દિલ્હીમાં વાયુ પ્રદૂષણ સતત ત્રીજા દિવસે વધુ તીવ્ર બન્યું છે. શુક્રવારે રાજધાનીનો સરેરાશ એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) ૩૭૩ નોંધાયો હતો, જે અગાઉના દિવસના ૩૫૦ના આંકડાથી ૨૩ પોઈન્ટનો વધારો દર્શાવે છે. પરિસ્થિતિની ગંભીરતા એ વાત પરથી સ્પષ્ટ થાય છે કે ૫૯માંથી ૫૭ મોનિટરિંગ સ્ટેશનો પર હવાની ગુણવત્તા ‘ખૂબ જ ખરાબ’ અથવા ‘ગંભીર’ શ્રેણીમાં જોવા મળી હતી. ‘ગંભીર’ શ્રેણીમાં આવતા સ્ટેશનોની સંખ્યા ૧૩થી વધીને ૧૬ થઈ ગઈ છે. બીજી તરફ ‘ખરાબ’ (poor) અને ‘મધ્યમ’ (moderate) શ્રેણીમાં માત્ર એક-એક સ્ટેશન જ રહ્યા હતા. એક પણ સ્ટેશન પર હવાની ગુણવત્તા ‘સંતોષકારક’ (satisfactory) શ્રેણીમાં નોંધાઈ નથી. IIT દિલ્હી સૌથી વધુ પ્રદૂષિત સ્થળ રહ્યું, જ્યાં AQI ૪૫૨ નોંધાયો હતો, જ્યારે કેન્ટોનમેન્ટ વિસ્તારમાં સૌથી ઓછો AQI ૧૫૧ નોંધાયો હતો.
છેલ્લા ચાર દિવસમાં રાજધાનીમાં પ્રદૂષણની સ્થિતિમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળ્યો છે. ૧૦ નવેમ્બરે ૩૪ સ્ટેશનો ‘ખરાબ’ શ્રેણીમાં હતા જ્યારે ‘ગંભીર’ શ્રેણીમાં એક પણ સ્ટેશન નહોતું. ૧૧ નવેમ્બર સુધીમાં એક સ્ટેશન ‘ગંભીર’ શ્રેણીમાં પહોંચ્યું હતું, અને ૧૨ નવેમ્બર સુધીમાં આ સંખ્યા વધીને ૧૩ થઈ ગઈ. શુક્રવારે ‘ગંભીર’ શ્રેણીમાં આવતા સ્ટેશનોની સંખ્યા ૧૬ પર પહોંચી ગઈ છે. તેની સામે, ‘ખરાબ’ શ્રેણીમાં આવતા સ્ટેશનોની સંખ્યા ૩૪થી ઘટીને માત્ર એક રહી ગઈ છે. શુક્રવારે ૪૧ સ્ટેશનો ‘ખૂબ જ ખરાબ’ શ્રેણીમાં નોંધાયા હતા.
IIT દિલ્હીમાં AQI 452 નોંધાયો
શુક્રવારે IIT દિલ્હીમાં સૌથી વધુ 452 AQI નોંધાયો હતો, ત્યારબાદ નોર્થ કેમ્પસમાં 446 AQI નોંધાયો હતો. ‘ગંભીર’ (severe) શ્રેણીમાં આવતા અન્ય સ્ટેશનોમાં NIH નરેલા અને પૂસા IITM (બંનેમાં 437), બુરારી ક્રોસિંગ (433), પંજાબી બાગ (431), કોમનવેલ્થ (428), ચાંદની ચોક (427), CRRI મથુરા રોડ (421) અને ITO (419) નો સમાવેશ થાય છે. ‘ગંભીર’ શ્રેણીમાં રહેલા 16 મોનિટરિંગ સ્ટેશનોમાંથી, 14 સ્ટેશનો પર PM2.5 મુખ્ય પ્રદૂષક હતું, જ્યારે બે સ્ટેશનો પર PM10 મુખ્ય પ્રદૂષક હતું. IIT દિલ્હી અને NSIT દ્વારકા સ્ટેશનો પર PM10 ની અસર વધુ જોવા મળી હતી.
ગોગામાં AQI માં 104 પોઈન્ટનો વધારો થયો
એક જ દિવસમાં સૌથી મોટો ઉછાળો ગોગા સ્ટેશન પર નોંધાયો હતો જ્યાં AQI 260 થી વધીને 364 થયો એટલે કે તેમાં 104 પોઈન્ટનો વધારો થયો. અન્ય નોંધપાત્ર વધારામાં શ્રી અરવિંદો માર્ગ પર 58 પોઈન્ટ, સોનિયા વિહારમાં 53, NIH નરેલામાં 51 અને બવાનામાં 48 પોઈન્ટનો સમાવેશ થાય છે. બીજી તરફ કેટલાક સ્થળોએ પ્રદૂષણના સ્તરમાં ઘટાડો પણ જોવા મળ્યો, ઉદાહરણ તરીકે ઘુમ્મનહેરામાં AQI 359 થી ઘટીને 313 થયો. આ ઉપરાંત IGI એરપોર્ટ પર 27 પોઈન્ટ, નજફગઢમાં 25 પોઈન્ટ અને આયા નગરમાં 18 પોઈન્ટનો ઘટાડો નોંધાયો હતો.
51 સ્ટેશનો પર PM2.5 મુખ્ય પ્રદૂષક હતું.
કુલ 59 મોનિટરિંગ સ્ટેશનોમાંથી, 51 સ્ટેશનો પર PM2.5 મુખ્ય પ્રદૂષક હતું, જ્યારે આઠ સ્ટેશનો પર PM10 મુખ્ય પ્રદૂષક હતું. આનો અર્થ એ છે કે લગભગ 86 ટકા મોનિટરિંગ સ્ટેશનો પર ‘ફાઈન પાર્ટીક્યુલેટ મેટર’ (સૂક્ષ્મ રજકણો) મુખ્ય પ્રદૂષક હતા. PM2.5 અત્યંત નાના કણો ધરાવે છે જે શ્વાસ દ્વારા ફેફસાંમાં ઊંડે સુધી જઈ શકે છે, જ્યારે PM10 માં પ્રમાણમાં મોટા કણો, જેમ કે ધૂળના રજકણોનો સમાવેશ થાય છે.