વપૂર્ણ પદ પર મૂકવાથી તપાસ પ્રભાવિત થવાની શક્યતા રહે છે. તે સાક્ષીઓને પ્રભાવિત કરી શકે છે અથવા દસ્તાવેજી પુરાવા સાથે ચેડાં કરી શકે છે. આથી રાજ્ય સરકારે આવી વહીવટી વ્યવસ્થામાં જરૂરી સુધારા કરવા જોઈએ.
જામીન રદ કરવાના માપદંડ અંગે પણ સુપ્રીમ કોર્ટે મહત્ત્વપૂર્ણ કાનૂની સ્પષ્ટતા કરી હતી. અદાલતે જણાવ્યું હતું કે લાંચની રકમ નાની છે કે મોટી, માત્ર આ આધારે કોઈ વ્યક્તિના જામીન રદ કરી શકાય નહીં. આ કેસમાં લાંચની રકમ 4,000 રૂપિયા હોવાને નજીવી ગણાવવાના નીચલી અદાલતના અવલોકન સાથે પટના હાઈકોર્ટ સંમત નહોતું અને તેણે જામીન રદ કર્યા હતા. જોકે સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું કે જો આરોપીએ જામીનની કોઈ શરતનો ભંગ કર્યો ન હોય, તો માત્ર લાંચની રકમ ઓછી હોવા કે વધુ હોવાના આધારે જામીન રદ કરી શકાય નહીં. વ્યક્તિગત સ્વતંત્રતાનું રક્ષણ પણ ન્યાયિક પ્રક્રિયાનો મહત્ત્વપૂર્ણ ભાગ છે.
આમ, આ કેસમાં સુપ્રીમ કોર્ટે એક તરફ 48 કલાકથી વધુ કસ્ટડીમાં રહેલા સરકારી કર્મચારીને લાગુ પડતી ‘ડીમ્ડ સસ્પેન્શન’ની જોગવાઈ સ્પષ્ટ કરી, તો બીજી તરફ ભ્રષ્ટાચારના આરોપી અધિકારીને ફરીથી એ જ હોદ્દા પર નિયુક્ત કરવાના જોખમ અંગે પણ રાજ્ય સરકારનું ધ્યાન દોર્યું. સાથે જ જામીન રદ કરવા માટે યોગ્ય કાનૂની આધાર હોવો જરૂરી હોવાનું પણ જણાવ્યું.