દિવાળીના તહેવાર બાદ હવે ભાઈ-બહેનના અતૂટ પ્રેમ અને લાગણીનો પવિત્ર તહેવાર ભાઈબીજ આવી રહ્યો છે. આ તહેવાર ભાઈ અને બહેન વચ્ચેના પ્રેમ, વિશ્વાસ અને સ્નેહનું પ્રતીક છે. આ દિવસે બહેનો પોતાના ભાઈના કપાળ પર તિલક કરીને તેમના લાંબા આયુષ્ય, સારા સ્વાસ્થ્ય અને સુખી જીવન માટે પ્રાર્થના કરે છે. બીજી તરફ ભાઈ પણ બહેનને ભેટ આપીને જીવનભર તેની સાથે ઊભા રહેવાનું વચન આપે છે. ત્યારે આ વર્ષે ભાઈબીજ ક્યારે ઉજવવામાં આવશે, તિલક કરવાનો શુભ સમય કયો છે અને પૂજા કરવાની રીત શું છે તે જાણી લઈએ.
હિન્દુ પંચાંગ પ્રમાણે ભાઈબીજનો તહેવાર કારતક મહિનાના શુક્લ પક્ષની દ્વિતીયા તિથિએ ઉજવવામાં આવે છે. આ પર્વને યમ દ્વિતીયા તરીકે પણ ઓળખવામાં આવે છે. વર્ષ 2026માં દ્વિતીયા તિથિ 10 નવેમ્બરના રોજ બપોરે 2 વાગ્યે શરૂ થશે અને 11 નવેમ્બરના રોજ બપોરે 3 વાગ્યે 53 મિનિટે પૂર્ણ થશે. ઉદયા તિથિની માન્યતા પ્રમાણે આ વર્ષે ભાઈબીજનો તહેવાર 11 નવેમ્બર, બુધવારના રોજ ઉજવવામાં આવશે.
ભાઈબીજના દિવસે ભાઈને તિલક કરવા માટે શુભ મુહૂર્તનું વિશેષ મહત્ત્વ હોય છે. પંચાંગ પ્રમાણે 11 નવેમ્બરના રોજ બપોરે 1 વાગ્યે 10 મિનિટથી બપોરે 3 વાગ્યે 20 મિનિટ સુધીનો સમય તિલક કરવા માટે શુભ માનવામાં આવે છે. એટલે કે બહેનો પાસે ભાઈને તિલક કરવા માટે કુલ 2 કલાક અને 10 મિનિટનો સમય રહેશે. આ શુભ સમય દરમિયાન બહેનો પોતાના ભાઈના કપાળ પર તિલક કરીને તેમના લાંબા આયુષ્ય અને સુખી જીવનની પ્રાર્થના કરી શકે છે.
ધાર્મિક માન્યતાઓ અનુસાર ભાઈબીજના દિવસે બહેનના હાથે તિલક કરાવવાથી ભાઈને યમરાજના આશીર્વાદ મળે છે. આ દિવસે બહેન ભાઈનું સ્વાગત કરીને તેને તિલક લગાવે છે અને મીઠાઈ ખવડાવે છે. ત્યારબાદ ભાઈ પોતાની બહેનને ભેટ આપે છે અને તેની રક્ષા તથા સુખાકારીનું વચન આપે છે. આ પરંપરા ભાઈ-બહેન વચ્ચેના પ્રેમ અને લાગણીને વધુ મજબૂત બનાવે છે.
ભાઈબીજના તહેવાર પાછળ યમરાજ અને તેમની બહેન યમુનાની પૌરાણિક કથા પણ જોડાયેલી છે. કહેવાય છે કે એક વખત યમરાજ પોતાની બહેન યમુનાને મળવા તેમના ઘરે ગયા હતા. યમુનાએ ભાઈનું પ્રેમપૂર્વક સ્વાગત કર્યું હતું. તેમણે યમરાજના કપાળ પર તિલક લગાવ્યું અને તેમને ભાવપૂર્વક ભોજન કરાવ્યું હતું. બહેનના આ પ્રેમ અને આતિથ્યથી પ્રસન્ન થઈને યમરાજે તેમને વરદાન માગવા કહ્યું હતું.
યમુનાએ વરદાન માગ્યું હતું કે દર વર્ષે આ દિવસે જે ભાઈ પોતાની બહેનના ઘરે જઈને તેના હાથે તિલક કરાવશે તેને યમરાજના આશીર્વાદ મળે અને તેના જીવનમાં સુખ-સમૃદ્ધિ જળવાઈ રહે. યમરાજે બહેનની આ ઇચ્છા સ્વીકારી હતી. ત્યારથી કારતક સુદ બીજના દિવસે ભાઈબીજ ઉજવવાની પરંપરા શરૂ થઈ હોવાનું માનવામાં આવે છે. આ જ કારણ છે કે આ તહેવારને યમ દ્વિતીયા પણ કહેવામાં આવે છે.
આમ, ભાઈબીજ માત્ર ધાર્મિક મહત્ત્વ ધરાવતો તહેવાર નથી, પરંતુ ભાઈ-બહેન વચ્ચેના નિઃસ્વાર્થ પ્રેમ, વિશ્વાસ અને લાગણીને વ્યક્ત કરવાનો ખાસ અવસર પણ છે. આ દિવસે બહેન પોતાના ભાઈના સુખી અને લાંબા જીવન માટે પ્રાર્થના કરે છે અને ભાઈ પણ બહેનની ખુશી તથા સુરક્ષાની જવાબદારી નિભાવવાનો સંકલ્પ કરે છે.