World

બે મહિનાથી વધુ સમયથી જંગ ચાલુ, સાઉદી અને હુથી વચ્ચે હુમલાઓનો સિલસિલો યથાવત

સાઉદી અરેબિયા અને હુથી બળવાખોરો વચ્ચેનો સંઘર્ષ વધુ ઉગ્ર બની રહ્યો છે. બંને પક્ષો એકબીજા પર હુમલા કરી રહ્યા હોવાના દાવા કરી રહ્યા છે. સાઉદી અરેબિયાની સેનાએ દાવો કર્યો છે કે તેની એર ડિફેન્સ સિસ્ટમે સતત બીજા દિવસે હુથી બળવાખોરો દ્વારા છોડવામાં આવેલી ત્રણ ક્રૂઝ મિસાઈલોને હવામાં જ તોડી પાડી છે. બીજી તરફ, હુથી સંગઠને પણ સાઉદી અરેબિયાના અનેક મહત્ત્વપૂર્ણ ઠેકાણાઓને નિશાન બનાવ્યાં હોવાનો દાવો કર્યો છે.

આ અગાઉ રવિવારે પણ હુથી બળવાખોરોએ સાઉદી અરેબિયાની રાજધાની રિયાધમાં આવેલી તેલ કંપની અરામકોની બહુમાળી કોર્પોરેટ ઓફિસ પર મિસાઈલ હુમલો કર્યો હોવાનો દાવો સામે આવ્યો હતો. આ હુમલામાં ઓફિસને ભારે નુકસાન પહોંચ્યું હોવાનું જણાવાયું હતું. સતત થઈ રહેલા હુમલાઓને કારણે સાઉદી અરેબિયાના મહત્ત્વપૂર્ણ વિસ્તારોની સુરક્ષા સામે પણ પડકાર ઊભો થયો છે.

છેલ્લા બે મહિનાથી વધુ સમયથી બંને પક્ષો વચ્ચે સંઘર્ષ ચાલી રહ્યો છે. આ દરમિયાન હુથી બળવાખોરોએ સાઉદી અરેબિયાના મહત્ત્વપૂર્ણ મથકો અને ઠેકાણાઓ પર ડઝનબંધ હુમલા કર્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. બીજી તરફ, સાઉદી અરેબિયાએ પણ વળતો પ્રહાર કરતાં હુથી બળવાખોરોના નિયંત્રણ હેઠળના વિસ્તારોમાં હવાઈ હુમલા કર્યા છે.

સાઉદી અરેબિયાના હુમલામાં હુથીઓના નિયંત્રણ હેઠળના વિસ્તારની રાજધાની સના સહિત અન્ય શહેરોને નિશાન બનાવવામાં આવ્યાં હતાં. આ હવાઈ હુમલાઓમાં 100થી વધુ લોકોનાં મોત થયાં હોવાનો દાવો છે. આમ, બંને તરફથી સતત થઈ રહેલા હુમલાઓને કારણે વિસ્તારમાં તણાવ વધ્યો છે અને સંઘર્ષનો અંત આવે તેવા સંકેતો હાલ દેખાઈ રહ્યા નથી.

Most Popular

To Top