અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આવતા અઠવાડિયે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે એક બેઠકમાં ભાગ લેશે. વ્હાઇટ હાઉસે શુક્રવારે આ વાતની પુષ્ટિ કરી છે. આ બેઠક ચીનના શેનઝેનમાં યોજાનારી ‘એશિયા-પેસિફિક ઇકોનોમિક કોઓપરેશન’ (APEC) સમિટ દરમિયાન થશે. આ ચર્ચાઓમાં પરમાણુ શસ્ત્રભંડારમાં ઘટાડો કરવો એ મુખ્ય વિષય રહેશે. ઈરાન પણ ચર્ચાનો એક વિષય હશે.
80 વર્ષમાં આ પ્રથમ વખત છે જ્યારે વિશ્વના ત્રણ ટોચના રાષ્ટ્રોના નેતાઓ ત્રિપક્ષીય બેઠક યોજવા જઈ રહ્યા છે. છેલ્લે આવો પ્રસંગ ફેબ્રુઆરી ૧૯૪૫માં બન્યો હતો, જ્યારે અમેરિકા, સોવિયેત યુનિયન (રશિયા) અને ગ્રેટ બ્રિટનના નેતાઓ ક્રિમીયાના યાલ્ટામાં મળ્યા હતા. તે બેઠક દરમિયાન તેમણે નક્કી કર્યું હતું કે યુદ્ધના અંત પછી યુરોપના દેશોનું વિભાજન કેવી રીતે થશે અને ત્યાં શાસન કેવી રીતે ચલાવવામાં આવશે.
ઈરાન પર ધ્યાન, યુક્રેન યુદ્ધ પર નહીં
અમેરિકી અધિકારીઓના જણાવ્યા અનુસાર, ટ્રમ્પ આ બેઠક દરમિયાન ઈરાનનો મુદ્દો ઉઠાવી શકે છે. જોકે, રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલું યુદ્ધ એજન્ડામાં સામેલ નહીં હોય. એક અમેરિકી અધિકારીએ જણાવ્યું હતું કે, તાજેતરમાં અમેરિકાએ રશિયા સાથે ઘણી બેઠકો કરી છે, પરંતુ તેમાં ચીન સામેલ નહોતું; તેથી, આ ત્રિપક્ષીય બેઠકમાં યુક્રેન સંઘર્ષ વિશે વાત કરવી યોગ્ય નહીં ગણાય.
ટ્રમ્પ સાથે ચીન જશે મસ્ક
વ્હાઇટ હાઉસના જણાવ્યા અનુસાર, ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક પણ ટ્રમ્પ સાથે ચીન જશે. અમેરિકી અધિકારીઓએ નોંધ્યું છે કે મસ્કના અમેરિકા અને ચીન બંને દેશોમાં મહત્વપૂર્ણ વ્યાપારી હિતો છે અને આ મુલાકાત દરમિયાન તેઓ ટ્રમ્પને સલાહ આપી શકે છે. જોકે મસ્ક આ ત્રણ રાષ્ટ્રાધ્યક્ષો વચ્ચેની સંયુક્ત બેઠકમાં ભાગ લેશે નહીં.
- પરમાણુ શસ્ત્રભંડાર ઘટાડવા અંગે ચર્ચા
- વ્હાઇટ હાઉસના જણાવ્યા અનુસાર ટ્રમ્પ આ બેઠક દરમિયાન પરમાણુ શસ્ત્રોની સંખ્યા ઘટાડવાનો મુદ્દો ઉઠાવવા માંગે છે. તેઓ ઈચ્છે છે કે ચીન પણ આ ચર્ચાઓમાં સામેલ થાય, જેથી અમેરિકા, રશિયા અને ચીન વચ્ચે એક નવો કરાર થઈ શકે.
- હકીકતમાં, અમેરિકા અને રશિયા વચ્ચે પરમાણુ શસ્ત્રોને મર્યાદિત કરવા માટેનો છેલ્લો કરાર આ વર્ષના ફેબ્રુઆરી મહિનામાં સમાપ્ત થઈ ગયો છે. દરમિયાન, ચીન સતત તેના પરમાણુ શસ્ત્રભંડારનો વિસ્તાર કરી રહ્યું છે.
- ટ્રમ્પ જૂના કરારને બદલે એક નવો કરાર કરવા ઈચ્છે છે, જેમાં ત્રણેય દેશો સામેલ હોય. જોકે, ચીને અત્યાર સુધી આવી ચર્ચાઓથી અંતર જાળવી રાખ્યું છે.
- અમેરિકાના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર, આ બેઠકમાંથી કોઈ કરાર થવાની અપેક્ષા નથી. તેનો મુખ્ય ઉદ્દેશ્ય માત્ર સંવાદ શરૂ કરવાનો છે, જે ભવિષ્યમાં પરમાણુ શસ્ત્રો પર નિયંત્રણ લાવવા માટેનો માર્ગ મોકળો કરી શકે છે.