Gujarat

સાવધાન ગુજરાત! આગામી 3 કલાક ભારે, 19 જિલ્લામાં રેડ એલર્ટ સાથે વીજળી પડવાની ચેતવણી

ગુજરાતમાં ફરી એકવાર મેઘરાજાએ જોરદાર બેટિંગ શરૂ કરી છે. રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ વચ્ચે હવામાન વિભાગે આગામી ત્રણ કલાક માટે ભારે વરસાદની આગાહી કરી છે. ભારતીય હવામાન વિભાગ, અમદાવાદ દ્વારા આજે સવારે 10 વાગ્યે જાહેર કરવામાં આવેલા તાજા નાઉકાસ્ટ બુલેટિન મુજબ બપોરે 1 વાગ્યા સુધી રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે. વરસાદની સાથે તોફાની પવન અને ગાજવીજની પણ આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે રાજ્યના કેટલાક વિસ્તારો માટે રેડ એલર્ટ અને અન્ય વિસ્તારો માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. રેડ એલર્ટવાળા વિસ્તારોમાં પ્રતિ કલાક 15 મિમી કે તેથી વધુ વરસાદ પડી શકે છે. આ સાથે 41થી 61 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. મધ્યમથી ભારે ગાજવીજ સાથે વીજળી પડવાની શક્યતા પણ 60 ટકાથી વધુ હોવાનું જણાવાયું છે.

રેડ એલર્ટ હેઠળ સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, મોરબી, ભાવનગર, વડોદરા, આણંદ, ખેડા, અરવલ્લી, મહેસાણા, રાજકોટ, બોટાદ, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ, જામનગર અને ભરૂચનો સમાવેશ થાય છે. આ વિસ્તારોમાં આગામી ત્રણ કલાક દરમિયાન ભારે વરસાદ સાથે પવન અને ગાજવીજની સ્થિતિ સર્જાઈ શકે છે. હવામાન વિભાગે રેડ એલર્ટ ધરાવતા જિલ્લાઓના નાગરિકોને ખાસ સાવચેતી રાખવાની સલાહ આપી છે. ભારે વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ભરાવા, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવા અને કેટલાક સ્થળોએ પૂર જેવી સ્થિતિ સર્જાવાની શક્યતા છે. વરસાદ દરમિયાન વીજળી પડવાના જોખમને ધ્યાનમાં રાખીને લોકોને ખુલ્લા વિસ્તારોમાં જવાનું ટાળવા જણાવાયું છે.

બીજી તરફ રાજ્યના અનેક જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. બનાસકાંઠા, પાટણ, કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ તેમજ દાદરા અને નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. ઓરેન્જ એલર્ટવાળા વિસ્તારોમાં પ્રતિ કલાક 5થી 15 મિમી સુધીનો વરસાદ પડી શકે છે. આ વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે અને 41થી 61 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. વીજળી પડવાની શક્યતા 30થી 60 ટકા સુધી રહેવાની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગની ચેતવણીને પગલે તંત્ર દ્વારા પણ સાવચેતી રાખવાની અપીલ કરવામાં આવી છે. ભારે વરસાદ દરમિયાન રસ્તાઓ પર પાણી ભરાતા વાહનવ્યવહારને અસર થઈ શકે છે અને ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ શકે છે. ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોએ વધુ સતર્ક રહેવાની જરૂર છે. નાગરિકોને બિનજરૂરી મુસાફરી ટાળવા અને ભારે વરસાદ દરમિયાન શક્ય હોય ત્યાં સુધી ઘરની અંદર સુરક્ષિત રહેવા અપીલ કરવામાં આવી છે. જૂના અથવા જર્જરિત મકાનોથી દૂર રહેવા તેમજ ઝાડ નીચે આશરો ન લેવા પણ સૂચના આપવામાં આવી છે. વીજળીના કડાકા અને ચમકારા દરમિયાન ખુલ્લા મેદાનમાં રહેવાને બદલે સુરક્ષિત સ્થળે આશરો લેવાની સલાહ આપવામાં આવી છે. આગામી ત્રણ કલાક ગુજરાત માટે મહત્વના રહેવાના છે. ખાસ કરીને રેડ એલર્ટ હેઠળના જિલ્લાઓમાં ભારે વરસાદ સાથે તોફાની પવન અને વીજળી પડવાની સંભાવનાને જોતા લોકોએ હવામાન વિભાગની સૂચનાઓનું પાલન કરવું જરૂરી છે. વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને સ્થાનિક તંત્ર દ્વારા પણ સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.

Most Popular

To Top