વાયુસેના પ્રમુખ આશુતોષ દીક્ષિતે જણાવ્યું છે કે વિદેશી જાસૂસી નેટવર્ક્સ હવે માત્ર ‘હની ટ્રેપ’ સુધી સીમિત નથી. તેઓ હવે સાયબર-જાસૂસી અને અન્ય વિવિધ પદ્ધતિઓ દ્વારા ભારતીય સંરક્ષણ ક્ષેત્રને લગતી સંવેદનશીલ માહિતી મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
તેમણે નોંધ્યું કે આ યુક્તિઓમાં સોશિયલ મીડિયા દ્વારા વ્યક્તિઓને રોમેન્ટિક સંબંધોમાં ફસાવવા તેમજ મલ્ટી-લેવલ માર્કેટિંગ યોજનાઓ અથવા દેવાની જાળમાં ફસાવીને તેમનો દુરુપયોગ કરવાનો સમાવેશ થાય છે. જોકે તેમણે ભારપૂર્વક કહ્યું કે ‘આંતરિક વ્યક્તિઓ’ દ્વારા માહિતી લીક થવાનું જોખમ ખાસ કરીને વધારે છે.
આશુતોષે સંરક્ષણ કંપનીઓને યોગ્ય સોફ્ટવેર પસંદ કરવાની સલાહ આપી
આશુતોષ દીક્ષિતે સમજાવ્યું કે આવા જોખમોનો સામનો કરવા માટે અનેક તકનીકી અને સંસ્થાકીય પગલાં લેવામાં આવ્યા છે. સરકારી ક્ષેત્ર, DRDOની પ્રયોગશાળાઓ અને ખાનગી સંરક્ષણ કંપનીઓમાં સુરક્ષા માળખાને મજબૂત કરવામાં આવી રહ્યું છે.
દીક્ષિતે ઉલ્લેખ કર્યો કે હાલમાં એક એજન્સી ખાનગી સંરક્ષણ કંપનીઓને નેટવર્કના સુરક્ષિત ઉપયોગ અને યોગ્ય સોફ્ટવેરની પસંદગી અંગે માર્ગદર્શન આપી રહી છે. કંપનીઓને આ ભલામણોનું પાલન કરવા અનુરોધ કરવામાં આવ્યો છે, કારણ કે આમ કરવાથી મોટાભાગના કિસ્સાઓમાં સાયબર સુરક્ષાના જોખમોને ટાળવામાં મદદ મળી શકે છે.
એક નોંધપાત્ર કિસ્સામાં વાયુસેનાના એક વિંગ કમાન્ડરે નગ્ન તસવીરો મેળવવાની લાલચમાં આવીને રાષ્ટ્રીય સુરક્ષાને લગતી અત્યંત ગુપ્ત માહિતી પાકિસ્તાનને લીક કરી દીધી હતી. પાંચ મહિના પહેલા ધરપકડ કરાયેલા આ અધિકારીએ પાકિસ્તાની મહિલા એજન્ટ સાથે લેહમાં ફાઈટર જેટની તૈનાતી, રાજસ્થાનમાં લશ્કરી કવાયતો અને ડ્રોન યુનિટ્સની કાર્યક્ષમતા જેવી વિગતો શેર કરી હતી.
તેણે યુદ્ધની સ્થિતિમાં સંભવિત લશ્કરી તૈનાતીની વિગતો ધરાવતા દસ્તાવેજોના પાના પણ મોકલી આપ્યા હતા. આ સોદા મુજબ અધિકારી દરેક નગ્ન તસવીરના બદલામાં યુદ્ધ યોજનાઓના નવા પાના પૂરા પાડતો હતો. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે આ કેસમાં ચાર્જશીટ દાખલ કરી છે. આરોપી વિંગ કમાન્ડર મનોરથ સિંહ સભરવાલની ઓગસ્ટ ૨૦૨૬માં ધરપકડ કરવામાં આવી હતી.