વડોદરામાં ભારતીય વાયુસેનાની સારંગ હેલિકોપ્ટર ટીમે ભવ્ય એર શો યોજીને ઉપસ્થિત લોકોને રોમાંચિત કર્યા હતા. ભારતીય વાયુસેનાની વડોદરા સ્થિત 11મી સ્કવોડ્રનની પ્લેટિનમ જ્યુબિલીની ઉજવણીના ભાગરૂપે 13 નવેમ્બરે આ એર શોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન સ્વદેશી હેલિકોપ્ટર દ્વારા આકાશમાં એક પછી એક અદભુત કરતબો રજૂ કરવામાં આવ્યા હતા. હેલિકોપ્ટરની ચોકસાઈભરી ઉડાન અને પાયલોટ્સ વચ્ચેના શાનદાર તાલમેલે સૌનું ધ્યાન ખેંચ્યું હતું.
વાયુસેનાની સારંગ ટીમમાં ભારતમાં જ બનાવવામાં આવેલા એડવાન્સ્ડ લાઇટ હેલિકોપ્ટરનો સમાવેશ થાય છે. એર શો દરમિયાન ટીમના પાયલોટ્સે ડાયમંડ ફોર્મેશન, વાઈન ગ્લાસ ફોર્મેશન, ડોલ્ફિન લીપ, હાર્ટ ફોર્મેશન, સારંગ સ્પ્લિટ અને ક્રોસ ઓવર જેવા વિવિધ ફોર્મેશન રજૂ કર્યા હતા. આકાશમાં એકસાથે ઉડતાં પાંચ હેલિકોપ્ટરે લગભગ 15 મિનિટ સુધી અલગ-અલગ આકાશી રચનાઓ બનાવી હતી. દરેક ફોર્મેશનમાં પાયલોટ્સ વચ્ચેનો તાલમેલ અને ઉડાનની ચોકસાઈ જોવા જેવી હતી.
સારંગ ટીમ એશિયાની એકમાત્ર હેલિકોપ્ટર એરોબેટિક્સ ટીમ છે. ટીમના સભ્યોએ સ્વદેશી હેલિકોપ્ટર ઉડાવવાના અનુભવ અંગે ગૌરવ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે આ હેલિકોપ્ટર ભારતમાં જ બનાવવામાં આવ્યાં છે અને સંપૂર્ણપણે સ્વદેશી છે. દેશની ટેક્નોલોજીથી તૈયાર થયેલાં હેલિકોપ્ટર દ્વારા આંતરરાષ્ટ્રીય સ્તરના કરતબો રજૂ કરવા તેમના માટે ગૌરવની વાત છે.
આ ટીમમાં મહિલા પાયલોટ ફ્લાઇટ લેફ્ટનન્ટ અશનીતનો પણ સમાવેશ થાય છે. તેમણે જણાવ્યું હતું કે માત્ર 15 મિનિટના એર શો માટે પાયલોટ્સે લાંબા સમય સુધી આકરી પ્રેક્ટિસ કરવી પડે છે. એર શો માટે હેલિકોપ્ટરમાં બેસતાની સાથે જ પાયલોટ્સે આસપાસની દુનિયા ભૂલીને સંપૂર્ણ ધ્યાન ઉડાન પર કેન્દ્રિત કરવું પડે છે. તેમના જણાવ્યા અનુસાર, હેલિકોપ્ટર સાથે એકરૂપ થઈને ઉડાન ભરવી પડે છે અને આ માટે 100 ટકા એકાગ્રતા જાળવવી ખૂબ જરૂરી છે.
ટીમના પાયલોટ સ્કવોડ્રન લીડર નિશાંક અવસ્થીએ જણાવ્યું હતું કે સારંગ ટીમમાં સામેલ થવાનો નિર્ણય સ્વૈચ્છિક હોય છે. પસંદગી થયા બાદ પણ પાયલોટ્સે એકથી દોઢ વર્ષ સુધીની આકરી તાલીમ લેવી પડે છે. ત્યારબાદ જ તેઓ એર શોમાં ભાગ લેવા માટે સક્ષમ બને છે. નવા પાયલોટ્સની તાલીમની શરૂઆત એક હેલિકોપ્ટર સાથે ઉડાન ભરવાથી થાય છે. ત્યારબાદ તબક્કાવાર બે, ત્રણ અને અંતે પાંચ હેલિકોપ્ટર સાથે એકસાથે ઉડાન ભરવાની તાલીમ આપવામાં આવે છે.
એર શો દરમિયાન તમામ પાયલોટ્સ વચ્ચે ચોક્કસ તાલમેલ હોવો ખૂબ જરૂરી હોય છે. એક પાયલોટની નાની ભૂલ પણ સમગ્ર ફોર્મેશનને અસર કરી શકે છે. તેથી ટીમ સતત પ્રેક્ટિસ અને એકબીજા સાથે સંકલન જાળવવા પર ભાર મૂકે છે. સ્કવોડ્રન લીડર નિશાંક અવસ્થીએ વધુમાં જણાવ્યું હતું કે લોકો તરફથી મળતો પ્રેમ અને સન્માન ટીમ માટે સૌથી મોટી પ્રેરણા છે. વાયુસેનાના દરેક પાયલોટને સામાન્ય લોકો સાથે સીધો સંવાદ કરવાની કે તેમની સામે પોતાની કામગીરી રજૂ કરવાની તક મળતી નથી. તેથી એર શો તેમના માટે લોકો સાથે જોડાવાનો ખાસ અવસર હોય છે.
સારંગ ટીમની સ્થાપના વર્ષ 2003માં કરવામાં આવી હતી. ત્યારથી અત્યાર સુધીમાં ટીમે 385થી વધુ સ્થળોએ 1,200થી વધુ એર શો રજૂ કર્યા છે. ભારત ઉપરાંત સિંગાપોર, સંયુક્ત આરબ અમીરાત, જર્મની, રશિયા અને બહેરીન જેવા દેશોમાં પણ ટીમે પોતાના કરતબો દર્શાવ્યા છે. ટીમનું એરબેઝ તમિલનાડુના સુલુર ખાતે આવેલું છે.
સારંગ શબ્દનો અર્થ મોર થાય છે. ટીમનાં હેલિકોપ્ટર પર પણ મોરનાં પીંછાની ડિઝાઇન કરવામાં આવી છે, જે તેની વિશિષ્ટ ઓળખ બની છે. માત્ર આકાશી કરતબો જ નહીં, પરંતુ બચાવ કામગીરીમાં પણ આ હેલિકોપ્ટરોએ મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. વર્ષ 2013માં ઉત્તરાખંડમાં આવેલા વિનાશક પૂર દરમિયાન સારંગ ટીમનાં હેલિકોપ્ટરની મદદથી આશરે 1,000 લોકોને બચાવવામાં આવ્યા હતા. આમ, સારંગ ટીમની ઓળખ માત્ર અદભુત એર શો પૂરતી સીમિત નથી, પરંતુ દેશની સુરક્ષા અને આપત્તિ સમયે રાહત કામગીરીમાં પણ તેની ભૂમિકા મહત્ત્વપૂર્ણ રહી છે.