
વેકેશનની મજા માણવા માટે કર્ણાટકના પ્રવાસે ગયેલા સુરતના એક હસતા-રમતા પરિવાર માટે આ સફર જીવનભરનો ક્યારેય ન ભૂલાય તેવો સૌથી મોટો આઘાત બની ગઈ છે. કર્ણાટકના કોડાગુ જિલ્લાના કુશલનગર નજીક આવેલા રમણીય હરંગી બેકવોટર્સમાં બોટિંગની મજા માણી રહેલા સુરતના એક દંપતીનું બોટ પલટી જતાં પાણીમાં ડૂબી જવાથી કરૂણ મોત નીપજ્યું છે. આ ગોઝારી દુર્ઘટનામાં સૌથી રાહતની અને ચમત્કારિક બાબત એ રહી કે દંપતી સાથે રહેલા તેમના બે માસૂમ સંતાનોનો આબાદ બચાવ થયો છે, પરંતુ નજર સમક્ષ જ માતા-પિતાને ગુમાવી ચૂકેલા બંને બાળકો ઊંડા આઘાતમાં સરી પડ્યા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, મૂળ ગુજરાતના અને હાલ સુરતમાં રહેતા 50 વર્ષીય ધર્મેશભાઈ અને તેમના 48 વર્ષીય પત્ની નિમ્મીબેન પોતાના બે સંતાનો સાથે દિવાળી કે વેકેશનની રજાઓ ગાળવા માટે કર્ણાટકના લોકપ્રિય પ્રવાસન સ્થળ કોડાગુ ખાતે ગયા હતા. પ્રવાસ દરમિયાન આખો પરિવાર કુશલનગર નજીક આવેલા હરંગી બેકવોટર્સ ખાતે પહોંચ્યો હતો, જ્યાં ‘એડવેન્ચર વોટર સ્પોર્ટ્સ’ દ્વારા સંચાલિત બોટમાં બેસીને તેઓ બોટિંગની મજા માણી રહ્યા હતા. આ દરમિયાન બોટ પૂરપાટ ઝડપે દોડી રહી હતી અને અચાનક એક તીવ્ર વળાંક લેતી વખતે ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવી દીધો હતો, જેના કારણે બોટ અચાનક પલટી ખાઈ ગઈ હતી. બોટ પલટતાની સાથે જ પરિવારના ચારેય સભ્યો ઊંડા પાણીમાં ફંગોળાઈને ખાબક્યા હતા.
આ દુર્ઘટનાની સૌથી કરૂણ અને દુર્ભાગ્યપૂર્ણ બાબત એ હતી કે બોટિંગ શરૂ કરતા પહેલા પરિવારના ચારેય સભ્યોએ સુરક્ષાના નિયમોનું પાલન કરીને લાઈફ જેકેટ પહેર્યા જ હતા. બોટ પલટતા જ આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી અને સ્થાનિક લોકો તથા વોટર સ્પોર્ટ્સનો સ્ટાફ મદદ માટે દોડી આવ્યો હતો. પાણીમાં તરતા બંને બાળકોને તરત જ બચાવ ટુકડીએ સુરક્ષિત રીતે બહાર કાઢીને કિનારે પહોંચાડી દીધા હતા. પરંતુ, કમનસીબે ધર્મેશભાઈ અને નિમ્મીબેન પલટી ગયેલી બોટની બરાબર નીચે જ ફસાઈ ગયા હતા. તેમણે લાઈફ જેકેટ પહેર્યું હોવા છતાં, બોટના ભારે વજન અને તેની નીચે ફસાઈ જવાના કારણે તેઓ પાણીની સપાટી પર તરીને ઉપર આવી શક્યા ન હતા, જેના કારણે શ્વાસ રૂંધાવાથી બંનેનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું.
બાળકોએ નજર સમક્ષ જ પોતાના માતા-પિતાને ગુમાવી દેતા સમગ્ર માહોલ અત્યંત ગમગીન બની ગયો હતો. ઘટનાની ગંભીરતા જોઈને સ્થાનિક પોલીસ અને ફાયર વિભાગનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ફાયર બ્રિગેડના જવાનોએ ભારે જહેમત અને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરીને પાણીમાંથી દંપતીના મૃતદેહો બહાર કાઢ્યા હતા. ત્યારબાદ બંનેના મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે કુશલનગર કોમ્યુનિટી હેલ્થ સેન્ટરના મોર્ચરી રૂમમાં ખસેડવામાં આવ્યા હતા. આ સમગ્ર મામલો કુશલનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનની હદમાં બન્યો હોવાથી પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને વોટિંગ સંચાલકોની બેદરકારી અને સુરક્ષાના ધોરણોની ચકાસણી બાબતે કાયદેસરની તપાસ શરૂ કરી છે.
દેસાઈ સમાજના એક અગ્રણીએ આ દુર્ઘટના વિશે વિગતો આપતા જણાવ્યું હતું કે મૃતક ધર્મેશભાઈ મૂળ નવસારી જિલ્લાના અષ્ટ ગામના વતની હતા. કર્ણાટક ખાતે આ દુર્ઘટના સર્જાયા બાદ શરૂઆતમાં ત્યાંના સ્થાનિક પ્રશાસન કે સંચાલકો તરફથી યોગ્ય મદદ ન મળતા પરિવાર મુશ્કેલીમાં મુકાયો હતો. ત્યારબાદ ગુજરાતના સ્થાનીક અગ્રણીઓ અને પ્રશાસન દ્વારા ત્યાં સંપર્ક સાધીને વહીવટી સહાય મેળવવામાં આવી હતી અને હવે દંપતીના પાર્થિવ દેહને અંતિમ સંસ્કાર માટે સુરત લાવવામાં આવી રહ્યો છે. આ અચાનક બનેલી આફતથી સુરતમાં રહેતા પરિવાર અને તેમના વતનમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે.