India

લિફ્ટમાં એક ભૂલ પડી ભારે! R&AW અધિકારીના મોત બાદ કંપનીને ₹3 કરોડનો ઝાટકો

સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો! લિફ્ટ અકસ્માતે લીધો જીવ, હવે કંપની ચૂકવશે ₹3 કરોડ
લિફ્ટ અકસ્માતમાં R&AW અધિકારીના મોત કેસમાં સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો : પરિવારને ₹3 કરોડથી વધુ વળતર ચૂકવવાનો આદેશ યથાવત ,ઓડિસ એલિવેટર કંપનીની અપીલ ફગાવાઈ : સુપ્રીમ કોર્ટે કહ્યું- લિફ્ટ ઉત્પાદક, જાળવણી એજન્સી અને બિલ્ડિંગ માલિક ત્રણેય મુસાફરોની સુરક્ષા માટે સંયુક્ત રીતે જવાબદાર, દેશમાં લિફ્ટની સલામતી અંગે સુપ્રીમ કોર્ટે એક ઐતિહાસિક અને મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. લિફ્ટ અકસ્માતમાં જીવ ગુમાવનારા રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ (R&AW)ના અધિકારીના પરિવારને ₹3 કરોડથી વધુ વળતર ચૂકવવાના નેશનલ કન્ઝ્યુમર ડિસ્પ્યુટ્સ રિડ્રેસલ કમિશન (NCDRC)ના નિર્ણયને સુપ્રીમ કોર્ટે યથાવત્ રાખ્યો છે. જસ્ટિસ પી. એસ. નરસિંહા અને આલોક અરાધેની ખંડપીઠે ઓટિસ એલિવેટર (ઈન્ડિયા) લિમિટેડ દ્વારા દાખલ કરવામાં આવેલી અપીલ ફગાવી દીધી છે.


આ કેસ વર્ષ 2003માં નવી દિલ્હીના લોધી રોડ સ્થિત R&AW મુખ્યાલયમાં બનેલા એક દુઃખદ લિફ્ટ અકસ્માત સાથે સંબંધિત છે. અકસ્માત વખતે લિફ્ટમાં કુલ 13 લોકો સવાર હતા. લિફ્ટ છઠ્ઠા અને સાતમા માળ વચ્ચે અચાનક બંધ પડી ગઈ હતી. બચાવ કામગીરી દરમિયાન લિફ્ટનું દરવાજું હાથેથી ખોલવામાં આવ્યું, પરંતુ તે દરમિયાન લિફ્ટ અચાનક નીચે સરકી જતાં R&AW અધિકારી ગંભીર રીતે દબાઈ ગયા હતા અને તેમનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે લિફ્ટમાં અગાઉથી જ ટેક્નિકલ ખામીઓ આવી રહી હતી. કંપનીને અનેક વખત ખામી અંગે જાણ કરવામાં આવી હતી અને કંપનીએ પોતે જ વોલ્ટેજ સ્ટેબિલાઈઝર લગાવવાની ભલામણ પણ કરી હતી. તેમ છતાં જરૂરી સુધારા સમયસર કરવામાં આવ્યા નહોતા અને લિફ્ટને સલામત જાહેર કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે આ બાબતને ગંભીર બેદરકારી ગણાવી છે.


આ કેસમાં NCDRCએ વર્ષ 2014માં મૃતક અધિકારીના પરિવારને ₹3.01 કરોડનું વળતર તથા વ્યાજ ચૂકવવાનો આદેશ આપ્યો હતો. જવાબદારીમાં 70 ટકા ઓટિસ એલિવેટર કંપની, 25 ટકા મિલિટરી એન્જિનિયરિંગ સર્વિસ (MES) અને 5 ટકા R&AWને જવાબદાર ઠેરવવામાં આવ્યા હતા. ઓટિસ કંપનીએ આ નિર્ણય સામે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી, પરંતુ સર્વોચ્ચ અદાલતે તે ફગાવી દીધી.સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં મહત્વપૂર્ણ ટિપ્પણી કરતાં જણાવ્યું કે આજના સમયમાં લિફ્ટ માત્ર એક મશીન નથી પરંતુ લોકોના દૈનિક જીવનનો અભિન્ન ભાગ બની ગઈ છે. જ્યારે કોઈ વ્યક્તિ લિફ્ટમાં પ્રવેશે છે ત્યારે તે પોતાની સુરક્ષાની સંપૂર્ણ જવાબદારી લિફ્ટની સિસ્ટમ અને તેના સંચાલકો પર છોડે છે. તેથી લિફ્ટને “કોમન કેરિયર” તરીકે જોવી જોઈએ અને તેની જાળવણી કરનાર કંપનીઓ પર વધુ જવાબદારી આવે છે.


કોર્ટે વધુમાં કહ્યું કે ગ્રાહકોને એ નક્કી કરવાની ફરજ પડી શકે નહીં કે અકસ્માત માટે ઉત્પાદક, જાળવણી એજન્સી કે બિલ્ડિંગ માલિકમાંથી કોણ કેટલો જવાબદાર છે. આવા કેસોમાં તમામ જવાબદાર પક્ષો સામે સંયુક્ત રીતે વળતરનો આદેશ આપી શકાય છે અને પછી તેમની આંતરિક જવાબદારી નક્કી કરી શકાય છે.આ ચુકાદાને ગ્રાહક સુરક્ષા અને જાહેર સલામતીની દિશામાં એક મહત્વપૂર્ણ માઈલસ્ટોન માનવામાં આવી રહ્યો છે. જો કે આ બાબતે કાનૂની નિષ્ણાતોનું માનવું છે કે હવે લિફ્ટ બનાવતી કંપનીઓ, તેની જાળવણી કરતી એજન્સીઓ અને બિલ્ડિંગ માલિકો માટે સલામતીના ધોરણોનું કડક પાલન કરવું વધુ જરૂરી બની જશે.સુપ્રીમ કોર્ટના આ ઐતિહાસિક નિર્ણયથી સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે જાહેર ઉપયોગની લિફ્ટમાં બેદરકારીથી કોઈ વ્યક્તિનો જીવ જાય તો ઉત્પાદક કંપની, જાળવણી એજન્સી અને બિલ્ડિંગ સંચાલક પોતાની જવાબદારીથી બચી શકશે નહીં. આ ચુકાદો ભવિષ્યમાં આવા તમામ કેસો માટે મહત્વપૂર્ણ કાનૂની નઝીર તરીકે જોવામાં આવી રહ્યો છે.

Most Popular

To Top