યુવતીના નિડર જવાબથી ગરમાયો માહોલ; ભાજપ કાર્યકરો અને પરિવારજનો સામસામે આવતા મારામારી
વડોદરા: વડોદરામાં માંજલપુર વિધાનસભ ચૂંટણીમાં મતદાન દરમિયાન પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા અને ભાજપ યુવા મોરચાના પ્રમુખ મૌલિક દેસાઈને લઈને ભારે વિવાદ સર્જાયો છે.

મતદાનના દિવસે જ પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા પોતાના કાર્યકરો સાથે ઢોલ-નગારાના તાલે વિસ્તારમાં પ્રચાર માટે પહોંચતા રાજકીય ગરમાવો આવી ગયો હતો. પ્રચાર દરમિયાન ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાએ એક સ્થાનિક યુવતીને “વોટ આપ્યો કે નહીં અને કોને આપ્યો?” તેમ પૂછતાં યુવતીએ નિડરતાથી “કોંગ્રેસને વોટ આપ્યો છે” તેવો સ્પષ્ટ જવાબ આપ્યો હતો. યુવતીના આ સીધા જવાબથી ધારાસભ્ય અને તેમની સાથે રહેલા ભાજપના કાર્યકરો ઉશ્કેરાયા હતા. આક્ષેપ છે કે તીખી બોલાચાલી બાદ ભાજપના કાર્યકરોએ એક સ્થાનિક યુવકને માર માર્યો હતો, જ્યારે ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાએ આવેશમાં આવીને યુવતીને લાફો મારી દીધો હોવાના ગંભીર આરોપો લાગ્યા છે.

આ ઘટના બાદ મામલો માંજલપુર પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો, પરંતુ સ્થિતિ શાંત થવાને બદલે વધુ વણસી હતી. પોલીસ સ્ટેશનની બહાર જ ભાજપ યુવા મોરચાના પ્રમુખ મૌલિક દેસાઈ પોતાના સમર્થકો અને ભાજપના અન્ય કાર્યકરો સાથે પહોંચ્યા હતા. જ્યાં યુવા મોરચા પ્રમુખ મૌલિક દેસાઈ અને અન્ય કાર્યકરોની યુવતીના પરિવારજનો સાથે ભારે ટપાટપી અને ઉગ્ર મારામારી થઈ હતી.

આમ, મતદાનના દિવસે જ પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા પર યુવતીને લાફો મારવાના ગંભીર આક્ષેપ અને ત્યારબાદ પોલીસ સ્ટેશન બહાર યુવા મોરચા પ્રમુખ મૌલિક દેસાઈની હાજરીમાં થયેલા ભારે હોબાળાને કારણે સમગ્ર વિસ્તારમાં રાજકીય ખળભળાટ મચી ગયો છે.