સ્વચ્છતા અને સ્માર્ટ સિટીના મોટા-મોટા દાવાઓ વચ્ચે સુરતમાંથી એક ચોંકાવનારી અને તંત્રની લાપરવાહી ઉજાગર કરતી ઘટના સામે આવી છે. સુરતના અડાજણ શીતલ ચાર રસ્તા પાસે રિવરફ્રન્ટના છેડે આવેલા સુરત મહાનગરપાલિકાના ‘પે એન્ડ યુઝ’ શૌચાલયને તાળાં મારીને તેને ભંગારના ગોડાઉનમાં ફેરવી દેવામાં આવ્યું છે. સીસીટીવી કેમેરાની નજર સામે જ જાહેર મિલકત પર દબાણ કરીને ગેરકાયદે પ્રવૃત્તિ ચાલતી હોવા છતાં તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે, જેના કારણે સામાન્ય નાગરિકોમાં પાલિકા અને પોલીસની કાર્યશૈલી સામે રોષ જોવા મળી રહ્યો છે.
સ્વચ્છતા સર્વેક્ષણમાં દેશના સૌથી સ્વચ્છ શહેરોની યાદીમાં સુરત અગાઉ પ્રથમ ક્રમે હતું, જે હવે ધકેલાઈને બીજા ક્રમે પહોંચી ગયું છે. તાજેતરમાં ખજોદ ખાતે કચરાના નિકાલમાં થયેલી ગંભીર બેદરકારી અને હોટમિક્સના કચરાના નિકાલનો વિવાદ હજી શાંત થયો નથી, ત્યાં તંત્રએ આ ઘટનામાંથી કોઈ બોધપાઠ લીધો ન હોય તેમ શહેરની જાહેર સુવિધાઓની હાલત પણ દયનીય બની ગઈ છે. અડાજણના લો લેવલ બ્રિજથી નહેરુ બ્રિજ અને વોક-વે બ્રિજ સુધીના માર્ગ પર ભંગારવાળાઓએ અડિંગો જમાવ્યો છે, અને હવે તો હદ થઈ ગઈ છે કે લોકોની પાયાની સુવિધા માટે કરોડોના ખર્ચે બનેલા પાલિકાના પે એન્ડ યુઝ ટોઈલેટને પણ છોડવામાં આવ્યું નથી.
આ શૌચાલય બ્લોકની અંદર જ જૂનાં કબાટ, લાકડાનું ભંગાર ફર્નિચર અને અન્ય કચરો ભરી દેવામાં આવ્યો છે. પરિણામે, રાહદારીઓ અને આ વિસ્તારમાં આવતા લોકો માટે અતિ આવશ્યક એવી આ જાહેર સુવિધા સંપૂર્ણપણે બંધ થઈ ગઈ છે અને ભંગાર સંગ્રહવાનું સ્થળ બની ગઈ છે. આશ્ચર્યની વાત એ છે કે આ સમગ્ર વિસ્તારમાં સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવ્યા છે અને આ જ માર્ગ પરથી પાલિકા તેમજ પોલીસના ઉચ્ચ અધિકારીઓ તથા પદાધિકારીઓની સતત અવરજવર રહે છે. આમ છતાં કેમેરાની નજર સામે જાણે ખુલ્લેઆમ જાહેર મિલકત પચાવી પાડવામાં આવી રહી છે. સામાન્ય નાગરિકો ટ્રાફિક કે નાના નિયમો ભંગ કરે ત્યારે તંત્ર તાત્કાલિક લાખો રૂપિયાનો દંડ વસૂલે છે, પરંતુ આવા બેફામ દબાણખોરો સામે તંત્ર કેમ ‘બિલાડી’ બની જાય છે તે એક મોટો સવાલ છે. શહેરને ફરીથી સ્વચ્છતામાં નંબર વન બનાવવું હોય તો માત્ર કાગળ પરની વાતો કે પ્રચારથી કામ નહીં ચાલે, પરંતુ ખજોદના કચરાથી માંડીને રસ્તાઓ પરના ગેરકાયદે દબાણો અને બંધ પડેલી જાહેર સુવિધાઓને તાત્કાલિક ખુલ્લી મૂકવા માટે જમીની સ્તરે કડક પગલાં લેવા પડશે.