સુરતની હોટેલ અને રેસ્ટોરન્ટમાં ભોજન કઈ પરિસ્થિતિમાં તૈયાર થાય છે અને રસોડામાં સ્વચ્છતા જળવાય છે કે નહીં તે ગ્રાહકો જાણી શકે તે માટે સુરત મહાનગરપાલિકાએ કિચનના સીસીટીવીનું લાઇવ પ્રસારણ દર્શાવવાની વ્યવસ્થા ફરજિયાત કરી છે. જોકે, શહેરમાં અંદાજે 1500 હોટેલ-રેસ્ટોરન્ટમાંથી નિયમ લાગુ કર્યાના 12 દિવસમાં માત્ર 10 ટકા જેટલા એકમોમાં જ આ વ્યવસ્થા શરૂ થઈ હોવાનું સામે આવ્યું છે. આ સ્થિતિને પગલે પાલિકાએ સંચાલકોને સાત દિવસનું આખરી અલ્ટીમેટમ આપ્યું છે. નિર્ધારિત સમયમર્યાદામાં નિયમનું પાલન નહીં કરનારા એકમોને નોટિસ ફટકારવામાં આવશે અને ત્યારબાદ પણ બેદરકારી ચાલુ રહેશે તો લાઇસન્સ રદ કરવા સુધીની કાર્યવાહી કરવાની ચેતવણી આપવામાં આવી છે.
તાજેતરમાં હોટેલ-રેસ્ટોરન્ટના રસોડામાં વાસી અને અખાદ્ય સામગ્રીનો ઉપયોગ થતો હોવાની ફરિયાદો તથા તેના વીડિયો સામે આવ્યા બાદ ખાદ્ય સુરક્ષાને લઈને તપાસ તેજ કરવામાં આવી છે. ગ્રાહકોને પીરસવામાં આવતું ભોજન કેવી રીતે તૈયાર થાય છે તેની પારદર્શિતા જળવાય અને રસોડામાં સ્વચ્છતા અંગે બેદરકારી ન રહે તે હેતુથી કિચનમાં સીસીટીવી કેમેરા લગાવી તેનું લાઇવ પ્રસારણ ડાઇનિંગ એરિયામાં સ્ક્રીન પર દર્શાવવાની સૂચના આપવામાં આવી છે. આ વ્યવસ્થાથી ગ્રાહકો ભોજન તૈયાર થવાની પ્રક્રિયા અને કિચનની સ્થિતિ પ્રત્યક્ષ જોઈ શકશે.
પાલિકાના ખાદ્ય સુરક્ષા વિભાગ દ્વારા હોટેલ અને રેસ્ટોરન્ટમાં સ્વચ્છતા, ખાદ્ય સામગ્રીની ગુણવત્તા, વપરાતા પાણીની સ્થિતિ, કર્મચારીઓની વ્યક્તિગત સ્વચ્છતા અને રસોડાની વ્યવસ્થાનું નિરીક્ષણ કરવામાં આવે છે. તપાસ દરમિયાન નિયમોનો ભંગ જણાય તો નોટિસ આપવા, દંડ વસૂલવા અને અખાદ્ય સામગ્રીનો નાશ કરવા સહિતનાં પગલાં લેવામાં આવે છે. તેમ છતાં, કિચનના સીસીટીવીનું લાઇવ પ્રસારણ શરૂ કરવામાં મોટાભાગનાં એકમો પાછળ રહેતાં પાલિકાએ હવે આ વ્યવસ્થાના અમલ માટે આખરી સમયમર્યાદા નક્કી કરી છે.
પાલિકાની સૂચના મુજબ, આગામી સાત દિવસમાં હોટેલ-રેસ્ટોરન્ટના સંચાલકોએ કિચનમાં સીસીટીવી લગાવી તેનું લાઇવ પ્રસારણ ગ્રાહકોને દેખાય તેવી વ્યવસ્થા ઊભી કરવી પડશે. સમયમર્યાદા પૂરી થયા બાદ પણ નિયમનું પાલન નહીં કરનારા એકમોને નોટિસ આપવામાં આવશે. નોટિસ બાદ પણ જરૂરી વ્યવસ્થા ઊભી નહીં કરવામાં આવે તો લાઇસન્સ રદ કરવા સુધીની કડક કાર્યવાહી થઈ શકે છે.
હવે મહત્ત્વનો પ્રશ્ન એ છે કે સાત દિવસની સમયમર્યાદા પૂરી થયા બાદ પાલિકા નિયમનો કેટલો કડક અમલ કરે છે. ગ્રાહકોના આરોગ્ય અને ખાદ્ય સુરક્ષા સાથે જોડાયેલા આ નિયમનું પાલન માત્ર કાગળ પર નહીં, પરંતુ વાસ્તવિક રીતે થાય તે જરૂરી છે. કિચનની સ્વચ્છતા જાળવવા અને ખાદ્ય સામગ્રીની ગુણવત્તા અંગે વિશ્વાસ ઊભો કરવા માટે પાલિકાની તપાસ અને નિયમભંગ સામેની કાર્યવાહી સતત ચાલુ રહેવી જરૂરી બનશે.