Gujarat

સુરતની તમામ શાળા-કોલેજોમાં રજા જાહેર, ગુજરાતના 13 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ

હવામાન વિભાગ દ્વારા શુક્રવાર, 31 જુલાઈના રોજ સુરત જિલ્લામાં ભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ જાહેર કરાયું છે. સંભવિત વરસાદી આફતને ધ્યાનમાં રાખીને જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા શહેર અને જિલ્લાના તમામ સરકારી, અનુદાનિત તેમજ ખાનગી શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. બીજી તરફ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ પણ તેના કાર્યક્ષેત્ર હેઠળ આવતી તમામ કોલેજોમાં શૈક્ષણિક કામગીરી સ્થગિત રાખી રજા જાહેર કરવાનો નિર્ણય લીધો છે.

ભારે વરસાદ અને તેના કારણે સર્જાઈ શકે તેવી સંભવિત પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોની સુરક્ષાને કેન્દ્રમાં રાખી આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જણાવાયું છે. વરસાદ દરમિયાન માર્ગો પર પાણી ભરાવા, વાહનવ્યવહાર પ્રભાવિત થવા તેમજ અન્ય જોખમોને ધ્યાનમાં રાખીને શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જિલ્લા શિક્ષણાધિકારીએ સ્પષ્ટ કર્યું છે કે અગાઉ ભારે વરસાદને કારણે જાહેર કરવામાં આવેલી બે રજાઓ ઉપરાંત આજે જાહેર કરાયેલી રજાના કારણે શિક્ષણકાર્યમાં થનારા નુકસાનની ભરપાઈ સ્થાનિક કક્ષાએ અન્ય રજાના દિવસોમાં અથવા યોગ્ય આયોજન દ્વારા કરવામાં આવશે. તમામ શાળાઓને વિદ્યાર્થીઓના અભ્યાસક્રમને સમયસર પૂર્ણ કરવા માટે વૈકલ્પિક આયોજન કરવાની સૂચના આપવામાં આવી છે.

ગુજરાતમાં આવતીકાલે ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને રાજ્યના અમદાવાદ, વડોદરા, સુરત, નવસારી સહિતના જિલ્લામાં શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. જિલ્લા કલેક્ટરોના આદેશ બાદ જિલ્લા શિક્ષણ અધિકારીઓ (DEO) દ્વારા આ અંગે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાને લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે.

31 જુલાઈએ અમદાવાદ અને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લા સહિત 13 જિલ્લામાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બીજી તરફ રાજકોટ, અમરેલી, સુરેન્દ્રનગર સહિતના 7 જિલ્લામાં ઓરેન્જ એલર્ટની આગાહી છે. જ્યારે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

ગત સપ્તાહ દરમિયાન પડેલા ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. જેને કારણે શાળાએ ગયેલા અનેક વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. કેટલીક જગ્યાએ ટ્રાફિક જામ અને રસ્તાઓ બંધ થવાને કારણે વિદ્યાર્થીઓ ફસાઈ ગયા હતા. આવી સ્થિતિ ફરી સર્જાય નહીં તે માટે અગાઉથી સાવચેતીના ભાગરૂપે રજા જાહેર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

છતીસગઢ, મધ્યપ્રદેશ અને વિદર્ભ પાસે સર્જાયેલું ડીપ ડીપ્રેશન આગામી 12 કલાકમાં ડીપ્રેશનમાં ફેરવાય તેવી શક્યતા છે. જેના કારણે 31 જુલાઈ અને 1લી ઓગસ્ટે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને પગલે રાજ્ય સરકારે તમામ મહાનગર પાલિકા અને પાલિકાઓને એલર્ટ કરી છે. સરકારી અધિકારીઓની રજા રદ કરી હેડકવાર્ટરમાં હાજર રહેવા આદેશ કરાયો છે.

Most Popular

To Top