SURAT

સુરત માટે મહત્ત્વની ચેતવણી: સાંજે ભારે વરસાદ-તીવ્ર પવનની આગાહી, નાગરિકોને સતર્ક રહેવા અને ઘરે રહેવા કમિશનરની અપીલ

સુરત શહેરમાં હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલા રેડ એલર્ટ વચ્ચે મહાનગરપાલિકા સંપૂર્ણ રીતે એક્શનમાં આવી ગઈ છે. મ્યુનિસિપલ કમિશનર એમ. નાગરાજને જણાવ્યું છે કે શહેરમાં વરસાદી સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને કોઈપણ કટોકટીની સ્થિતિનો સામનો કરવા માટે તમામ વિભાગોને એલર્ટ પર રાખવામાં આવ્યા છે. ભારે વરસાદ અને તીવ્ર પવનની આગાહીને ધ્યાનમાં રાખીને શહેરના નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.

કમિશનરે જણાવ્યું કે પાલિકાના ઉચ્ચ અધિકારીઓ દ્વારા સ્થાનિક સ્તરે સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. જ્યાં પાણી ભરાવાની શક્યતા વધુ છે તેવા વિસ્તારો પર ખાસ નજર રાખવામાં આવી રહી છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને લોકોને સમયસર સલામત સ્થળે પહોંચાડવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. નાગરિકોની સુરક્ષાને પ્રથમ પ્રાથમિકતા આપતાં શાળા-કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. ઉપરાંત ડાયમંડ યુનિટો, ફેક્ટરીઓ અને સુરતના તમામ કાપડ માર્કેટ પણ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. માર્કેટ એસોસિયેશનો દ્વારા પણ વેપારીઓ અને કર્મચારીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સંપૂર્ણ રજા જાહેર કરવામાં આવી છે.

કમિશનરે જણાવ્યું કે શહેરની બહાર આવેલા કીમ અને તેની આસપાસના વિસ્તારો તેમજ નદીના ઉપરવાસમાં આવેલા વેલંજા, કઠોર અને ગોથાણ જેવા વિસ્તારોમાં ભારે વરસાદને કારણે પાણી ભરાવાની શક્યતા છે. તેથી આ વિસ્તારોમાં રહેતા લોકોને ખાસ સતર્ક રહેવા અને તંત્રની સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરવામાં આવી છે. સાંજના સમયે વધુ તીવ્ર પવન સાથે ભારે વરસાદની આગાહી હોવાથી નાગરિકોને શક્ય હોય ત્યાં સુધી ઘરની બહાર ન નીકળવા અનુરોધ કરવામાં આવ્યો છે. ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને પોતાનો જરૂરી સામાન અને કિંમતી ચીજવસ્તુઓ સુરક્ષિત સ્થળે ખસેડી દેવા તથા કોઈપણ જોખમ ન લેવાની સલાહ આપવામાં આવી છે.

રાહત અને બચાવ કામગીરી માટે NDRF અને SDRFની ટીમો પહેલેથી જ સજ્જ છે. ઉપરાંત સંભવિત ગંભીર પરિસ્થિતિને પહોંચી વળવા જિલ્લા કલેક્ટર દ્વારા રાજ્ય સરકાર પાસે ભારતીય આર્મીની એક ટીમની પણ માંગ કરવામાં આવી છે. કમિશનરે જણાવ્યું કે તમામ તંત્ર સંકલન સાથે કાર્ય કરી રહ્યું છે અને જરૂર પડ્યે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવશે. અંતમાં તેમણે સુરતવાસીઓને અપીલ કરી કે અફવાઓ પર વિશ્વાસ ન કરે, માત્ર અધિકૃત સૂચનાઓને અનુસરે, બિનજરૂરી મુસાફરી ટાળે અને તંત્રને સંપૂર્ણ સહયોગ આપે. નાગરિકોની સતર્કતા અને સાવચેતી જ આ મુશ્કેલ સમયમાં સૌથી મોટી સુરક્ષા સાબિત થશે.

Most Popular

To Top