SURAT

રેડ એલર્ટને પગલે સુરતમાં 31 જુલાઈ અને 1 ઓગસ્ટે પણ તમામ શાળા-કોલેજોમાં રજા, કોલેજ, ITI અને કોચિંગ ક્લાસીસ બંધ

ભારતીય હવામાન વિભાગે સુરત જિલ્લામાં 31 જુલાઈ અને 1 ઓગસ્ટ દરમિયાન વાવાઝોડા સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરીને ‘રેડ એલર્ટ’ જાહેર કર્યું છે. આ આગાહીને ધ્યાનમાં રાખીને સુરત જિલ્લા કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ તેજસ પરમારે વિદ્યાર્થીઓની સુરક્ષાને પ્રાથમિકતા આપતા મહત્વપૂર્ણ જાહેરનામું બહાર પાડ્યું છે. જાહેરનામા મુજબ સુરત જિલ્લાના તમામ શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં આવેલી તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં 31 જુલાઈ અને 1 ઓગસ્ટના રોજ શૈક્ષણિક કાર્ય સંપૂર્ણપણે બંધ રહેશે. આ નિર્ણય ભારે વરસાદ અને વાવાઝોડાની સંભાવનાને ધ્યાનમાં રાખીને કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને વિદ્યાર્થીઓ સુરક્ષિત રહે તે હેતુથી લેવામાં આવ્યો છે.

રજા જાહેર કરાયેલી સંસ્થાઓમાં તમામ આંગણવાડીઓ, સરકારી અને ખાનગી પ્રાથમિક શાળાઓ, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ, ITI, કોલેજો, ખાનગી ટ્યુશન ક્લાસીસ, કોચિંગ ક્લાસીસ તેમજ અન્ય તમામ સરકારી અને ખાનગી શૈક્ષણિક સંસ્થાઓનો સમાવેશ થાય છે. આ આદેશ સમગ્ર સુરત જિલ્લાના તમામ તાલુકા, શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં લાગુ રહેશે. જિલ્લા વહીવટી તંત્રે તમામ સંચાલકોને જાહેરનામાનું કડક પાલન કરવા સૂચના આપી છે. જિલ્લા કલેક્ટરે સ્પષ્ટ કર્યું છે કે જાહેરનામાનો ભંગ કરનાર સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ-223 હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. સાથે જ નાગરિકોને હવામાન વિભાગ અને જિલ્લા વહીવટી તંત્રની સત્તાવાર સૂચનાઓનું પાલન કરવા અને બિનજરૂરી બહાર ન નીકળવાની અપીલ પણ કરવામાં આવી છે.

Most Popular

To Top