Sports

વિરાટ કોહલીએ સચિન તેંડુલકરનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો, ODI ક્રિકેટમાં રન ચેઝના બાદશાહ બન્યા

ભારતીય બેટિંગ દિગ્ગજ વિરાટ કોહલી વન-ડે ક્રિકેટની દુનિયામાં પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું છે. ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ વન-ડે મેચમાં તેમણે એક એવો સીમાચિહ્નરૂપ રેકોર્ડ હાંસલ કર્યો જે અગાઉ મહાન ખેલાડી સચિન તેંડુલકરના નામે હતો. તેંડુલકરના વર્લ્ડ રેકોર્ડને પાછળ છોડીને કોહલીએ વન-ડે ક્રિકેટમાં લક્ષ્યનો પીછો કરતી વખતે સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેનનું સ્થાન મેળવી લીધું છે.

૪ નવેમ્બરે ન્યૂઝીલેન્ડ સામેની મેચ દરમિયાન વિરાટ કોહલીએ ૭૪ રનની શાનદાર ઇનિંગ રમી હતી. આ સાથે વન-ડે ક્રિકેટમાં લક્ષ્યનો પીછો કરતી વખતે તેમના કુલ રનની સંખ્યા ૮,૭૪૧ થઈ ગઈ છે. આ રીતે તેમણે સચિન તેંડુલકરને પાછળ છોડી દીધા છે, જેમણે લક્ષ્યનો પીછો કરતી વખતે ૮,૭૨૦ રન બનાવ્યા હતા. પરિણામે વન-ડે ક્રિકેટમાં બીજી ઇનિંગમાં બેટિંગ કરતી વખતે (લક્ષ્યનો પીછો કરતા) સૌથી વધુ રન બનાવનાર ખેલાડી હવે કોહલી બની ગયા છે.

સચિનની સરખામણીમાં ઓછી ઇનિંગ્સમાં સિદ્ધિ હાંસલ કરી
વિરાટ કોહલીએ ૧૮૦ મેચોની ૧૬૯ ઇનિંગ્સમાં ૮,૭૪૧ રન બનાવ્યા છે. તેની સામે સચિન તેંડુલકરને ૮,૭૨૦ રન સુધી પહોંચવા માટે ૨૪૨ મેચોની ૨૩૨ ઇનિંગ્સ લાગી હતી. સરેરાશની બાબતમાં પણ કોહલી, સચિન કરતાં ઘણા આગળ છે; લક્ષ્યનો પીછો કરતી વખતે કોહલીની સરેરાશ ૬૬.૨૧ છે, જ્યારે સચિનની સરેરાશ ૪૨.૩૩ હતી. લક્ષ્યનો પીછો કરતી વખતે કોહલીએ ૩૦ સદી અને ૪૬ અડધી સદી ફટકારી છે, જ્યારે સચિને ૧૭ સદી અને ૫૨ અડધી સદી નોંધાવી હતી. સ્ટ્રાઈક રેટની બાબતમાં પણ કોહલી આગળ છે; લક્ષ્યનો પીછો કરતી વખતે તેમનો સ્ટ્રાઈક રેટ ૯૫.૦૩ છે જ્યારે સચિનનો સ્ટ્રાઈક રેટ ૮૮.૪૪ હતો.

ન્યૂઝીલેન્ડ સામેની આ મેચમાં કોહલીએ વધુ એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. તેમણે વિદેશી ધરતી પર વન-ડે ક્રિકેટમાં ૫૦મી વખત ૫૦ કે તેથી વધુ રન બનાવ્યા. વિદેશી ધરતી પર રમાયેલી આ તેમની ૧૨૮મી વન-ડે મેચ હતી જેમાં તેમણે કુલ ૨૧ સદી અને ૨૯ અડધી સદી નોંધાવી છે. વરસાદથી પ્રભાવિત થયેલી આ મેચમાં DLS પદ્ધતિ હેઠળ ભારતને ૩૨ ઓવરમાં ૧૪૩ રનનો લક્ષ્યાંક આપવામાં આવ્યો હતો.

શરૂઆતમાં કેટલાક ઝટકા લાગ્યા બાદ શુભમન ગિલ અને વિરાટ કોહલીએ ભારતીય ઇનિંગ્સને સંભાળી લીધી અને બીજી વિકેટ માટે ૧૧૩ રનની ભાગીદારી નોંધાવી. ગિલે ૩૭ રન બનાવ્યા જ્યારે કોહલીએ ૭૪ રનની ઇનિંગ્સ રમીને પોતાની ૮૦મી વન-ડે (ODI) અડધી સદી પૂરી કરી. ભારતે ૨૨.૪ ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને લક્ષ્યાંક હાંસલ કરી લીધો અને પાંચ વિકેટથી વિજય મેળવ્યો. આ જીત સાથે ભારતીય ટીમે પાંચ મેચની શ્રેણીમાં ૧-૦ની સરસાઈ મેળવી લીધી છે.

Most Popular

To Top