ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીની તૈયારીઓના ભાગરૂપે દિલ્હી ખાતે કોંગ્રેસ પાર્ટીની એક અત્યંત મહત્વપૂર્ણ રણનીતિક બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સ્પષ્ટ શબ્દોમાં સંદેશ આપ્યો હતો કે અખિલેશ યાદવની સમાજવાદી પાર્ટી (SP) સાથે બેઠકોની વહેંચણી અત્યંત સન્માનજનક હોવી જોઈએ. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે સમાજવાદી પાર્ટી અમારી સૌથી મહત્વની સહયોગી પાર્ટી છે અને ચૂંટણી જીતવા માટે દરેક સહયોગીને સાથે લઈને ચાલવું પડશે.
દિલ્હીમાં યોજાયેલી આ ઉચ્ચ સ્તરીય બેઠકમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, પ્રિયંકા ગાંધી, સંગઠન મહાસચિવ કે.સી. વેણુગોપાલ, ઉત્તર પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ આરાધના મિશ્રા, સાંસદ ઈમરાન મસૂદ અને પ્રભારી રાજેન્દ્ર પાલ ગૌતમ સહિતના વરિષ્ઠ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. આગામી વિધાનસભા ચૂંટણીમાં અખિલેશ યાદવ સાથે બેઠકોની વહેંચણી અને અન્ય ચૂંટણીલક્ષી મુદ્દાઓ પર ઊંડાણપૂર્વક મંથન તેમજ સંકલન સાધવા માટે કોંગ્રેસે 5 સભ્યોની એક ખાસ કમિટીની રચના કરી છે. આ કમિટીમાં પ્રિયંકા ગાંધી, કે.સી. વેણુગોપાલ, રાજેન્દ્ર પાલ ગૌતમ, ઈમરાન મસૂદ અને આરાધના મિશ્રાનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેઓ ગઠબંધનના તમામ પેચ ઉકેલવાની જવાબદારી સંભાળશે.
બેઠક પૂર્ણ થયા બાદ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ (X) પર માહિતી શેર કરતા જણાવ્યું હતું કે ઉત્તર પ્રદેશ કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ સાથે રાજ્યની વર્તમાન રાજકીય પરિસ્થિતિ અને આગામી ચૂંટણી અંગે વિગતવાર ચર્ચા થઈ છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ઉત્તર પ્રદેશની આગામી ચૂંટણી દેશના રાજકારણને એક નવી દિશા આપશે, કારણ કે રાજ્યની જનતા પરિવર્તન ઈચ્છે છે અને સામાજિક ન્યાય, સમાન તક તેમજ વંચિત વર્ગોના અધિકારોને મજબૂત થતા જોવા માંગે છે. કોંગ્રેસ પાર્ટી INDIA ગઠબંધન સાથે મળીને જનતા સમક્ષ એક મજબૂત વિકલ્પ રજૂ કરશે.
કોંગ્રેસની આ બેઠક એવા સમયે યોજાઈ છે જ્યારે કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી વચ્ચે લાંબા સમયથી બે મુખ્ય મુદ્દાઓ પર મતભેદ ચાલી રહ્યા છે. પ્રથમ મુદ્દો બેઠકોની વહેંચણીનો છે, જ્યારે બીજો મુદ્દો સ્વામી પ્રસાદ મૌર્યને ગઠબંધનમાં સામેલ કરવાની કોંગ્રેસની કવાયત છે. તાજેતરમાં જ અખિલેશ યાદવે એક મુલાકાતમાં દાવો કર્યો હતો કે કોંગ્રેસે રાજ્યની કુલ 403 બેઠકોમાંથી 181 બેઠકોની માંગણી કરી છે. આ ઉપરાંત, અખિલેશ યાદવ સ્વામી પ્રસાદ મૌર્યને ગઠબંધનમાં લેવાનો પણ સ્પષ્ટ ઈનકાર કરી ચૂક્યા છે, જ્યારે મૌર્યની રાહુલ ગાંધી સાથેની મુલાકાત બાદ તેઓ ગઠબંધનમાં જોડાશે તેવી અટકળો તેજ બની હતી.
ઉત્તર પ્રદેશની ગત વિધાનસભા ચૂંટણીઓના આંકડાઓ પર નજર કરીએ તો રાજ્યમાં કોંગ્રેસનું પ્રદર્શન ઘણું નબળું રહ્યું છે. વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ માત્ર 2 બેઠકો જ જીતી શકી હતી અને પાર્ટીને કુલ 2.33 ટકા મત મળ્યા હતા. તે અગાઉ વર્ષ 2017ની ચૂંટણીમાં કોંગ્રેસને 6.25 ટકા મત મળ્યા હતા અને પાર્ટી 7 બેઠકો પર વિજયી બની હતી. આ નબળા પ્રદર્શનને ધ્યાનમાં રાખીને જ સમાજવાદી પાર્ટી કોંગ્રેસની 181 બેઠકોની માંગણી સામે વાંધો ઉઠાવી રહી હોવાનું મનાય છે.
UP Assembly Elections, Congress SP Alliance, Priyanka Gandhi UP Politics, Akhilesh Yadav Rahul Gandhi, INDIA Bloc Uttar Pradesh