મણિપુરમાં હિંસાની ઘટનાઓ ફરી વધી રહી છે. ગુરુવારે કાંગપોકપી જિલ્લામાં શંકાસ્પદ ઉગ્રવાદીઓનાં બે જૂથ વચ્ચે થયેલા ગોળીબારમાં કુકી સમુદાયની એક મહિલાનું મોત થયું હતું, જ્યારે અન્ય બે લોકો ઘાયલ થયા હતા. આ ઘટનાથી વિસ્તારમાં તણાવનો માહોલ સર્જાયો છે. કુકી સંગઠને વિરોધમાં જિલ્લામાં 48 કલાકના સંપૂર્ણ બંધનું એલાન આપ્યું છે. સાથે જ સંગઠને સરકાર સમક્ષ જિલ્લામાંથી તમામ સુરક્ષાદળોને હટાવવાની માગ કરી છે. સંગઠનનો આરોપ છે કે સુરક્ષાદળો નાગરિકોની સુરક્ષા કરવામાં નિષ્ફળ રહ્યાં છે.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, ગુરુવારે સવારે આશરે 11 વાગ્યે કાંગપોકપી જિલ્લાના તાફૌ કુકી ગામ અને પડોશી સેનાપતિ જિલ્લાના કૈલેંગજાંગ નજીક હરીફ ઉગ્રવાદી જૂથો વચ્ચે ગોળીબાર શરૂ થયો હતો. આ દરમિયાન તાફૌ કુકી ગામની રહેવાસી કે. ચોંગલોઈ ખેતરમાં કામ કરી રહી હતી ત્યારે તેને ગોળી વાગી હતી. ગંભીર ઇજાઓને કારણે તેનું મોત થયું હતું. આ ગોળીબારમાં એસ. ડેવિડ ચોંગલોઈ અને લામખોચોન ચોંગલોઈ નામના બે અન્ય લોકો પણ ઘાયલ થયા હતા. બંનેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
ઘટના બાદ વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા કડક કરી દેવામાં આવી છે. CRPF, BSF અને આસામ રાઇફલ્સના વધારાના જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. સુરક્ષાદળોએ સેનાપતિ જિલ્લાની નજીક આવેલા તાફૌ ગામમાં સર્ચ ઓપરેશન પણ હાથ ધર્યું હતું. જોકે, આ દરમિયાન સ્થાનિક લોકોએ સુરક્ષાદળોને ગામ તરફ આગળ વધતાં રોકવાનો પ્રયાસ કર્યો હતો. વિરોધ કરનારાઓમાં મોટાભાગે મહિલાઓ હતી. પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે અને શંકાસ્પદ લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે.
આ ગોળીબારની ઘટના એવા સમયે બની છે જ્યારે તાફૌ કુકી ગામના બે યુવકો 28 ઓક્ટોબરે ગુમ થયા હતા. ત્યારબાદ 1 નવેમ્બરે પડોશી સેનાપતિ જિલ્લામાં તેમના મૃતદેહ મળી આવ્યા હતા. આ ઘટનાને લઈને કુકી સંગઠન કમિટી ઓન ટ્રાઇબલ યુનિટી (COTU) પહેલેથી જ વિરોધ કરી રહ્યું છે. સંગઠનની માગ છે કે તાફૌ કુકી ગામને સેનાપતિ જિલ્લાના બદલે કાંગપોકપી જિલ્લા પોલીસના અધિકારક્ષેત્રમાં રાખવામાં આવે. રાજ્ય સરકાર આ મામલાની તપાસ રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)ને સોંપવા અંગે પણ વિચારણા કરી રહી છે.
બીજી તરફ, મણિપુરના ઉખરુલ જિલ્લામાં પણ ખેડૂતો પર ગોળીબારની ઘટના સામે આવી છે. સિનેકેઇથી નજીક ધાનની કાપણી કરી રહેલા ખેડૂતોના જૂથ પર શંકાસ્પદ ઉગ્રવાદીઓએ ગોળીબાર કર્યો હતો. આ ઘટનામાં એક વ્યક્તિને ગોળી વાગી હતી. સુરક્ષાદળોએ ઇજાગ્રસ્ત વ્યક્તિને હોસ્પિટલ પહોંચાડ્યો હતો અને અન્ય ખેડૂતોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. આ દરમિયાન ચુરાચાંદપુર જિલ્લામાં સુરક્ષાદળોએ બુધવારે હાથ ધરેલા મોટા સર્ચ ઓપરેશનમાં હથિયારો અને દારૂગોળો જપ્ત કર્યો હતો. જપ્ત કરાયેલી વસ્તુઓમાં 10 ફૂટ લાંબો રોકેટ, ચીનમાં બનેલા ચાર મોર્ટાર અને છ ઇમ્પ્રોવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ (IED)નો સમાવેશ થાય છે. આ ઉપરાંત કાંગપોકપી જિલ્લામાં અન્ય એક ઓપરેશન દરમિયાન પેસેન્જર બસની તપાસ કરવામાં આવી હતી. આ તપાસમાં 1.147 કિલોગ્રામ મેથામ્ફેટામાઇનની ગોળીઓ મળી આવી હતી. મેથામ્ફેટામાઇન એક નશાકારક પદાર્થ છે.
રાજ્યમાં સતત વધી રહેલી હિંસાની ઘટનાઓ વચ્ચે મુખ્યમંત્રી યુમનામ ખેમચંદ સિંહે તમામ સમુદાયોના પ્રતિનિધિઓને સામેલ કરીને એક સમિતિ બનાવવાની દિશામાં પગલાં લેવાની જાહેરાત કરી છે. આ સમિતિનો હેતુ વિવિધ સમુદાયો વચ્ચે એકતા અને સૌહાર્દપૂર્ણ વાતાવરણને પ્રોત્સાહન આપવાનો છે. મુખ્યમંત્રીએ ઇમ્ફાલ સ્થિત મુખ્યમંત્રી સચિવાલયમાં મણિપુરના 10 આદિવાસી સમુદાયોના પ્રતિનિધિઓ સાથે બેઠક દરમિયાન આ જાહેરાત કરી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ મણિપુરના વિવિધ સમુદાયો વચ્ચે એકતા વધારવા માટે કોઈ સામાન્ય મંચ છે કે નહીં તે અંગે સવાલ કર્યો હતો. તાજેતરમાં દિલ્હીમાં વડાપ્રધાન સાથેની મુલાકાત દરમિયાન મુખ્યમંત્રીએ મણિપુર સાથે જોડાયેલા વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. આ બેઠક બાદ રાજ્ય સરકારે તમામ સમુદાયોને સાથે રાખીને સમિતિ બનાવવાની દિશામાં આગળ વધવાનો નિર્ણય લીધો છે. એક તરફ રાજ્યમાં હિંસાની ઘટનાઓ અને સુરક્ષાને લઈને સવાલો ઊભા થઈ રહ્યા છે, તો બીજી તરફ સરકાર વિવિધ સમુદાયો વચ્ચે સંવાદ અને સૌહાર્દ વધારવાના પ્રયાસો કરી રહી છે.