Sports

‘તારી મહેનતે તને સૌથી અલગ બનાવ્યો’, રહાણેની વિદાયે ચાહકોની આંખો ભીની, રોહિત-કોહલી સહિત દિગ્ગજોએ આપી શુભેચ્છા

ભારતીય ક્રિકેટ ટીમના અનુભવી બેટ્સમેન અને પૂર્વ વાઇસ કેપ્ટન અજિંક્ય રહાણેએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. 30 જુલાઈ, 2026ના રોજ રહાણેએ સોશિયલ મીડિયા પર એક ભાવુક વીડિયો શેર કરીને પોતાના ક્રિકેટ કરિયરને અલવિદા કહી હતી. તેણે કહ્યું કે ભારત માટે રમવાની તક તેના જીવનનું સૌથી મોટું સન્માન રહી છે અને આ સફરમાં મળેલા દરેક અનુભવ માટે તે હંમેશાં આભારી રહેશે.

રહાણેની આ જાહેરાત બાદ ક્રિકેટ જગતમાં લાગણીનો માહોલ જોવા મળ્યો હતો. તેના સાથી ખેલાડીઓ, પૂર્વ કેપ્ટનો અને ચાહકોએ સોશિયલ મીડિયા પર શુભેચ્છાઓ પાઠવી હતી. ખાસ કરીને રોહિત શર્મા અને વિરાટ કોહલીની પોસ્ટ્સ સૌથી વધુ ચર્ચામાં રહી હતી. રોહિત શર્માએ રહાણે સાથેની લાંબી સફર યાદ કરતાં લખ્યું કે બંનેએ મુંબઈ ક્રિકેટથી લઈને ભારતીય ટીમ સુધી સાથે અનેક યાદગાર ક્ષણો પસાર કરી છે. તેણે કહ્યું કે રહાણેએ જે સફળતા મેળવી છે તેની પાછળ તેની વર્ષોની મહેનત, શિસ્ત અને સમર્પણ જવાબદાર છે. રોહિતે લખ્યું કે રહાણેની પ્રોફેશનલિઝમ તેને હંમેશાં બીજા ખેલાડીઓથી અલગ બનાવતી હતી અને તે તેના શાનદાર કરિયર માટે અભિનંદનનો હકદાર છે.

વિરાટ કોહલીએ પણ રહાણેને ખાસ શબ્દોમાં શુભેચ્છા પાઠવી હતી. તેણે રહાણેને ટેસ્ટ ક્રિકેટમાં પોતાનો સૌથી વિશ્વસનીય બેટિંગ પાર્ટનર ગણાવ્યો. સાથે જ સ્લિપમાં રહાણેની ફિલ્ડિંગની પ્રશંસા કરતાં કહ્યું કે તે ટીમનો સૌથી ભરોસાપાત્ર ફિલ્ડર હતો. કોહલીએ રહાણેને ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવતાં કહ્યું કે ભારતીય ક્રિકેટમાં તેનું યોગદાન હંમેશાં યાદ રહેશે. અજિંક્ય રહાણેના કરિયરની સૌથી મોટી સિદ્ધિ વર્ષ 2020-21ની બોર્ડર-ગાવાસ્કર ટ્રોફી માનવામાં આવે છે. એડિલેડ ટેસ્ટમાં ભારત માત્ર 36 રનમાં ઓલઆઉટ થયું હતું અને ત્યારબાદ વિરાટ કોહલી સ્વદેશ પરત ફર્યા હતા. આવી મુશ્કેલ પરિસ્થિતિમાં રહાણેએ ટીમની કમાન સંભાળી હતી. તેણે મેલબોર્ન ટેસ્ટમાં શાનદાર સદી ફટકારી ભારતને શ્રેણીમાં પરત ફરાવ્યું હતું.

ત્યારબાદ યુવા ખેલાડીઓ સાથે રહાણેએ ગાબા ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાને હરાવી ઇતિહાસ રચ્યો હતો. ગાબા મેદાન પર ઓસ્ટ્રેલિયા 32 વર્ષથી અજેય રહ્યું હતું, પરંતુ રહાણેની કપ્તાનીમાં ભારતે તે રેકોર્ડ તોડી શ્રેણી 2-1થી પોતાના નામે કરી હતી. આ જીત ભારતીય ક્રિકેટના સૌથી યાદગાર પળોમાંથી એક માનવામાં આવે છે. રહાણેએ કુલ 6 ટેસ્ટ મેચોમાં ભારતની કપ્તાની કરી હતી. તેમાં ભારતે 4 મેચ જીતી હતી જ્યારે 2 મેચ ડ્રો રહી હતી. તેની કપ્તાનીમાં ભારતે એકપણ ટેસ્ટ મેચ હારી નહોતી. પાંચ કે તેથી વધુ ટેસ્ટમાં ભારતનું નેતૃત્વ કરનારા કેપ્ટનોમાં તેનો જીતનો રેકોર્ડ સૌથી સારો રહ્યો છે.

રહાણે ખાસ કરીને વિદેશી પિચો પર પોતાની શાનદાર બેટિંગ માટે જાણીતા રહ્યા હતા. જ્યારે ટીમ મુશ્કેલીમાં હોય ત્યારે તે જવાબદારીથી બેટિંગ કરીને ભારતને સંકટમાંથી બહાર લાવતો હતો. શાંત સ્વભાવ, ધીરજ અને ટીમ માટે રમવાની તેની ભાવનાને કારણે તે ખેલાડીઓ અને ચાહકો વચ્ચે ખૂબ લોકપ્રિય રહ્યો. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં રહાણેએ ત્રણેય ફોર્મેટમાં મળીને 8,414 રન બનાવ્યા હતા. ટેસ્ટ ક્રિકેટમાં તેણે 85 મેચમાં 5,077 રન બનાવ્યા હતા, જેમાં 12 સદી અને 26 અડધી સદીનો સમાવેશ થાય છે. વનડેમાં તેણે 90 મેચમાં 2,962 રન બનાવ્યા હતા અને 3 સદી સાથે 24 અડધી સદી નોંધાવી હતી. જ્યારે ટી-20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેણે 20 મેચમાં 375 રન બનાવ્યા હતા. રહાણેની નિવૃત્તિ સાથે ભારતીય ક્રિકેટના એક એવા અધ્યાયનો અંત આવ્યો છે, જેને તેની શાંત નેતાગીરી, મુશ્કેલ સમયમાં ટીમને સંભાળવાની ક્ષમતા અને વિદેશી ધરતી પર રમાયેલી યાદગાર ઇનિંગ્સ માટે હંમેશાં યાદ કરવામાં આવશે. ચાહકો માટે ગાબાની ઐતિહાસિક જીત અને રહાણેની લડાયક રમત હંમેશાં યાદગાર બની રહેશે.

Most Popular

To Top