દિવાળી વેકેશન દરમિયાન સુરતના સરથાણા નેચર પાર્કમાં સહેલાણીઓનો ભારે ધસારો જોવા મળ્યો હતો. દિવાળીથી લઈને ભાઈબીજ સુધીના ત્રણ દિવસમાં 53,364 લોકોએ નેચર પાર્કની મુલાકાત લીધી હતી. મુલાકાતીઓની આ ભીડને કારણે પાર્કમાં હાઉસફુલ જેવી સ્થિતિ સર્જાઈ હતી. આ ત્રણ દિવસ દરમિયાન સુરત મહાનગરપાલિકાને પ્રવેશ ફી પેટે કુલ 15,50,200 રૂપિયાની આવક થઈ હતી.
દિવાળીના વેકેશનમાં સરથાણા નેચર પાર્ક સુરતીઓ અને દક્ષિણ ગુજરાતના પરિવારો માટે મનપસંદ પ્રવાસન સ્થળ બની રહ્યું હતું. સુરતને કર્મભૂમિ બનાવીને રહેતા અન્ય શહેરો અને રાજ્યોના લોકો તહેવારો દરમિયાન વતન તરફ જતા હોય છે. બીજી તરફ, કેટલાક સુરતીઓ ગુજરાતનાં અન્ય પ્રવાસન સ્થળો, દેશનાં વિવિધ રાજ્યો અને વિદેશ પ્રવાસે નીકળી જાય છે. જોકે, સુરતમાં જ વેકેશન માણતા પરિવારો માટે સરથાણા નેચર પાર્ક ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.
પરિવાર અને બાળકો સાથે પ્રકૃતિના સાંનિધ્યમાં સમય વિતાવવા તથા વિવિધ પ્રાણીઓ અને પક્ષીઓને નજીકથી નિહાળવા માટે મોટી સંખ્યામાં લોકો નેચર પાર્ક પહોંચ્યા હતા. માત્ર સુરત જ નહીં, પરંતુ દક્ષિણ ગુજરાતનાં આસપાસનાં શહેરોમાંથી પણ સહેલાણીઓ અહીં આવ્યા હતા. દિવાળી, બેસતા વર્ષ અને ભાઈબીજના ત્રણેય તહેવારો દરમિયાન મુલાકાતીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો હતો.
મુલાકાતીઓના આંકડા પ્રમાણે, દિવાળીના દિવસે એટલે કે 9 નવેમ્બરે 16,004 લોકોએ સરથાણા નેચર પાર્કની મુલાકાત લીધી હતી. આ એક દિવસમાં પાલિકાને પ્રવેશ ફી પેટે 4,72,020 રૂપિયાની આવક થઈ હતી. ત્યારબાદ બેસતા વર્ષના દિવસે એટલે કે 10 નવેમ્બરે સહેલાણીઓનો સૌથી વધુ ધસારો નોંધાયો હતો. આ દિવસે 21,805 લોકોએ પાર્કની મુલાકાત લેતાં પાલિકાને 6,39,820 રૂપિયાની આવક થઈ હતી.
ભાઈબીજના દિવસે એટલે કે 11 નવેમ્બરે પણ મુલાકાતીઓનો ઉત્સાહ યથાવત રહ્યો હતો. આ દિવસે 15,555 સહેલાણીઓ નેચર પાર્કમાં પહોંચ્યા હતા અને પાલિકાને 4,48,360 રૂપિયાની આવક થઈ હતી. આમ, દિવાળીથી ભાઈબીજ સુધીના માત્ર ત્રણ દિવસમાં કુલ 53,364 લોકોએ મુલાકાત લીધી હતી અને પાલિકાની તિજોરીમાં 15,50,200 રૂપિયાની આવક થઈ હતી.
તહેવારોની રજાઓ દરમિયાન મુલાકાતીઓની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને સુરત મહાનગરપાલિકા દ્વારા સોમવારે પણ સરથાણા નેચર પાર્ક ખુલ્લો રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. સામાન્ય રીતે સોમવારે બંધ રહેતા આ પાર્કને વેકેશન દરમિયાન ખુલ્લો રાખવામાં આવતાં વધુ પરિવારોને મુલાકાત લેવાની તક મળી હતી. આમ, દિવાળી વેકેશનમાં સરથાણા નેચર પાર્ક સુરત અને દક્ષિણ ગુજરાતના સહેલાણીઓ માટેનું લોકપ્રિય પ્રવાસન સ્થળ બનીને ઉભર્યું હતું.