SURAT

ડુમસ બીચ બે દિવસ માટે સંપૂર્ણ બંધ, માછીમારોને દરિયો નહીં ખેડવા સૂચના

સુરત: આગામી બે દિવસ દરમિયાન ભારે વરસાદ, તોફાની પવન અને દરિયામાં ઊંચા મોજાંની હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીને પગલે ડુમ્મસ બીચ પર બે દિવસ માટે સંપૂર્ણ પ્રતિબંધ જાહેર કર્યો છે. આ સમયગાળા દરમિયાન કોઈપણ વ્યક્તિએ ડુમ્મસ બીચની મુલાકાત ન લેવી તેમજ દરિયામાં પ્રવેશ ન કરવો તે માટે ખાસ અપીલ કરવામાં આવી છે.

સહાયક મત્સ્યોદ્યોગ નિયામક પી. એચ. કોટડિયાએ જણાવ્યું હતું કે આગામી બે દિવસ દરમિયાન દરિયામાં ભારે કરંટ, ઊંચા મોજાં અને પ્રતિકૂળ હવામાનની સ્થિતિ સર્જાવાની સંભાવના છે. આવી સ્થિતિમાં દરિયાકિનારે ફરવા જવું કે માછીમારી માટે દરિયો ખેડવો જોખમી બની શકે છે. તેથી કોઈપણ પ્રકારની જાનહાનિ કે દુર્ઘટના ટાળવા માટે ડુમ્મસ બીચ પર લોકોના પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તંત્રે ખાસ કરીને પ્રવાસીઓ અને સ્થાનિક નાગરિકોને આ સમયગાળા દરમિયાન બીચ તરફ ન જવા અનુરોધ કર્યો છે. સપ્તાહાંત દરમિયાન મોટી સંખ્યામાં લોકો ડુમ્મસ બીચની મુલાકાત લેતા હોય છે, પરંતુ હાલની હવામાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને દરેક વ્યક્તિએ સાવચેતી રાખવી જરૂરી હોવાનું જણાવાયું છે.

માછીમારોને પણ દરિયો નહી ખેડવા સૂચના
બીજી તરફ, તમામ માછીમારો અને બોટ માલિકોને પોતાની બોટ દરિયામાં ન ઉતારવા તેમજ તેને સુરક્ષિત સ્થળે કેસિંગ અથવા લંગર કરી રાખવા સૂચના આપવામાં આવી છે. હવામાન સામાન્ય ન થાય ત્યાં સુધી કોઈપણ પ્રકારની માછીમારીની પ્રવૃત્તિથી દૂર રહેવા પણ તંત્રે સૂચના આપી છે. નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ડુમ્મસ બીચ સહિત દરિયાકિનારાના વિસ્તારોમાં પોલીસ અને સ્થાનિક પ્રશાસનનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. પ્રતિબંધનો ભંગ ન થાય તે માટે સતત પેટ્રોલિંગ અને દેખરેખ રાખવામાં આવશે. જરૂરિયાત મુજબ લોકોને સ્થળ પરથી પરત મોકલવાની કામગીરી પણ હાથ ધરાશે.

Most Popular

To Top