ભારત સરકારે દેશની વિઝા વ્યવસ્થાને વધુ સરળ અને સુવ્યવસ્થિત બનાવવા માટે મહત્ત્વપૂર્ણ ફેરફાર કર્યો છે. નવી વ્યવસ્થા હેઠળ વિઝાની મુખ્ય શ્રેણીઓની સંખ્યા 13થી ઘટાડીને 9 કરવામાં આવી છે. આ ઉપરાંત વિઝાની ઉપ-શ્રેણીઓ પણ 49થી ઘટાડીને 23 કરી દેવામાં આવી છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે તમામ 23 ઉપ-શ્રેણીઓની અરજીમાં માહિતી ભરવા માટે જરૂરી કૉલમની સંખ્યા પણ 70 ટકા સુધી ઘટાડી દેવામાં આવી છે. આ ફેરફારથી વિદેશી પ્રવાસીઓ, વિદ્યાર્થીઓ, સંશોધકો અને તબીબી સારવાર માટે ભારત આવતા લોકોને વિઝા મેળવવાની પ્રક્રિયામાં સરળતા રહેશે.
અત્યાર સુધી વિઝાની વિવિધ શ્રેણીઓ અને તેની ઉપ-શ્રેણીઓના કારણે અરજદારોને યોગ્ય વિઝા વિકલ્પ પસંદ કરવામાં અને અરજીની વિગતો ભરવામાં મુશ્કેલી પડતી હતી. નવી વ્યવસ્થામાં આ જટિલતા ઘટાડીને વિઝાના હેતુ પ્રમાણે સ્પષ્ટ વિકલ્પો તૈયાર કરવામાં આવ્યા છે. તેના કારણે ભારતની મુલાકાતે આવતા પ્રવાસીઓ, દર્દીઓ, વિદ્યાર્થીઓ, સંશોધકો, રોકાણકારો અને વ્યાવસાયિકો માટે વિઝાનું માળખું સમજવું સરળ બનશે.
આ સરળીકરણનો મુખ્ય હેતુ કાયદેસર રીતે ભારત આવવા ઇચ્છતા વિદેશી નાગરિકો માટે મુસાફરી, શિક્ષણ, આરોગ્ય સેવાઓ અને આર્થિક પ્રવૃત્તિઓ સાથે જોડાવાની પ્રક્રિયાને સરળ બનાવવાનો છે. નવી વ્યવસ્થામાં અરજદાર પોતાની ભારત મુલાકાતના હેતુ પ્રમાણે યોગ્ય વિઝા શ્રેણી પસંદ કરી શકશે. અરજીમાં ભરવાની વિગતો ઓછી થવાથી સમયની બચત થશે અને પ્રક્રિયા પણ વધુ સરળ બનવાની આશા છે.
નવા વિઝા માળખામાં બિઝનેસ વિઝા, ડિપ્લોમેટિક વિઝા, વર્ક વિઝા, જર્નાલિસ્ટ વિઝા, મેડિકલ વિઝા, ઓફિશિયલ વિઝા, સ્ટુડન્ટ વિઝા, ટુરિસ્ટ વિઝા અને મિસલેનિયસ વિઝા એમ કુલ નવ મુખ્ય શ્રેણીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ શ્રેણીઓમાં અલગ-અલગ હેતુ માટેની ઉપ-શ્રેણીઓ પણ નક્કી કરવામાં આવી છે. અગાઉની 49 ઉપ-શ્રેણીઓની જગ્યાએ હવે માત્ર 23 ઉપ-શ્રેણીઓ રાખવામાં આવી છે.
આ તમામ ફેરફારોને અમલમાં મૂકવા માટે ગૃહ મંત્રાલય દ્વારા ભારતીય વિઝા સિસ્ટમની આઇટી વ્યવસ્થાને અપગ્રેડ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ કામ હવે અંતિમ તબક્કામાં હોવાનું જણાવાયું છે. નવી આઇટી સિસ્ટમ તૈયાર થયા બાદ વર્ષના અંત સુધીમાં નવી વ્યવસ્થા પ્રમાણે વિઝા આપવાની પ્રક્રિયા શરૂ થઈ જશે. આ ફેરફારથી ભારત આવવા ઇચ્છતા વિદેશી નાગરિકો માટે વિઝા અરજીની પ્રક્રિયા વધુ સરળ અને સુલભ બનશે.
India Visa, Visa Rules, Visa Application, Foreign Tourists, Immigration Policy