મહારાષ્ટ્રના સોલાપુર એરપોર્ટ પર ટેકઓફ દરમિયાન એક તાલીમ વિમાન રનવે પરથી લપસી જતાં અફરાતફરી મચી હતી. જોકે, સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી અને વિમાન ઉડાડી રહેલી મહિલા તાલીમાર્થી પાયલટનો પણ આબાદ બચાવ થયો હતો. ઘટનાસ્થળેથી સામે આવેલી તસવીરોમાં વિમાન રનવે પર આગળની તરફ નમેલું જોવા મળે છે.
મળતી માહિતી મુજબ, સોલાપુર એરપોર્ટ પરથી ઉડાન ભરવાની તૈયારી કરી રહેલું તાલીમ વિમાન ટેકઓફ દરમિયાન અચાનક પાકા રનવે પરથી ખસી ગયું હતું. વિમાન રનવે પરથી લપસીને આગળની તરફ ઝૂકી ગયું હતું. તે સમયે વિમાનનું સંચાલન એક મહિલા તાલીમાર્થી પાયલટ કરી રહી હતી. જોકે, વિમાન રનવે પરથી લપસી જવા છતાં મહિલા પાયલટને કોઈ ઈજા થઈ ન હતી.
ઘટનાની જાણ થતાં જ સંબંધિત અધિકારીઓએ મામલાની તપાસ શરૂ કરી છે. વિમાન ટેકઓફ દરમિયાન રનવે પરથી કયા કારણોસર લપસી ગયું અને તેમાં કોઈ ટેકનિકલ ખામી હતી કે કેમ તે અંગે તપાસ કરવામાં આવી રહી છે. હાલ અકસ્માતનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી. સદનસીબે કોઈ જાનહાનિ ન થતાં મોટી દુર્ઘટના ટળી હતી.