National

ડિસેમ્બરની કડકડતી ઠંડીમાં ચૂંટણી કેમ? વાંગચૂકની માંગ નહીં સ્વીકારાય તો આંદોલનની ચીમકી

લદ્દાખમાં કડકડતી ઠંડી દરમિયાન લેહ હિલ કાઉન્સિલની ચૂંટણી યોજવાના નિર્ણય સામે વિરોધ વધુ તીવ્ર બન્યો છે. આ દરમિયાન લેહ એપેક્સ બોડી (LAB)ના સભ્ય અને આબોહવા કાર્યકર્તા સોનમ વાંગચૂકે દાવો કર્યો છે કે તેમને ઘરમાં નજરકેદ કરવામાં આવ્યા છે. તેમના જણાવ્યા મુજબ, તેમના ઘરની આસપાસ ડઝનબંધ સશસ્ત્ર સુરક્ષા કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા છે. બીજી તરફ, વહીવટીતંત્રે તેમને 60 દિવસ સુધી અવરજવર પર પ્રતિબંધ મૂકતી સૂચના આપી છે.

મળતી માહિતી મુજબ, સોનમ વાંગચુક બુધવારે મોડી રાત્રે લેહના NDS મેમોરિયલ પાર્ક ખાતે ચાલી રહેલા વિરોધ પ્રદર્શનની તૈયારીઓની સમીક્ષા કરવા પહોંચ્યા હતા. જોકે, આ અંગે જાણ થતાં પોલીસ તેમને વિરોધ સ્થળેથી દૂર લઈ ગઈ હતી અને ઘરે રહેવાની સલાહ આપી હતી. ત્યારબાદ વહીવટીતંત્ર દ્વારા જાહેર કરવામાં આવેલી નોટિસમાં જણાવાયું હતું કે વાંગચુકના વિરોધ પ્રદર્શનને કારણે કેન્દ્રશાસિત પ્રદેશમાં શાંતિ અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ ખોરવાઈ શકે છે. આ જ કારણસર તેમની અવરજવર પર 60 દિવસ માટે નિયંત્રણો લાદવામાં આવ્યા હોવાનું કહેવાય છે.

આ કાર્યવાહી બાદ સોનમ વાંગચુકે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે લખ્યું હતું કે, “હું નજરકેદ છું. ડઝનબંધ સશસ્ત્ર રક્ષકોએ મારા ઘરને ઘેરી લીધું છે, જ્યારે સરકારી નિવેદનમાં માત્ર એટલું કહેવામાં આવ્યું છે કે મને ઘરે રહેવાની સલાહ આપવામાં આવી છે.” તેમણે આ સ્થિતિને વિચિત્ર ગણાવીને સવાલ ઉઠાવ્યો હતો કે ન્યાયિક તપાસ પંચના અહેવાલમાં વિલંબ કેમ થઈ રહ્યો છે અને શિયાળાની મધ્યમાં લોકો પર આટલી ઉતાવળે કાઉન્સિલની ચૂંટણી કેમ લાદવામાં આવી રહી છે.

સોનમ વાંગચુક અને લેહ એપેક્સ બોડી લાંબા સમયથી 4 ડિસેમ્બરે યોજાનારી લેહ હિલ કાઉન્સિલની ચૂંટણી મુલતવી રાખવાની માંગ કરી રહ્યાં છે. તેમનું કહેવું છે કે ડિસેમ્બર મહિનો લદ્દાખમાં અત્યંત ઠંડી અને ભારે હિમવર્ષાનો સમય હોય છે. આ દરમિયાન સામાન્ય જનજીવન પ્રભાવિત થાય છે અને મોટી સંખ્યામાં લોકો અભ્યાસ, રજાઓ, યાત્રાધામો તથા અન્ય કારણોસર લદ્દાખની બહાર જતા રહે છે. પરિણામે, ચૂંટણીમાં લોકોની ભાગીદારી પર અસર પડી શકે છે.

વાંગચુકના જણાવ્યા અનુસાર, ડિસેમ્બર અને જાન્યુઆરી લદ્દાખના સૌથી ઠંડા મહિના છે. આ સમયગાળા દરમિયાન અનેક વિસ્તારોમાં તાપમાન માઇનસ 30 ડિગ્રી સેલ્સિયસથી પણ નીચે પહોંચી જાય છે. આવી સ્થિતિમાં ચૂંટણી યોજવાથી સ્થાનિક લોકો માટે મતદાન કરવું મુશ્કેલ બની શકે છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે હવામાન વિભાગે આખા અઠવાડિયા દરમિયાન ભારે હિમવર્ષાની આગાહી કરી છે. તેમના મતે, ચૂંટણી માટે આ યોગ્ય સમય નથી અને સ્થાનિક લોકો પણ આ નિર્ણયનો વિરોધ કરી રહ્યા છે.

આ મુદ્દે વાંગચુક અને લેહ એપેક્સ બોડીએ રાષ્ટ્રપતિ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પણ ચૂંટણી મુલતવી રાખવા અપીલ કરી છે. તેમની માંગ છે કે હવામાનની સ્થિતિ સામાન્ય થાય અને લોકો સરળતાથી મતદાન કરી શકે તેવા સમયગાળામાં ચૂંટણી યોજવામાં આવે. વાંગચુકે ચેતવણી આપી છે કે જો ચૂંટણી મુલતવી રાખવાની તેમની માંગ સ્વીકારવામાં નહીં આવે તો તેઓ પોતાની નારાજગી વ્યક્ત કરવા માટે શાંતિપૂર્ણ પરંતુ ઉગ્ર આંદોલન શરૂ કરવા મજબૂર થશે.

બીજી તરફ, લદ્દાખ પોલીસે સોનમ વાંગચુક સામે કરવામાં આવેલી કાર્યવાહી અંગે સ્પષ્ટતા કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર, ચૂંટણી પ્રક્રિયા દરમિયાન લેહ મ્યુનિસિપાલિટીની હદમાં જાહેર રેલીઓ, વિરોધ પ્રદર્શનો અને અન્ય પ્રકારના મેળાવડાઓને નિયંત્રિત કરવા માટે પ્રતિબંધિત આદેશો જાહેર કરવામાં આવ્યા છે. આ આદેશોના પાલનના ભાગરૂપે વાંગચુકને તેમના નિવાસસ્થાને રહેવાની સલાહ આપવામાં આવી છે.

લદ્દાખના પોલીસ મહાનિર્દેશક (DGP) આનંદ જૈને પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે લદ્દાખના મુખ્ય ચૂંટણી અધિકારી (CEO) અને લેહના જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેર કરવામાં આવેલા પ્રતિબંધિત આદેશો અનુસાર સોનમ વાંગચુકને તેમના ઘરે રહેવાની સલાહ આપવામાં આવી છે. આમ, એક તરફ વાંગચુક આ કાર્યવાહીને નજરકેદ ગણાવી રહ્યા છે, જ્યારે પોલીસ તેને ચૂંટણી દરમિયાન જાહેર સભાઓ અને વિરોધ પ્રદર્શનો પર નિયંત્રણ મૂકતા આદેશોના અમલ તરીકે રજૂ કરી રહી છે.

Most Popular

To Top