બોલિવુડ ફિલ્મોમાં પોતાની અભિનય કળાથી ઓળખ બનાવનાર અભિનેતા શરદ કપૂર છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચાના કેન્દ્રમાં રહ્યા છે. તાજેતરમાં સોશિયલ મીડિયા પર તેમનો એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં તેઓ ફિલ્મ ઇન્ડસ્ટ્રી પાસે કામની માગણી કરતા નજરે પડ્યા હતા. આ વીડિયો સામે આવ્યા બાદ તેમની આર્થિક સ્થિતિ અને સ્વાસ્થ્યને લઈને અનેક પ્રકારની ચર્ચાઓ શરૂ થઈ ગઈ હતી. જોકે, આ મુશ્કેલ સમય વચ્ચે હવે અભિનેતા માટે એક ખૂબ જ રાહત અને ખુશીના સમાચાર સામે આવ્યા છે. શરદ કપૂરે ખુલાસો કર્યો છે કે તેમને હોલિવુડની એક શાનદાર ફિલ્મ ઓફર થઈ છે અને તેઓ આગામી જાન્યુઆરી મહિનાથી જ તેનું શૂટિંગ પણ શરૂ કરવા જઈ રહ્યા છે.
પોતાના વાયરલ થયેલા વીડિયો પાછળનો હેતુ સ્પષ્ટ કરતા શરદ કપૂરે જણાવ્યું હતું કે આ વીડિયો બનાવવાનો ક્યારેય એવો ઉદ્દેશ્ય નહોતો કે કોઈની પાસે પૈસાની આર્થિક મદદ માંગવામાં આવે. તેમણે સ્પષ્ટ કર્યું કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તેમના ઘણા લોકો પોતાના પરિવાર જેવા છે અને તેમને કોઈ નાણાકીય સહાયની જરૂર નથી. તેઓ હંમેશા પોતાના કામ અને કલાને મહત્વ આપે છે અને ક્યારેય માત્ર પૈસા માટે કોઈ પ્રોજેક્ટ પસંદ કર્યો નથી. ઉલ્લેખનીય છે કે શાહરૂખ ખાનની લોકપ્રિય ફિલ્મ ‘જોશ’ સહિત અનેક ફિલ્મોમાં મહત્ત્વની ભૂમિકા ભજવી ચૂકેલા શરદ કપૂર સાત વર્ષ સુધી ન્યૂયોર્કમાં રહ્યા બાદ એક વર્ષ પહેલા જ ભારત પરત ફર્યા હતા.
સ્વાસ્થ્ય સંબંધિત મુશ્કેલીઓ વિશે વાત કરતા તેમણે જણાવ્યું કે તેઓ બાર્સેલોનામાં ફૂટબોલ રમી રહ્યા હતા ત્યારે અન્ય ખેલાડીના પગ સાથે અથડાવાને કારણે તેમને ગંભીર ઈજા થઈ હતી. આ શારીરિક તકલીફના કારણે તેમને પોતાના ચારેય પાલતું કૂતરાઓને એનિમલ શેલ્ટરમાં રાખવાની ફરજ પડી હતી. પાલતું કૂતરાઓની દૈનિક સંભાળ અને તેમને બહાર ફેરવવાની જવાબદારી તેઓ પોતાની ઈજાના કારણે નિભાવી શકતા નહોતા. ડોક્ટરોએ તેમને સંપૂર્ણ આરામ કરવાની સલાહ આપી છે અને આગામી બે મહિનામાં તેઓ સંપૂર્ણપણે સાજા થઈ જશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. સ્વસ્થ થયા બાદ તેઓ પોતાના કૂતરાઓને ફરી પાછા ઘરે લઈ આવવા માગે છે અને શેલ્ટરનો આ નિર્ણય માત્ર કામચલાઉ વ્યવસ્થા જ હતો.
શરદ કપૂરના આ વાયરલ વીડિયો બાદ ‘ઓલ ઇન્ડિયા સિને વર્કર્સ એસોસિયેશન’ (AICWA) દ્વારા પણ ફિલ્મ જગતને શરદ કપૂરને કામ આપવા માટે વિશેષ અપીલ કરવામાં આવી હતી. આ તમામ ઘટનાક્રમ વચ્ચે હોલિવૂડ ફિલ્મની ઓફર મળવી એ તેમના માટે એક મોટી સકારાત્મક શરૂઆત છે. શરદ કપૂરે જણાવ્યું છે કે તેઓ જાન્યુઆરીથી હોલિવુડ ફિલ્મનું શૂટિંગ શરૂ કરશે અને સાથે સાથે બોલિવુડની ફિલ્મોમાં પણ સક્રિયપણે કામ કરવાનું ચાલુ રાખશે. ભારત તેમનો પોતાનો દેશ છે અને અહીંની ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે તેમનો નાતો હંમેશાં જોડાયેલો રહેશે. આગામી સમયમાં સ્વાસ્થ્ય સુધર્યા બાદ તેઓ ફરીથી પૂરા ઉત્સાહ સાથે પોતાના અભિનય જીવનની નવી શરૂઆત કરવા માટે તૈયાર છે.