Gujarat

કોમનવેલ્થ ગેમ્સની તૈયારી તેજ, અમદાવાદના મોટેરામાં 75 રહેણાંક મકાનો તોડવાની કામગીરી

અમદાવાદમાં આગામી કોમનવેલ્થ ગેમ્સને ધ્યાનમાં રાખીને શહેરમાં માળખાકીય સુવિધાઓ વિકસાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. ખાસ કરીને મોટેરા વિસ્તારમાં આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ તરફ જતા રસ્તાઓને પહોળા કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. સાબરમતી ટોલનાકાથી નરેન્દ્ર મોદી સ્ટેડિયમ તરફ જતા માર્ગને 18 મીટરથી વધારીને 61 મીટર પહોળો કરવાની યોજના હેઠળ રસ્તા પર આવતાં રહેણાંક અને કોમર્શિયલ બાંધકામો દૂર કરવામાં આવી રહ્યાં છે. આ કામગીરીના ભાગરૂપે સ્ટેડિયમથી આશરે એક કિલોમીટરના વિસ્તારમાં દબાણો દૂર કરવામાં આવી રહ્યાં છે. જેસીબી સહિતનાં સાધનોની મદદથી રહેણાંક મકાનો તોડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. અગાઉ આ જ માર્ગ પર આવેલી 66 કોમર્શિયલ મિલકતો દૂર કરવામાં આવી હતી. હવે રહેણાંક મિલકતો દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. સમગ્ર માર્ગ પર 165થી વધુ રહેણાંક અને કોમર્શિયલ મિલકતો અસરગ્રસ્ત બની હોવાનું જાણવા મળે છે.

મ્યુનિસિપલ કોર્પોરેશનના પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગની કામગીરી મુજબ, સાબરમતી ટોલનાકાથી ડી-માર્ટની સામેના રસ્તાને 61 મીટર પહોળો કરવાનો હોવાથી માર્ગ પર આવતાં 100થી વધુ રહેણાંક મકાનો અસરગ્રસ્ત બન્યાં છે. તેમાંથી હાલ 75 મકાનો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ કામગીરી પૂર્ણ થયા બાદ અસરગ્રસ્ત પરિવારોને વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે મકાનો ફાળવવાની યોજના છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આંતરરાષ્ટ્રીય રમતગમતના આયોજનને ધ્યાનમાં રાખીને રસ્તાઓ પહોળા કરવા અને આસપાસના વિસ્તારોમાં સુવિધાઓ વિકસાવવાનાં કામોને મહત્ત્વ આપવામાં આવી રહ્યું છે. માર્ગ પહોળો થવાથી સ્ટેડિયમ તરફ આવતા વાહનોની અવરજવર સરળ બનાવવામાં મદદ મળી શકે છે. જોકે, બાંધકામો દૂર કરવાની કામગીરીને કારણે અસરગ્રસ્ત પરિવારોના પુનર્વસન અને વૈકલ્પિક રહેઠાણની વ્યવસ્થા પણ મહત્ત્વપૂર્ણ બની રહેશે.

Most Popular

To Top