Surat Main

સુરતમાં નાનપુરામાં એકલા રહેતા 84 વર્ષીય વૃદ્ધ મહિલાની હત્યાથી ચકચાર, ઘરને બહારથી તાળું મારી હત્યારો ફરાર

સુરતના નાનપુરા વિસ્તારમાં એક ફ્લેટમાં 84 વર્ષીય વૃદ્ધ મહિલાની લોહીલુહાણ હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી ગઈ છે. મહિલાની ગળું દબાવી અને માથામાં ભારે વસ્તુ વડે હુમલો કરી હત્યા કરવામાં આવી હોવાનું પોસ્ટમોર્ટમમાં સામે આવ્યું છે. હત્યા કર્યા બાદ આરોપી ફ્લેટને બહારથી તાળું મારી ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં પોલીસની ટીમે તપાસ શરૂ કરી છે. મળતી માહિતી મુજબ, નાનપુરા વિસ્તારમાં આવેલા એક એપાર્ટમેન્ટમાં 84 વર્ષીય આમેનાબેન રહેતા હતા. જોકે તેઓ છેલ્લા કેટલાક સમયથી પોતાની 71 વર્ષીય નાની બહેન દુરરીયા સિરાજ મોતીવાલાના વિધનેશ્વર એસ્ટેટ સ્થિત ઘરે રહેતા હતા. આમેનાબેન રોજ સવારે પોતાના ફ્લેટ પર એકવાર જતા હતા અને ત્યારબાદ બહેનના ઘરે પરત ફરતા હતા.

સોમવારે બંને બહેનોને મુંબઈ જવાનું હોવાથી આમેનાબેન પોતાના ફ્લેટમાં જરૂરી તૈયારીઓ કરવા માટે સવારે ગયા હતા. તેઓ સવારે સાડા નવ વાગ્યાની આસપાસ ફ્લેટ પર પહોંચ્યા હતા. બપોરે અઢી વાગ્યાની આસપાસ તેમની બહેન દુરરીયા સાથે ફોન પર વાત પણ થઈ હતી. ત્યારબાદ આમેનાબેન સાંજ સુધી પરત ન ફરતા બહેનને ચિંતા થઈ હતી. આથી દુરરીયાબેન આમેનાબેનના ફ્લેટ પર પહોંચ્યા હતા. ફ્લેટનો દરવાજો બહારથી બંધ હતો અને તાળું મારેલું હતું. દુરરીયાબેન પાસે ડુપ્લિકેટ ચાવી હોવાથી તેમણે ચાવીથી દરવાજો ખોલ્યો હતો. અંદર પ્રવેશ કરતાં આમેનાબેન લોહીલુહાણ હાલતમાં મૃત મળી આવ્યા હતા. ઘટનાની જાણ થતાં પોલીસને જાણ કરવામાં આવી હતી અને પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી.

પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો હતો. પોસ્ટમોર્ટમના પ્રાથમિક તારણ મુજબ મહિલાનું ગળું દબાવવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. તેમના માથા પર પણ ભારે સાધન વડે હુમલો કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત તેમની પાંસળીઓમાં પણ ઈજા થઈ હોવાનું જાણવા મળ્યું છે. આ વિગતોના આધારે પોલીસે હત્યાનો ગુનો નોંધીને આરોપીની શોધખોળ શરૂ કરી છે. હત્યારા સુધી પહોંચવા માટે પોલીસ દ્વારા અલગ-અલગ દિશામાં તપાસ કરવામાં આવી રહી છે. આમેનાબેનના બિલ્ડિંગમાં સીસીટીવી કેમેરા ન હોવાથી પોલીસ માટે આરોપીની ઓળખ કરવી પડકારરૂપ બની છે. જોકે પોલીસે આસપાસની ઇમારતોમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસવાનું શરૂ કર્યું છે. ઘટનાના સમયગાળા દરમિયાન બિલ્ડિંગ અને આસપાસના વિસ્તારમાં કોણ આવ્યું અને કોણ બહાર ગયું તેની પણ તપાસ કરવામાં આવી રહી છે.

પોલીસ દ્વારા આમેનાબેનના ઘરે કામ કરવા આવતા લોકો, આસપાસના રહેવાસીઓ અને તેમના સંપર્કમાં રહેલા અન્ય લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે. હત્યા પાછળ લૂંટનો હેતુ હતો કે અન્ય કોઈ કારણસર હત્યા કરવામાં આવી તે અંગે પણ તપાસ ચાલી રહી છે. મહિલાનો મોબાઈલ ફોન હાલ ગુમ હોવાનું સામે આવ્યું છે, જેના કારણે પોલીસ આ દિશામાં પણ તપાસ કરી રહી છે. મળતી વિગતો મુજબ આમેનાબેનના પતિનું આશરે 40 વર્ષ પહેલાં અવસાન થયું હતું. ત્યારબાદ તેમનો એકમાત્ર પુત્ર શબ્બીર પણ 2017માં મૃત્યુ પામ્યો હતો. પુત્રના અવસાન બાદ આમેનાબેન એકલવાયું જીવન જીવતા હતા. તેઓ પોતાની નાની બહેનના ઘરે રહેતા હોવા છતાં પોતાના ફ્લેટ પર નિયમિત રીતે જતા હતા.

હાલની તપાસમાં પોલીસને એવી આશંકા છે કે હત્યા કરનાર વ્યક્તિ આમેનાબેનને ઓળખતી હોઈ શકે છે. કારણ કે મહિલાના ફ્લેટમાં પ્રવેશ, ઘટના બાદ બહારથી તાળું મારવું અને તેમનો મોબાઈલ લઈ જવો જેવી બાબતોને ધ્યાનમાં રાખીને પોલીસ પરિચિત વ્યક્તિની ભૂમિકાની પણ તપાસ કરી રહી છે. જોકે હત્યા પાછળનું ચોક્કસ કારણ અને આરોપી કોણ છે તે તપાસ પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થશે. પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ, મોબાઈલ ફોન સંબંધિત માહિતી અને મહિલાના સંપર્કમાં રહેલા લોકોની વિગતોના આધારે તપાસ આગળ ધપાવી છે. 84 વર્ષીય વૃદ્ધ મહિલાની હત્યાથી નાનપુરા વિસ્તારમાં પણ ચકચાર મચી ગઈ છે. હાલ પોલીસ આરોપીને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો દ્વારા તપાસ કરી રહી છે.

Most Popular

To Top