Vadodara

વડોદરામાં વરસાદે પાલિકાની પોલ ખોલી: માંજલપુરની અંબીકા સોસાયટી જળમગ્ન, ૬ વર્ષથી હાલાકી

તંત્ર નિષ્ફળ જતાં સ્થાનિકો જનરેટર મૂકી પાણી નિકાલ કરવા મજબૂર; પ્રી-મોન્સૂન કામગીરીના દાવાઓ સામે રહીશોના તીખા સવાલો

વડોદરા:
​હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી વચ્ચે સમગ્ર રાજ્ય સહિત વડોદરા શહેરમાં પણ વહેલી સવારથી જ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે. પ્રથમ વરસાદમાં જ વડોદરા મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવેલા પ્રી-મોન્સૂન કામગીરીના મોટા-મોટા દાવાઓની પોલ ખુલ્લી પડી ગઈ છે. શહેરના દક્ષિણ વિસ્તાર ગણાતા માંજલપુરની અંબીકા સોસાયટીમાં સવારથી પડેલા મુસળધાર વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.
​સોસાયટીના તમામ મુખ્ય અને આંતરિક રસ્તાઓ ગોઠણસમા પાણીમાં ગરકાવ થઈ જતાં સ્વિમિંગ પૂલ જેવા દ્રશ્યો સર્જાયા છે. રસ્તાઓ પર જળભરાવ થવાના કારણે વાહનચાલકોના વાહનો બંધ પડી જવાની ઘટનાઓ બની છે, જ્યારે પગપાળા જતા સ્થાનિક રહીશો અને ખાસ કરીને વૃદ્ધો તેમજ બાળકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. પાણી ઘરના આંગણા સુધી પહોંચી જતાં લોકો ઘરોમાં કેદ થવા મજબૂર બન્યા છે.
​સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર, અંબીકા સોસાયટીમાં વરસાદી પાણી ભરાવાની આ સમસ્યા કોઈ નવી નથી. છેલ્લા છ વર્ષથી દર ચોમાસે સામાન્ય વરસાદમાં પણ આ વિસ્તારમાં પાણી ભરાઈ જાય છે. આ અંગે તંત્રને વારંવાર લેખિત તથા મૌખિક રજૂઆતો કરવામાં આવી હોવા છતાં, પાલિકાના તંત્ર વાહકો કે સ્થાનિક કોર્પોરેટરો દ્વારા કોઈ કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી.
​દર વર્ષે મહાનગરપાલિકા દ્વારા પ્રી-મોન્સૂન કામગીરી પાછળ લાખો-કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે પ્રથમ વરસાદમાં જ લાઈનો બ્લોક થઈ જાય છે અને રોડ પર પાણી ફરી વળે છે. તંત્રના વાંકે હેરાન થતા રહીશોએ હવે પોતાની રીતે જ મુશ્કેલીનો ઉકેલ લાવવાનો વારો આવ્યો છે. પાલિકાની નિષ્ક્રિયતાથી કંટાળીને સોસાયટીના રહીશોએ જાતે જ ખાનગી જનરેટર અને પંપ મૂકીને સોસાયટીમાંથી વરસાદી પાણી બહાર કાઢવાની કવાયત હાથ ધરી છે.
​જનતાના ટેક્સના નાણાં મેળવતું વડોદરા કોર્પોરેશન ચોમાસા પૂર્વે માત્ર કાગળ પર જ કામગીરી દર્શાવતું હોય તેવો ઘાટ સર્જાયો છે. ૬-૬ વર્ષથી ચોમાસામાં જળમગ્ન બનતી અંબીકા સોસાયટીના રહીશો હવે આક્રોશમાં છે અને સવાલ ઉઠાવી રહ્યા છે કે શું પાલિકા તંત્ર કોઈ મોટી હોનારતની રાહ જોઈ રહ્યું છે? જો સત્વરે આ સમસ્યાનો કાયમી નિકાલ કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં સ્થાનિકો દ્વારા ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ આપવામાં આવી છે.

Most Popular

To Top