અમેરિકાના ન્યૂ ઓર્લિયન્સમાં મિસિસિપી નદી પર એક મોટી જહાજ દુર્ઘટના સર્જાઈ હતી. નદીના પોર્ટ પર ઊભેલી રિવર ક્રૂઝ શિપ સાથે ઓઇલ ટેન્કર જોરદાર રીતે અથડાયું હતું. ટક્કર એટલી ભયાનક હતી કે ક્રૂઝ શિપમાં પાણી ભરાવા લાગ્યું હતું અને થોડા જ સમયમાં તે પલટી ગઈ હતી. જોકે, રાહતની વાત એ રહી કે ક્રૂઝમાં સવાર અંદાજે 180 મુસાફરો અને ક્રૂ મેમ્બર્સને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા હતા. આ દુર્ઘટનામાં કોઈ વ્યક્તિ ગુમ થઈ નહોતી.
ન્યૂ ઓર્લિયન્સનાં મેયર હેલેના મોરેનોએ પ્રેસ કોન્ફરન્સમાં આ ઘટનાને મિસિસિપી નદી પર બનેલી ચમત્કારિક ઘટના ગણાવી હતી. તેમણે જણાવ્યું હતું કે દુર્ઘટના બાદ 32 લોકોને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, પરંતુ કોઈની પણ હાલત ગંભીર નહોતી. ઘટનાસ્થળે તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી, જેના કારણે તમામ મુસાફરો અને ક્રૂ મેમ્બર્સને સુરક્ષિત બહાર કાઢી શકાયા હતા.
ઘટનાના વીડિયોમાં એક મોટું ટેન્કર ક્રૂઝ શિપ સાથે અથડાતું જોવા મળ્યું હતું. એટલાન્ટિક એસ્ફાલ્ટ નામનું ટેન્કર ડોક પર ઊભેલી ક્રૂઝ બોટ સાથે અથડાતાં જ જહાજના ભાગોમાં નુકસાન થયું હતું અને ધાતુ તથા કાચના ટુકડા ચારે તરફ વેરાઈ ગયા હતા. ટક્કર બાદ ક્રૂઝ શિપમાં પાણી ભરાવા લાગ્યું હતું. પરિસ્થિતિની ગંભીરતા જોઈને ટગબોટ ઓપરેટર્સ, પોલીસ, નજીકમાં કામ કરતા મજૂરો અને બચાવકર્મીઓએ તરત જ બચાવ કામગીરી શરૂ કરી દીધી હતી.
બચાવ કામગીરી દરમિયાન અનેક મુસાફરો અને બે પોલીસ અધિકારીઓને નદીના ઠંડા પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. તે સમયે નદીના પાણીનું તાપમાન આશરે 19 ડિગ્રી સેલ્સિયસ હતું. બચાવ કામગીરી ચાલી રહી હતી તે દરમિયાન ક્રૂઝ શિપમાં પાણીનો ભરાવો વધતાં તે પલટી ગઈ હતી. ઘટનાસ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને મદદ માટે આસપાસનાં અનેક જહાજો પણ પહોંચી ગયાં હતાં. એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું હતું કે ટક્કર બાદ ત્યાં ભારે ગભરાટ ફેલાયો હતો અને દરેક વ્યક્તિ પોતાનો જીવ બચાવવા માટે પ્રયાસ કરી રહી હતી.
અમેરિકાના કોસ્ટ ગાર્ડનાં કેપ્ટન મેલાની બર્નમે જણાવ્યું હતું કે પ્રાથમિક રીતે એવું લાગી રહ્યું હતું કે ટેન્કરનું સ્ટિયરિંગ કંટ્રોલ બહાર થઈ ગયું હતું. જોકે, ટેન્કર પરનો કાબૂ કયા કારણોસર ગુમાવ્યો હતો તે સ્પષ્ટ થયું નહોતું. આ દુર્ઘટનાની તપાસ નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ દ્વારા કરવામાં આવવાની હતી. જોકે, તે સમયે દેશમાં ઉડાનો ખોરવાઈ જવાની સ્થિતિને કારણે તપાસ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી શકી નહોતી.
દુર્ઘટના બાદ ક્રૂઝ કંપનીએ રોલ કોલ દ્વારા તમામ મુસાફરો અને ક્રૂ મેમ્બર્સની હાજરીની ખાતરી કરી હતી. જોકે, આ અફરાતફરી દરમિયાન અનેક લોકોના ઓળખપત્રો, મોબાઇલ ફોન અને ઘરની ચાવીઓ ખોવાઈ ગયાં હતાં. મોટાભાગના મુસાફરો અન્ય શહેરો અને વિસ્તારોમાંથી આવ્યા હોવાથી તેમના માટે રહેવા અને જરૂરી સુવિધાઓની વ્યવસ્થા કરવી જરૂરી બની હતી. મેયર હેલેના મોરેનોએ જણાવ્યું હતું કે અસરગ્રસ્ત મુસાફરોને મોબાઇલ ચાર્જર, ભોજન, હોટેલમાં રહેવાની વ્યવસ્થા અને વાહનવ્યવહારની સુવિધા પૂરી પાડવામાં આવી રહી હતી. મોટી ટક્કર અને ક્રૂઝ શિપ પલટી જવા છતાં તમામ લોકોનો બચાવ થતાં તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.