ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી નિવૃત્તિ લીધી છે. ૪૧ વર્ષીય ખેલાડીએ ગુરુવારે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આ નિર્ણયની જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે નવેમ્બરના આંતરરાષ્ટ્રીય બ્રેક પછી તેઓ પોર્ટુગલની પ્રખ્યાત નંબર ૭ જર્સી ટીમને પરત કરી દેશે.
રોનાલ્ડોની સફર ૨૦ ઓગસ્ટ, ૨૦૦૩ના રોજ કઝાકિસ્તાન સામે શરૂ થઈ હતી જ્યારે તેઓ માત્ર ૧૮ વર્ષના હતા. ત્યારબાદના ૨૩ વર્ષોમાં, તેમણે પોર્ટુગલ માટે ૨૩૪ મેચ રમી અને રેકોર્ડ ૧૪૬ ગોલ કર્યા. તેમણે ૪૬ ‘આસિસ્ટ’ (ગોલ કરવામાં મદદરૂપ થતા અંતિમ પાસ) પણ આપ્યા હતા.
પોર્ટુગલ માટે સર્વસ્વ અર્પણ કર્યું
એક વીડિયોમાં રોનાલ્ડોએ કહ્યું કે રાષ્ટ્રીય ટીમ સાથે મેદાન પરની તેમની સફર હવે પૂરી થઈ છે. તેમણે કહ્યું, “હું ગર્વ સાથે વિદાય લઈ રહ્યો છું,” અને ઉમેર્યું કે તેમણે પોર્ટુગલ માટે પોતાનું સર્વસ્વ આપી દીધું હતું. તેમણે યાદ કર્યું કે જ્યારે તેઓ પાછળ વળીને જુએ છે ત્યારે તેમને માત્ર મેચો, ગોલ, રેકોર્ડ્સ કે ટ્રોફી જ નહીં પરંતુ એવા લોકો પણ યાદ આવે છે જેમણે આ સફરને ખરેખર ખાસ બનાવી દીધી હતી.
એવા ફૂટબોલર જેમણે ૬ વર્લ્ડ કપમાં ગોલ કર્યા
રોનાલ્ડોએ ૨૦૦૬માં જર્મની ખાતે વર્લ્ડ કપમાં પદાર્પણ કર્યું હતું. ત્યારબાદ તેઓ ૨૦૧૦, ૨૦૧૪, ૨૦૧૮, ૨૦૨૨ અને ૨૦૨૬ની ટુર્નામેન્ટમાં પોર્ટુગીઝ ટીમનો ભાગ રહ્યા. આમ તેમણે સતત છ વર્લ્ડ કપમાં ભાગ લીધો. તેઓ ઇતિહાસના એવા પ્રથમ ખેલાડી બન્યા જેમણે છ અલગ-અલગ વર્લ્ડ કપ ટુર્નામેન્ટમાં ગોલ કર્યા હોય.
આ ટુર્નામેન્ટ્સ દરમિયાન તેમણે કુલ ૨૭ મેચ રમી અને ૧૧ ગોલ કર્યા. તેમણે ૨૦૨૬માં ઉઝબેકિસ્તાન સામે ગોલ કરીને આ રેકોર્ડ બનાવ્યો હતો. જોકે વર્લ્ડ કપ જીતવાનું તેમનું સપનું અધૂરું રહી ગયું. ટીમનું શ્રેષ્ઠ પ્રદર્શન ૨૦૦૬માં જોવા મળ્યું હતું જ્યારે તેઓ સેમીફાઇનલ સુધી પહોંચ્યા હતા અને ચોથા સ્થાને રહ્યા હતા.
રોનાલ્ડોના શ્રેષ્ઠ 5 ગોલ
1. બાયસિકલ કિક: રિયલ મેડ્રિડ માટે રમતા, ચેમ્પિયન્સ લીગની ક્વાર્ટર-ફાઇનલમાં રોનાલ્ડોએ ‘બાયસિકલ કિક’ દ્વારા ગોલ કર્યો હતો.
2. 40 યાર્ડ દૂરથી ગોલ: ચેમ્પિયન્સ લીગની ક્વાર્ટર-ફાઈનલ મેચમાં માન્ચેસ્ટર યુનાઈટેડ માટે રમતી વખતે, રોનાલ્ડોએ લગભગ 40 યાર્ડના અંતરેથી ગોલ કર્યો હતો.
3.’નકલબોલ’ (Knuckleball) ફ્રી-કિક: રોનાલ્ડોએ 30 યાર્ડથી વધુ દૂરથી ફ્રી-કિક લીધી; બોલ હવામાં એક અનોખી અને અનિશ્ચિત ગતિ સાથે આગળ વધ્યો અને છેવટે નેટમાં જઈને પડ્યો.
4. સ્પેન સામે છેલ્લી ઘડીની ફ્રી-કિક: ફિફા (FIFA) વર્લ્ડ કપના ગ્રુપ સ્ટેજની એક મેચમાં, રોનાલ્ડોએ રમતની અંતિમ ક્ષણોમાં ફ્રી-કિક દ્વારા ગોલ કર્યો. આ ગોલ સાથે તેણે પોતાની હેટ્રિક પૂરી કરી અને સ્પેન સામે પોર્ટુગલ માટે 3-3થી ડ્રો મેળવવામાં મદદ કરી.
5. સેમ્પડોરિયા સામે ‘સુપરમેન’ હેડર (2019): સીરી-એ (Serie A) લીગમાં જુવેન્ટસ માટે રમતી વખતે, રોનાલ્ડોએ લગભગ 2.56 મીટરની ઊંચાઈએ કૂદકો લગાવીને હેડર દ્વારા ગોલ કર્યો. તેના આ કૂદકા અને હેડરની વિશિષ્ટતાને કારણે, તેને ‘સુપરમેન હેડર’ તરીકે ઓળખવામાં આવ્યું.