World

અમેરિકાના મિયામી એરપોર્ટ પર બે વિમાનો અથડાયાં, 2 મુસાફરો ઘાયલ, વિમાનમાં 172 લોકો સવાર હતા

શનિવારે રાત્રે અમેરિકાના મિયામી એરપોર્ટ પર બે વિમાનો એકબીજા સાથે અથડાયાં હતા. પનામા સિટીથી આવી રહેલું ‘કોપા એરલાઇન્સ’નું એક પેસેન્જર વિમાન એરપોર્ટ પર આગળ વધી રહ્યું હતું ત્યારે તેની પાંખ ‘યુપીએસ’ (UPS) કાર્ગો વિમાનના આગળના ભાગ સાથે અથડાઈ ગઈ. પેસેન્જર વિમાનમાં સવાર બે લોકોને સામાન્ય ઈજાઓ થઈ છે. વિમાનમાં કુલ ૧૭૨ લોકો સવાર હતા જેમાં ૧૬૬ મુસાફરો અને ૬ ક્રૂ મેમ્બરોનો સમાવેશ થાય છે. તે તમામ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા હતા.

અથડામણ સમયે બંને વિમાનો ટેક્સીવે પર હતાં
આ ઘટના રાત્રે લગભગ ૯:૧૫ વાગ્યે (અમેરિકન સમય મુજબ) બની હતી. તે સમયે બંને વિમાનો એરપોર્ટના ટેક્સીવે પર આગળ વધી રહ્યા હતા. યુપીએસ કાર્ગો વિમાન કોલંબિયાના બોગોટા જવા માટે ટેક-ઓફ કરવાની તૈયારીમાં હતું. અથડામણ થયાના તરત બાદ કોપા એરલાઇન્સના પાયલટે એર ટ્રાફિક કંટ્રોલ (ATC)ને જાણ કરી કે, “અમારા વિમાન સાથે કંઈક અથડાયું છે.” ત્યારબાદ કંટ્રોલ ટાવરે યુપીએસના પાયલટને પૂછ્યું કે શું તેમનું વિમાન અન્ય કોઈ વિમાન સાથે અથડાયું છે.

યુપીએસના પાયલટે જવાબ આપ્યો, “હા, અમે થોડા વધારે આગળ નીકળી ગયા હતા અને પછી બીજા વિમાનની પાંખ અમારા વિમાન સાથે અથડાઈ ગઈ.” થોડીવાર પછી કોપાના પાયલટે જણાવ્યું કે તેમના વિમાનની ડાબી પાંખને નુકસાન થયું હોય તેવું લાગે છે.

કોપા એરલાઇન્સની ફ્લાઈટમાં સવાર સીઝર ફરેરા નામના મુસાફરે CNNને જણાવ્યું કે વિમાન સામાન્ય ગતિએ આગળ વધી રહ્યું હતું, ત્યારે અચાનક મુસાફરોનો શોરબકોર વધી ગયો. ત્યારબાદ ચીસો સંભળાઈ અને અન્ય વિમાન સાથેની અથડામણને કારણે જોરદાર ઝટકો લાગ્યો. તેમણે વર્ણન કર્યું કે અથડામણ થતાં જ વિમાન એક તરફ જોરથી ઝૂકી ગયું અને એક બાજુ વળી ગયું. કેટલાક મુસાફરો ગભરાઈ ગયા હતા પરંતુ ક્રૂ મેમ્બરોએ તરત જ બધાને પોતાની સીટ પર જ બેસી રહેવાની સૂચના આપી.

કોપા એરલાઇન્સે જણાવ્યું છે કે વિમાનને ટર્મિનલ સુધી લાવવામાં આવ્યું અને તમામ મુસાફરોને સુરક્ષિત રીતે નીચે ઉતારી લેવામાં આવ્યા. બે મુસાફરોને સામાન્ય ઈજાઓ થઈ છે જ્યારે બાકીના મુસાફરો અને ક્રૂ મેમ્બરો સુરક્ષિત છે. એરલાઇને સત્તાવાળાઓને તપાસમાં સહકાર આપવાની ખાતરી આપી છે. UPS એ પણ પુષ્ટિ કરી છે કે તેમના વિમાનમાં સવાર ક્રૂ સભ્યો સુરક્ષિત છે. કંપનીએ જણાવ્યું છે કે તેઓ આ ઘટનાનું કારણ જાણવા માટે સત્તાવાળાઓ સાથે મળીને કામ કરશે.

બે મહિના પહેલાં આ જ એરપોર્ટ પર એક મોટી દુર્ઘટના બની હતી
મિયામી એરપોર્ટ પર બનેલી આ ઘટના લગભગ બે મહિના પહેલાં થયેલી એક મોટી દુર્ઘટના બાદ બની છે. ૬ સપ્ટેમ્બરના રોજ પ્યુર્ટો રિકોના સાન જુઆનથી આવી રહેલું એમેઝોનનું કાર્ગો વિમાન રનવેની બહાર નીકળી ગયું હતું. આ વિમાન એરપોર્ટની સીમા તોડીને બે વાહનો સાથે અથડાયું અને તેમાં આગ લાગી ગઈ હતી. આ દુર્ઘટનામાં ૫ લોકોના મૃત્યુ થયા હતા અને ૫ લોકો ઘાયલ થયા હતા. તપાસમાં જાણવા મળ્યું છે કે પાઇલટે લેન્ડિંગ રદ કરવાનો (abort કરવાનો) પ્રયાસ કર્યો હતો પરંતુ વિમાન રનવેની બહાર નીકળી ગયું હતું.

Most Popular

To Top