બોલિવુડ સિનેમાના વીતેલા જમાનાની જાણીતી અને લોકપ્રિય અભિનેત્રી નિમ્મીના નિધનના 6 વર્ષ બાદ તેમની કરોડોની સંપત્તિને લઈને એક મોટો અને ચોંકાવનારો વિવાદ સામે આવ્યો છે. મુંબઈના જુહૂ વિસ્તારમાં આવેલા એક્ટ્રેસના બે મકાનો (ફ્લેટ), બેંક ખાતામાં રહેલી લાખો-કરોડોની રકમ અને અન્ય કિંમતી ચીજવસ્તુઓ પર કબજો જમાવવાની કોશિશ કરવાનો ગંભીર આરોપ તેમના જ લાંબા સમય સુધી કેરટેકર રહેલી વ્યક્તિ પર લાગ્યો છે. આ મામલે અભિનેત્રીના સંબંધી દ્વારા ફરિયાદ નોંધાવ્યા બાદ મુંબઈના સાંતાક્રુઝ પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ છેતરપિંડી, વિશ્વાસઘાત અને બનાવટ સહિતની વિવિધ કલમો હેઠળ એફઆઈઆર (FIR) દાખલ કરવામાં આવી છે.
સંબંધી દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદ અનુસાર, 11 નવેમ્બરે મોહમ્મદ યુનુસ સલીમ દુર્રાનીએ આ મામલે કાનૂની પગલાં લીધા છે. દુર્રાનીનો દાવો છે કે તેઓ એક્ટ્રેસ નિમ્મીના સંબંધી છે અને તેમની પુત્રવધૂ સલમા નેલ્દી પરવીન તરફથી મળેલી પાવર ઓફ એટર્નીના આધારે તેઓ આ ફરિયાદ નોંધાવી રહ્યા છે. એફઆઈઆરમાં જણાવાયું છે કે આરોપી અસરાર અહમદ શેખ ઘણા વર્ષોથી અભિનેત્રી નિમ્મી અને તેમના પતિ અલી રઝાના ઘરે ઘરેલુ સહાયક તથા કેરટેકર તરીકે કામ કરતો હતો. વર્ષ 2007માં પતિ અલી રઝાના નિધન બાદ નિમ્મી એકલા રહેતા હતા. વધતી ઉંમર અને સ્વાસ્થ્ય સંબંધી તકલીફોને કારણે તેમણે કેરટેકર અસરાર શેખ સાથે સંયુક્ત બેંક ખાતાઓ ખોલાવ્યા હતા, ત્યારથી નાણાકીય વ્યવહારો તે જ સંભાળતો હતો.
પ્રાપ્ત માહિતી મુજબ, નિમ્મી અને તેમના પતિએ જુહૂ તારા રોડ પર આવેલા નેહા એપાર્ટમેન્ટમાં બી-31 અને બી-32 નંબરના બે ફ્લેટ્સ ખરીદ્યા હતા, જે અભિનેત્રીના નામ પર જ રજિસ્ટર્ડ હતા. આ ઉપરાંત તેમની પાસે સોના-ચાંદીના દાગીના, એક મારુતિ સુઝુકી સિયાઝ કાર અને સ્ટેટ બેંક તથા સારસ્વત બેંકમાં અંદાજે 1.77 કરોડ રૂપિયાની એફડી (ફિક્સ્ડ ડિપોઝિટ) પણ હતી. નિધન અગાઉ એક્ટ્રેસે વસિયત તૈયાર કરી હતી, જેમાં પોતાની સંપત્તિ દત્તક લીધેલા દીકરા અલી સૈયદ પરવેઝ અને પરિવારના નામે કરી હતી. જોકે, ડિસેમ્બર 2020માં અલી સૈયદ પરવેઝનું પણ બ્રિટનમાં નિધન થઈ ગયું હતું, અને હવે તેમના પરિવારમાં પત્ની તથા ત્રણ બાળકો છે.
પરિવારનો મુખ્ય આરોપ છે કે નિમ્મીના નિધન બાદ કેરટેકરે તેમની સંપત્તિ અને બેંક જમા રકમનો દુરુપયોગ કર્યો. તેણે એફડીની રકમ ઉપાડી લીધી અને કારને ભંગાર તરીકે વેચીને નાણાં પોતાના અંગત ઉપયોગમાં લીધા. પરિવારનું કહેવું છે કે કેરટેકર વસિયતની માહિતી આપવા તૈયાર નહોતો, જેને કારણે તેમણે બોમ્બે હાઈકોર્ટમાં જનહિત અરજી દાખલ કરી હતી. કોર્ટની કાર્યવાહી બાદ વસિયત સામે આવી ત્યારે પરિવારને તમામ હકીકતની જાણ થઈ. હાલ જુહૂના બંને ફ્લેટ બંધ હાલતમાં છે, જેની કિંમત વર્ષો પહેલાં 7 થી 8 કરોડ રૂપિયા આંકવામાં આવી હતી. આરોપી આ ફ્લેટ્સ વેચીને રકમ વહેંચવાનો પ્રસ્તાવ પણ લાવ્યો હતો, જેને પરિવારે ફગાવી દીધો હતો.
આ ગંભીર મામલે સાંતાક્રુઝ પોલીસે આઈપીસીની કલમ 404, 406, 420, 465, 467, 468 અને 472 હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે, અસલી નામ નવાબ બાનો ધરાવનાર અભિનેત્રી નિમ્મીએ 1940 અને 1950ના દાયકામાં રાજ કપૂર અને દિલીપ કુમાર જેવા દિગ્ગજો સાથે કામ કરીને હિન્દી સિનેમામાં પોતાની અનોખી ઓળખ બનાવી હતી, અને વર્ષ 2020માં કોરોના કાળ દરમિયાન તેમનું નિધન થયું હતું.